હવે કોલેજ અને યુનિ.ના વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે

સુરત : યુનિવર્સિટી અને કોલેજોના જે વિદ્યાર્થીઓ બે ડિગ્રી કોર્સ એક સાથે કરવા માંગે છે તેમના માટે યુજીસી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે. જો કે બે ડિગ્રીઓને વિદ્યાર્થીઓએ અલગ-અલગ માધ્યમોથી પ્રાપ્ત કરવાની રહેશે. જેમાં એક રેગ્યુલર માધ્યમથી અને બીજી ડિસ્ટન્સ લર્નિંગ મારફતે પ્રાપ્ત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાને કારણે કરવામાં આવેલા લોકડાઉનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પધ્ધતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

એક જ ફેકલ્ટીમાં પણ લઈ શકાશે ડિગ્રી

આ અંગે UGCના સચિવ રજનીશ જૈને જણાવ્યું કે, તાજેતરમાં જ આયોગની બેઠકમાં આ બાબતના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં દેશના તમામ વિદ્યાર્થીઓને એકસાથે બે ડિગ્રી મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને એક જ સમયે બે ડિગ્રી એક જ ફેકલ્ટીમાં અથવા અલગ-અલગ ફેકલ્ટીમાં કરવાની સુવિધા મળશે.

આગામી દિવસોમાં આ માટે નોટિફિકેશન બહાર પાડી દેવાશે

યુજીસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બન્ને ડિગ્રીઓમાંથી એક કોર્સ રેગ્યુલર તરીકે અને બીજો ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગના માધ્યમથી પૂર્વ કરવાનો રહેશે. આ સંદર્ભે નોટિફિકેશન જલ્દી જાહેર કરીને વિદ્યાર્થીઓને આ અંગે જાણકારી આપવામાં આવસે. જો કે હાલ યુનિવર્સિટીમાં ઓડ-ઈવન પધ્ધતિથી પણ શિક્ષણ આપવાની વિચારણા ચાલી રહી છે.

Related Posts