Dakshin Gujarat

‘તું મારી નહીં, તો કોઈની નહીં’ પ્રેમમાં અંધ બનેલા યુવાને યુવતી સાથે કર્યું આવું કામ

ઉમરગામ: (Umargam) લગ્નની (Marriage) ના પાડતા ઉમરગામના મોહનગામમાં માસીના ઘરે રહેતી યુવતી ઉપર બ્લેડથી હુમલો કરી પ્રેમીએ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

  • ‘તું મારી નહીં, તો કોઈની નહીં’ પ્રેમમાં અંધ બનેલા યુવાનનો યુવતી ઉપર બ્લેડથી હુમલો
  • લગ્નની ના પાડતા ઉમરગામના મોહનગામમાં માસીના ઘરે રહેતી યુવતી ઉપર પ્રેમીએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી

બગવાડામાં રહેતી દર્શના (નામ બદલ્યું છે) હાલમાં ઉમરગામ તાલુકામાં તેની માસીના ઘરે રહે છે. બગવાડા ગામ ખાડી ફળિયા ખાતે ફળિયામાં રહેતા વિનય બુધા નાયક સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ વિનય નાયક કોઈ જ કામ ધંધો કરતો નહીં હોવાથી લગ્ન કરવાની ના પાડતા અને પ્રેમ સંબંધ યુવતીએ તોડી નાખતા રવિવારે સાંજે 6:30 વાગ્યાનો સુમારે વિનય નાયક મોહનગામ ખાતે મોટર સાયકલ ઉપર આવી ઝઘડો કરવા લાગ્યો હતો અને દર્શનાને બહાર ખેંચી માર માર્યો હતો અને ‘તું મારી નહીં તો કોઈની નહીં’ તેમ કહી બ્લેડથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડી હતી.

વધુમાં માસીને પણ માર મારી ગાળો આપી હતી. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો દોડી આવતા વિનય નાયક જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતી દર્શનાને સારવાર માટે વાપી શ્રેયસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવની યુવતી દર્શનાએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનય બુધા નાયક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સરીગામમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા
ઉમરગામ : સરીગામમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડી દાવના તથા અંગઝડતીમાં મળી આવેલા રોકડા રૂપિયા ૧૩૧૬૦ કબજે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રવિવારે સાંજના ભિલાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સરીગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે વખતે મળેલી બાતમીના આધારે સરીગામ માંડા કોલોની વિસ્તારના એક ફ્લેટમાં રેડ પાડી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા નંદદાસ મહેન્દ્રદાસ, તારકનાથ ચૌધરી, પરિતોષદાસ નકુલદાસ, કલ્લુ ચંદન વર્મા, અને બાબુ વર્મા (તમામ રહે સરીગામ માંડા કોલોની)ને પકડી પાડ્યા હતા અને દાવના રોકડા રૂપિયા ૧૦૦૦ તથા અંગઝડતીમાં મળી આવેલા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૧૩૧૬૦ તથા પત્તા કબજે લઈ ગુનો નોંધી વધુ તપાસ ભીલાડ પોલીસે હાથ ધરી હતી.

Most Popular

To Top