ટ્રમ્પ ભારતીય-અમેરિકી સમુદાયના મતો મેળવવા મોદીના નામનો ઉપયોગ કરી રહ્યાા છે?

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. ત્રીજી નવેમ્બરે અમેરિકી પ્રમુખપદ માટે મતદાન છે અને તે માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ફરી ચૂંટાવા માટે સખત રીતે ઝઝૂમી રહ્યા છે તો તેમના ડેમોક્રેટ હરીફ જો બિડેન તેમને બરાબર ટક્કર આપી રહ્યા છે. કેટલાક ચૂંટણી પૂર્વેના ઓપિનિયન પોલ્સ ટ્રમ્પ કરતાં બિડેન આગળ હોવાનું સૂચવે છે અને આ પોલ્સનાં તારણોને કારણે સ્વાભાવિક રીતે ટ્રમ્પની ચિંતાઓ વધી ગઇ છે. આમ પણ ટ્રમ્પનું ચાર વર્ષનું શાસન અનેક વિવાદો અને આક્ષેપોથી ખરડાયું છે.

ટ્રમ્પ ભારતીય-અમેરિકી સમુદાયના મતો મેળવવા મોદીના નામનો ઉપયોગ કરી રહ્યાા છે?

આર્થિક મુશ્કેલીઓ, ઇમિગ્રેશન નીતિઓના કારણે વિવિધ સમુદાયોમાં અસંતોષ વગેરે ટ્રમ્પની વિરુદ્ધમાં જઇ રહ્યા હતા ત્યાં છેલ્લે કોરોના વાયરસનો રોગચાળો આવી પડ્યો અને આમાં ટ્રમ્પ પ્રશાસન ખરાબ રીતે નિષ્ફળ જતું જણાયું. આખા વિશ્વમાં અમેરિકા આ રોગચાળાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ જોત જોતામાં બની ગયુ઼ં અને આ ઓછું હોય તેમ આ રોગચાળાની વચ્ચે જ અશ્વેત લોકો પર પોલીસ અત્યાચારોના કેટલાક બનાવો બની ગયા અને ઘણા ચર્ચિત બન્યા અને તેમને કારણે ફકત અમેરિકામાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયાં. ટ્રમ્પની બદનામી ઠીક ઠીક થઇ ગઇ અને ચૂંટણી નજીક આવતાં ટ્રમ્પે મતો મેળવવા જે હવાતિયાં મારવા માંડ્યાં તેમાં તેમને ભારતીય-અમેરિકન સમુદાય ઘણો મહત્ત્વનો જણાયો છે અને આ સમુદાયને રીઝવવાના પ્રયાસો તેમણે શરૂ કર્યા છે. એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય-અમેરિકી સમુદાયને રિઝવવા માટે ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પ સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો બતાવવામાં આવી રહ્યો છે! 

રિપબ્લિકન પક્ષના ચૂંટણી પ્રચારના વીડિયોમાં અમેરિકામાં ગયા વર્ષે મોદીની અમેરિકા યાત્રા વખતે ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા તેમનું સન્માન કરવા યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમ અને ત્યાર બાદ આ વર્ષે ટ્રમ્પની ભારતની મુલાકાત વખતે અમદાવાદમાં યોજાયેલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વખતના ટ્રમ્પ અને મોદીના ભેગા ફૂટેજ બતાવવામાં આવે છે અને મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતા જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે શબ્દો સંભળાવવામાં આવે છે! દેખીતી રીતે અમેરિકામાંનો મોદીનો ચાહક વર્ગ આનાથી પ્રભાવિત થઇને ટ્રમ્પને જ મત આપશે એવી રિપબ્લિકન પક્ષની ગણતરી દેખાઇ આવે છે.

ટ્રમ્પ ભારતીય-અમેરિકી સમુદાયના મતો મેળવવા મોદીના નામનો ઉપયોગ કરી રહ્યાા છે?

બીજી બાજુ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના પ્રમુખપદના ઉમેદવાર જો બિડેનના નાયબ તરીકે એટલે કે અમેરિકી ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને મેદાનમાં ઉતાર્યાં છે. ખરેખર તો આ કોઇ ભારતીય મહિલાનું અમેરિકામાં ઘણું મોટું અને અભૂતપૂર્વ સન્માન છે. કમલા હેરિસ એક હોનહાર મહિલા છે તથા અનેક હોદ્દાઓ આ પહેલાં અમેરિકામાં શોભાવી ચૂક્યાં છે અને તેમને યથોચિત રીતે ડેમોક્રેટિક પક્ષે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

જો કે આ કમલાબહેન મોદી સરકારની કાશ્મીર નીતિના ટીકાકાર રહ્યાં છે અને તેને કારણે અમેરિકામાં વસતા ભારતીય રાષ્ટ્રવાદીઓ વધુ પ્રમાણમાં રિપબ્લિકન પક્ષ તરફ ઢળે અને ટ્રમ્પને મત આપે તેવી પણ ગણતરી રિપબ્લિકન પક્ષના ચૂંટણી પ્રચારના આયોજકોની અને ટ્રમ્પની હોઇ શકે છે અને આ ગણતરીથી પણ ભારતીયોને વધુ આકર્ષવા માટે ટ્રમ્પ અને મોદીને સાથે દર્શાવતો વીડિયો બતાવવામાં આવી રહ્યો હોય તેમ બને. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે એક વિદેશની ચૂંટણીમાં કોઇ ત્યાંનો કોઇ રાજકીય પક્ષ ભારતીય વડાપ્રધાનના નામનો કે તેમના પ્રવચનનો ઉપયોગ કરે તે યોગ્ય છે ખરું?

આજ સુધી અન્ય દેશોના રાજકારણમાં આ કે તે પક્ષનો પ્રચાર કે તરફેણ નહીં કરવા તેવી ભારતીય નેતાઓની નીતિ રહી છે અને તે યોગ્ય જ છે. રાજકીય નિરીક્ષકોના મત પ્રમાણે ભારતીય વડાપ્રધાન અમેરિકામાં કોઇ એક પક્ષનો સીધો કે આડકતરો પ્રચાર કરે અને તે પક્ષના ઉમેદવાર હારી જાય અને હરીફ પક્ષ સત્તા પર આવે તેવા સંજોગોમાં    ભારતને માટે અમેરિકામાં રહેતાં ભારતીયો માટે કંઇક મુશ્કેલી પણ ઊભી થઇ શકે છે. ખરેખર તો મોદી સરકારે જ રિપબ્લિકન પક્ષને સંદેશ પાઠવી દેવો જોઇએ કે અમેરિકાના ચૂંટણી પ્રચારમાં ભારતીય વડાપ્રધાનના નામ કે પ્રવચનનો ઉપયોગ કરો નહીં.

અમેરિકામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી છે અને તેના એક મોટા વર્ગમાં ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિ્ય છે એ હકીકતથી વાકેફ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી આ સ્થિતિનો લાભ ઉઠાવવા પ્રયાસ કરે તે સમજી શકાય તેવી વાત છે અને ત્યાંની ચૂંટણી આચાર સંહિતાઓ પ્રમાણે તેમાં કશું ખોટુ઼ં પણ નથી. પરંતુ રિપબ્લિકન પક્ષના આવા વર્તનને કારણે ભારતને લાંબે ગાળે નુકસાન થઇ શકે છે તે બાબત ધ્યાનમાં લઇને ભારત સરકારે અમેરિકાના રિપબ્લિકન પક્ષને પોતાના ચૂંટણી પ્રચારમાં ભારતીય વડાપ્રધાનના નામનો ઉપયોગ નહીં કરવા જણાવવું જોઇએ.

Related Posts