યુકેના ખોફનાક સિરિયલ કિલર પિટર સ્ટક્લીફનું કોરોનાથી મોત

લંડન, તા. ૧૩: જેણે ૧૯૭૦ના દાયકામાં ઉત્તર ઇંગ્લેન્ડમાં ત્રાસ અને ભયનો માહોલ સર્જી દીધો હતો તે યોર્કશાયર રિપર તરીકે ઓળખાયેલ બ્રિટિશ સિરિયલ કિલરનું આજે અહીંની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું છે, તેની વય ૭૪ વર્ષની હતી.

પિટર સ્ટક્લીફ, કે જે પહેલા કબરો ખોદવાનું કામ કરતો હતો તેણે ૧૯૭પ અને ૧૯૮૦ વચ્ચે યોર્કશાયર અને ઉત્તરપશ્ચિમ ઇંગ્લેન્ડમાં ૧૩ મહિલાઓની હત્યાઓ કરી હતી. ઘણા સમય સુધી પોલીસ તંત્ર તેને પકડવામાં નિષ્ફળ ગયું હતું અને તેણે ઉપરાછાપરી હત્યાઓ કરીને ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું.

પોલીસ સાથે લાંબી સંતાકુકડી બાદ તે પકડાયો હતો. તેણે શોધવામાં પોલીસને ૨૫ લાખ કલાક જેટલો સમય લાગ્યો હતો. અદાલતે તેને એક સાથે અનેક આજીવન કેદની સજા ફટકારી હતી અને તે સજા ભોગવી રહ્યો હતો ત્યારે હાલમાં તેને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો અને તેણે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો હતો. તે અનેક પ્રકારની આરોગ્ય લક્ષી તકલીફોથી પીડાતો હતો. તેના મૃત્યુ અંગે કોરોનર દ્વારા તપાસ કરવામાં આવશે.

તે જ્યારે ઉપરાછાપરી હત્યાઓ કરી રહ્યો હતો ત્યારે જાત જાતની વાતો ફેલાઇ હતી અને અનેક વખત જાહેરમાં દેખાવા છતાં તેને પોલીસ ઓળખી શકી ન હતી.

Related Posts