ત્રિપુરા ફરી સળગ્યું: ઇશાન ભારતના તાપણાઓ સળગતાં જ રહેશે?

દેશના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કાયમ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહે છે. કાશ્મીર અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોનો સમાવેશ આવા વિસ્તારોમાં ખાસ કરી શકાય. ઇશાન ભારત એટલે કે ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં સમયે સમયે વિવિધ કારણોસર અશાંતિ અને હિંસા સર્જાતી રહી છે. આસામમાં તો લોહીયાળ વંશીય હિંસાનો એક લાંબો ઇતિહાસ છે.

નાગાલેન્ડ અને મણિપુરમાં ઉગ્ર અલગતાવાદી ચળવળો ચાલે છે જે હાલ કંઇક શાંત છે છતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તો છે જ. ત્રિપુરામાં લગભગ બે દાયકા પહેલા લોહીયાળ વંશીય હિંસા થઇ હતી અને બ્રુ નામે ઓળખાતા ત્યાંના આદિવાસીઓએ તે સમયે પાડોશના મિઝોરમ રાજ્યમાં ભાગી જવું પડ્યું હતું અને ત્યારથી તેઓ ત્યાં જ શરણાર્થીઓ તરીકે રહેતા હતા. હવે આ લોકોને ફરીથી ત્રિપુરામાં લાવવાના યોજના કેન્દ્રની મોદી સરકારે અમલમાં મૂકી છે અને તેમાંથી ત્રિપુરામાં ફરીથી ભડકો થયો છે.

મળતી માહિતી મુજબ બ્રુ આદિવાસી શરણાર્થીઓના ત્રિપુરામાં પુનર્વસનના મુદ્દે અચોક્કસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે દરમ્યાન આ પુનર્વસનના વિરોધમાં દેખાવો કરી રહેલા લોકો  તોફાને ચડ્યા હતા. તેમણે પાનીસાગર ટાઉન નજીક નેશનલ હાઇવે નં.૮ અવરોધ્યો હતો જે સ્થળ રાજ્યના પાટનગર અગરતલાથી ચાર કલાકના અંતરે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદર્શનકારીઓએ તોફાનો શરૂ કર્યા હતા અને પથ્થરમારો કરવાનો શરૂ કર્યો હતો જેના પછી તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. પોલીસ ગોળીબારમાં એક શખ્સનું મોત થયું હતું. શનિવારના આ તોફાનો અને ગોળીબારમાં અન્ય અનેક જણા ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવાય છે.લગભગ ૩પ૦૦૦ જેટલા આદિવાસી બ્રુ શરણાર્થીઓને મિઝોરમથી ફરી ત્રિપુરામાં વસાવવાની કેન્દ્ર સરકારની યોજના સામે ત્રિપુરામાં ૧૬મી નવેમ્બરથી અચોક્કસ મુદ્દતનો બંધ ચાલી રહ્યો છે.

સોમવારથી વિદ્યાર્થીઓ, મહિલાઓ અને બાળકો સહિત હજારોની સંખ્યામાં વિરોધ પ્રદર્શનકારીઓ ત્રિપુરામાં સરકારી કચેરીઓની સામે તથા અન્ય જાહેર સ્થળોએ દેખાવો કરી રહ્યા છે અને રેલીઓ યોજી રહ્યા છે. મંગળવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યારે વધુ બગડી હતી જ્યારે આદિવાસી શરણાર્થીઓના એક જૂથે ૨૬ બિન-આદિવાસી ઘરો પર અને એક ફ્યુઅલ પંપ પર હુમલો કર્યો હતો જેના પગલે ૧૧૦ જણાને સલામત સ્થળે ભાગી છૂટવાની ફરજ પડી હતી.

આજથી ૨૩ વર્ષ પહેલા ૧૯૯૭માં ત્રિપુરામાં ભારે વંશીય હિંસા થઇ હતી જેના પછી હજારોની સંખ્યામાં બ્રુ આદિવાસીઓ પાડોશના મિઝોરમ રાજ્યમાં ભાગી ગયા હતા. ત્યાં તેઓ શરણાર્થી છાવણીઓમાં રહેતા હતા. આ આદિવાસીઓને ત્રિપુરામાં ફરી વસાવવાની યોજના મોદી સરકારે હાથ ધરી છે. ગૃહ મંત્રી અમિત શાહનો આ માનીતો પ્રોજેક્ટ છે અને ઇશાન ભારતમાં તેને મોદી સરકારની એક મોટી સફળતા માનવામાં આવે છે.

પરંતુ સ્થાનિક બિન આદિવાસીઓ આનો સખત વિરોધ કરવા માંડ્યા છે. અને આ મુદ્દે ત્રિપુરા ફરી સળગ્યું છે. ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં અનેક સ્થળે વંશીય ધિક્કાર એ એક મોટી સમસ્યા છે અને કેટલાક વિસ્તારોમાં તે ઘણી ઉગ્ર છે, અને આવા વિસ્તારોમાં ભારતના ઉત્તર-પૂર્વીય ભાગના કેટલાક રાજ્યોનો પણ સમાવેશ થાય છે. લાંબો સમય શાંત રહ્યા પછી ત્રિપુરા ફરી ભડકે બળવા માંડ્યું છે તે જોતા વિચાર આવે છે કે શું ઇશાન ભારતમાં તાપણાઓ એક યા બીજા બહાને સળગતાં જ રહેશે?

Related Posts