World

પેરેન્ટલ કિડનેપિંગ પર અમેરિકાની કડક કાર્યવાહી, કેસમાં જાણીજોઈને વિલંબ કરનારા અધિકારીઓના વિઝા પર રોક

વિદેશમાં અપહરણ કરાયેલા બાળકોને તેમના માતા-પિતા સાથે ફરીથી મિલાવવાના મામલે અમેરિકાએ નવી વિઝા નીતિ જાહેર કરી છે. બાળકોના અપહરણના આંતરરાષ્ટ્રીય કેસોના ઉકેલમાં જાણીજોઈને અવરોધ ઊભો કરનારા વિદેશી અધિકારીઓ સામે વિઝા પ્રતિબંધ લગાવી શકાય છે. આ કાર્યવાહી સંબંધિત અધિકારીઓના નજીકના પરિવારજનો સુધી પણ પહોંચી શકે છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ 28 સપ્ટેમ્બર 2026ના રોજ આ નવી નીતિની જાહેરાત કરી હતી. અમેરિકી સરકારના જણાવ્યા પ્રમાણે, જો કોઈ વિદેશી સરકારી અધિકારી, ન્યાયાધીશ, ન્યાયિક વહીવટી અધિકારી, કાયદો અમલ કરાવતી એજન્સીના અધિકારી અથવા અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ આંતરરાષ્ટ્રીય પેરેન્ટલ ચાઇલ્ડ એબ્ડક્શનના કેસના ઝડપી ઉકેલમાં જાણીજોઈને અડચણ ઊભી કરે છે, તો તેના વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.નવી નીતિ હેઠળ એવા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે, જેઓ બાળકોને તેમના સામાન્ય નિવાસના દેશમાં પરત મોકલવા માટે લાગુ પડતા કાયદા, નીતિઓ અથવા કોર્ટના આદેશોનું જાણીજોઈને પાલન કરતા નથી.

અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આવા કેસોમાં કાર્યવાહી કરવામાં વિલંબ થવાથી બાળક અને તેના માતા-પિતા વચ્ચેનું વિયોગ લાંબું બને છે અને બાળકને પરત લાવવાની પ્રક્રિયા મુશ્કેલ બને છે.અમેરિકી વિદેશ વિભાગનું કહેવું છે કે વિદેશમાં અપહરણ કરાયેલા અમેરિકન બાળકોની સુરક્ષા અને તેમને તેમના માતા-પિતા સાથે ફરીથી મિલાવવું ટ્રમ્પ પ્રશાસનની પ્રાથમિકતાઓમાં સામેલ છે.વિભાગ પહેલેથી જ આવા કેસોમાં બાળકોને શોધવા, કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરવા અને શક્ય હોય ત્યાં સુધી તેમની સુરક્ષિત પરતફેર માટે કામ કરે છે. નવી વિઝા નીતિ હવે જવાબદારી નક્કી કરવા માટે વધુ એક સાધન તરીકે ઉપયોગમાં લેવાશે.

આંતરરાષ્ટ્રીય પેરેન્ટલ ચાઇલ્ડ એબ્ડક્શન સામાન્ય રીતે ત્યારે સામે આવે છે જ્યારે માતા-પિતા વચ્ચે વિવાદ, અલગ રહેવાની સ્થિતિ અથવા છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન એક માતા કે પિતા બાળકને બીજા દેશ લઈ જાય અથવા ત્યાં રોકી રાખે. આવા મામલાઓમાં હેગ એબ્ડક્શન કન્વેન્શન જેવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ હેઠળ બાળકને તેના સામાન્ય નિવાસના દેશમાં પરત કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.મહત્વનું એ છે કે અમેરિકાની નવી જાહેરાતમાં હાલમાં કોઈ ચોક્કસ દેશ કે અધિકારીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે નીતિનો હેતુ એવા અધિકારીઓ અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે જવાબદારી નક્કી કરવાનો છે, જેઓ બાળકોની પરતફેર સંબંધિત આંતરરાષ્ટ્રીય કેસોના ઉકેલમાં જાણીજોઈને વિલંબ કે અવરોધ ઊભો કરે છે.આ પગલાથી અમેરિકા એવા દેશો પર આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પાલન કરવા માટે વધુ દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં પેરેન્ટલ કિડનેપિંગના કેસોના ઉકેલમાં વિલંબ થતો હોવાનો અમેરિકાનો દાવો છે. નવી નીતિ હેઠળ વિઝા પ્રતિબંધનો ઉપયોગ બાળકની સુરક્ષિત અને ઝડપી પરતફેર તથા પરિવારને ફરીથી એકસાથે લાવવાના પ્રયાસોમાં જવાબદારીનું સાધન બની શકે છે.

Most Popular

To Top