Entertainment

ટી.વી. શો પ્રેઝન્ટર શોનાલીને લાગ્યો ઍક્ટિંગનો ચસ્કો

શોનાલી નાગરાણી નાગર છે? એવો સવાલ આરંભે પૂછતા હો તો કહેવાનું કે તે દિલ્હીમાં જન્મેલી છે અને સોનાલી નહીં શોનાલી છે. ૨૦૦૩ માં ફેમિના મિસ ઇન્ડિયા રહી ચુકી છે અને મિસ ઇન્ટરનેશનલ તરીકે ફર્સ્ટ રનરઅપ હતી. મિલીટરી બેકગ્રાઉન્ડ ધરાવતા કુટુંબની શોનાલીના પપ્પા અત્યારે નિવૃત્ત નેવલ ઓફીસર છે અને હજુ એક વાત કે કેરળમાં રહેતા શિરાઝ ભટ્ટાચાર્યને તે ૯ વર્ષ પહેલાં પરણી ચુકી છે. શોનાલી મૂળ સિંધી છે. મિસ ઇન્ડિયા બન્યા પછી તે નવા જગતમાં આવી પડી. શરૂઆત તેણે ટેલિવિઝન પ્રેઝન્ટર તરીકે કરેલી. ઝૂમ ટી.વી. પર ‘પોપકોર્ન’ શોને હોસ્ટ કરતી હતી.

ઇન્ડિયન આયડલના ક્રિસમસ સ્પેશીયલ એપિસોડને પણ તેણે પ્રેઝન્ટ કરેલો. આમ તે ઘણા વખત જુદી જુદી રીતે ટી.વી. શો કરતી રહી. ‘ખતરોં કે ખિલાડી’ માં ય તે હતી ને ‘બીગબ્રધર’ ‘બિગ બોસ’ની પાંચમી સીઝનમાં ય હતી. ‘ચેમ્પિયન ટ્રોફી’ દરમ્યાન તેને હોસ્ટિંગ કરવાનું આવ્યું અને ૨૦૦૭ ના ક્રિકેટ વર્લ્ડ કપને ય તેણે હોસ્ટ કર્યો. ધીમે ધીમે કરતાં ક્રિકેટ શોની જાણે તે સ્પેશીયલ બનતી ગઇ. આઇસીસી વર્લ્ડ ટવેન્ટી-20 – ૨૦૦૯ વેળા તો તે અને વસીમ અકરમ પ્રેઝન્ટર હતા, પણ તેનું વલણ અભિનય તરફ હતું અને ઇમરાન હાશ્મી સાથેની ‘ઝહર’માં તેને ચાન્સ મળ્યો.

અલબત્ત, શમિતા શેટ્ટી, ઉદિતા ગોસ્વામીવાળી એ ફિલ્મ બનતા વાર લાગી અને નાગરાણીએ ફિલ્મ છોડી દેવી પડેલી પણ પછી ‘રબને બના દી જોડી’, ‘દિલ બોલે હડિપ્પા’ જેવી યશરાજની ફિલ્મમાં તેને કેમિયો કરવા મળ્યો અને આ વર્ષે ‘તાંડવ’ નામની વેબસિરીઝમાં અદિતિ મિશ્રા તરીકે આવી. હવે ‘સનફલાવર’માં આવશે. વેબસિરીઝ તેના માટે નવી નવી છે અને અભિનય પણ તેના માટે હજુ ખૂલતો જતો એરિયા છે પણ હવે તે ટી.વી. પર પ્રેઝન્ટર રહ્યાથી આગળ વધી જૂદુ કરવા માંગે છે એટલે ફિલ્મ અને વેબસિરીઝ માટે તૈયાર રહે છે. કયારેક તે વિચારે છે કે જો મિસ ઇન્ડિયા ન બની હોત તો મોડલિંગ, ટી.વી. શો પ્રેઝન્ટર ન બની હોત. ક્રિકેટ વર્લ્ડકપ પ્રેઝન્ટ કરવા સુધીમાં તો તે ક્રિકેટ વિશે ઘણું જાણતી થઇ ગઇ. હવે ફિલ્મ ને વેબસિરીઝ તેને નવી રીતે એકસ્પ્લોર કરે છે.

Most Popular

To Top