નેપાળ સરહદે ઝેરીલો પ્રચાર શરૂ થયો છે: ભારત સાવધ રહે

ચીન(China) સાથેના સરહદી સંઘર્ષ(Border conflict) વચ્ચે હાલ એક વાત ભૂલી જવાતી લાગે છે કે નેપાળે તેનો નવો રાજકીય નકશો બહાર પાડી દીધો છે અને તેમાં ભારતના કેટલાક વિસ્તારોને પોતાના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પૂર્વીય લડાખના ગલવાન ખીણ(Galvan valley)ના વિસ્તારમાં ભારત અને ચીન(India and China)ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ તેના થોડા દિવસ પહેલાં જ નેપાળની સંસદે સર્વાનુમતે આ નવો નકશો મંજૂર કર્યો હતો અને ત્યાર બાદ નેપાળ સરકારે ભારતના વિરોધને અવગણીને આ નકશો બહાર પણ પાડી દીધો હતો.

નેપાળ સરહદે ઝેરીલો પ્રચાર શરૂ થયો છે: ભારત સાવધ રહે

પોતાના આ જૂના મિત્રને વંકાતું અટકાવવાનો પ્રયાસ તો કર્યો, પણ નેપાળ પોતાના અભિગમમાં મક્કમ રહ્યું અને ધરાર નકશો બહાર પાડી દીધો. દેખીતી રીતે નેપાળ ચીનના જોરે કૂદી રહેલું જણાય છે. હવે ભારત માટે એક નવા ચિંતાજનક અહેવાલ બહાર આવ્યા છે અને તે એ કે નેપાળ(Nepal)ના કેટલાક એફએમ રેડિયો સ્ટેશનો(FM radio stations)એ ભારત વિરોધી(Anti-India) પ્રચાર શરૂ કર્યો છે અને આ રેડિયો સ્ટેશનોનાં પ્રસારણો નેપાળ-ભારતના સરહદી વિસ્તારોમાં સંભળાય છે અને નેપાળની સરહદે આવેલા ભારતના વિસ્તારોમાં પણ આ પ્રસારણો સંભળાઇ શકે છે.

પિથોરાગઢના ધારચુલા સબડિવિઝનમાં ‌‌‌‌‌‌‌‌‌રહેતી એક મહિલાએ હાલમાં જણાવ્યું હતું કે કેટલાક દિવસથી કેટલાક નેપાળી એફએમ રેડિયો સ્ટેશનો નેપાળી ગીતોની વચ્ચે ભારત વિરોધી પ્રવચનો પ્રસારિત કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે નેપાળ સાથેની સરહદ ધરાવતા વિસ્તારોમાં ભારતીયો પણ નેપાળી ભાષા જાણતા હોય અને નેપાળી ગીતોનાં શોખીન પણ હોઈ શકે. ઘણા સરહદી વિસ્તારોમાં આવું બનતું હોય છે અને તેમાં કશું ખોટું પણ નથી. પરંતુ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી નેપાળી રેડિયો સ્ટેશનો ભારત વિરોધી પ્રચાર કરીને સરહદે વસતાં ભારતીયોને ગેરમાર્ગે દોરી શકે છે. આ નેપાળી રેડિયો સ્ટેશનો નેપાળી ગીતોની વચ્ચે નેપાળી નેતાઓએ કરેલાં ભારત વિરોધી પ્રવચનો પ્રસારિત કરી રહ્યા છે.

નેપાળ સરહદે ઝેરીલો પ્રચાર શરૂ થયો છે: ભારત સાવધ રહે

ભારત અને નેપાળના સરહદી વિસ્તારોમાં સાંભળી શકાતા આવા મુખ્ય એફએમ રેડિયો સ્ટેશનો નયા નેપાલ અને કાલાપાની રેડિયો નામના રેડિયો સ્ટેશનો છે જેઓ ભારત વિરોધી પ્રચાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત કેટલીક જૂની ચેનલો જેવી કે મલ્લિકાર્જુન રેડિયો અને અન્નપૂર્ણા ડોટ ઓનલાઇન નામની એક વેબસાઇટ કાલાપાનીને નેપાળી પ્રદેશ તરીકે દર્શાવતો પ્રચાર કરે છે એમ આ મહિલાએ જણાવ્યું હતું. સરહદી વિસ્તારના એક સામાજિક નેતાએ જણાવ્યું હતું કે કેટલાંક નેપાળી રેડિયો સ્ટેશનોએ કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરા વિસ્તારોની હવામાનની માહિતી પણ પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે અને એ રીતે આ વિસ્તારો નેપાળના છે એમ દર્શાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

જો કે આ બાબતે પૂછવામાં આવતા સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ બાબતે પોતાને કોઈ માહિતી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું! પિથોરાગઢના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે આવા ભારત વિરોધી પ્રચારની કોઈ માહિતી ગુપ્તચર તંત્ર પાસે નહીં હોવાનું જણાવ્યું હતું! નેપાળી રેડિયો પર ભારત વિરોધી પ્રચાર સામાન્ય નાગરિકોને સંભળાઇ રહ્યો છે અને ગુપ્તચર તંત્ર પાસે તેની કોઈ માહિતી જ નથી! એ બાબત યાદ રાખવી જોઈએ કે ગેરપ્રચાર કરીને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને ગેરમાર્ગે પણ દોરી શકાય છે અને ભારત વિરુદ્ધ ઉશ્કેરી પણ શકાય છે. દિવસે દિવસે નેપાળનો ભારતદ્વેષ વધી રહ્યો છે અને તે ઉગ્ર વર્તન કરવા માંડ્યું છે ત્યારે ભારતે ખાસ સાવધ રહેવાની જરૂર છે.

નેપાળ સરહદે ઝેરીલો પ્રચાર શરૂ થયો છે: ભારત સાવધ રહે

ઉત્તરાખંડમાં આવેલા લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તારો પર તો નેપાળ પોતાનો દાવો કરી જ રહ્યું છે ત્યારે હાલમાં તેણે બિહારના સરહદી પૂર્વ ચંપારણ જિલ્લાના એક વિસ્તાર પર પણ પોતાનો દાવો જમાવવાનો પ્રયાસ કર્યો છે. આ વિસ્તારમાં એક નદી પર પાળા બાંધવાની કામગીરી કરી રહેલા બિહારના કર્મચારીઓને નેપાળના સુરક્ષા કર્મચારીઓએ અટકાવ્યા હતા. સમજાવવા છતાં નેપાળીઓ ધરાર માન્યા નહીં અને ભારતીય કર્મચારીઓને પાળા બાંધવાની કામગીરી કરવા નહીં જ દીધી. છેવટે બિહાર સરકારે આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરી છે. આના પરથી સમજી શકાય છે કે નેપાળની હિંમત કેટલી વધી ગઈ છે. ચીન સરહદે પણ જ્યારે ગરમી છે ત્યારે નેપાળના આ ધમપછાડા અંગે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. ગુપ્તચર તંત્રની કે અન્ય કોઇ પણ પ્રકારની ગફલત ખૂબ મોંઘી પુરવાર થઇ શકે છે.

Related Posts