ભરૂચ: સાંપ્રત સમયમાં જળસમસ્યા વિકટ સ્થિતિનું સ્વરૂપ ધારણ કરે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. તા.૨૨મી માર્ચે વિશ્વ જળ દિવસ (World Water Day) મનાવવામાં આવે છે. જળ એ જીવન છેની વાતો થાય છે, પણ જળસંગ્રહ માટેના પ્રયાસો ઓછા પડી રહ્યા છે.
આજના સમયમાં શહેરો અને ગામડાંમાં આવેલા કૂવા (Well), વાવ (step-well) અને તળાવો (Lakes) જેવી પ્રાચીન સંકૃતિ ભુલાતી હોય એ સ્પષ્ટ દેખાય છે. ભૂતકાળના કૂવાઓ હવે બોર બની ગયા છે. વાવ પણ જવલ્લે જોવા મળે છે. પાણીને સંગ્રહ કરનારું તળાવ શોધવું અઘરું બની જાય છે. પ્રાચીન સંસ્કૃતિને ટકાવવું એ મહત્ત્વનું કાર્ય છે. એ માટે અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયાની ટીમે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે જળ સમસ્યા નિવારવા માટે અત્યંત ઉપયોગી કાર્ય હાથ ધર્યું છે. એ માટે જળ વ્યવસ્થા કરનારી જગ્યાએ મુલાકાત લઈ પાણી બચાવવા અનુરોધ કર્યો હતો. નવી ટેક્નોલોજીનો વિકાસ થતાં પેટાળમાં જમા થયેલું પાણી બોરવેલ દ્વારા ઉલેચાઈ રહ્યું છે. હજુ પણ કૂવા, વાવ કે તળાવો કેટલાંક ઠેકાણે જીવંત છે. છતાં અંકલેશ્વરમાં વોર્ડ નં.૩ પાસે આવેલા પ્રાચીન કૂવા નામશેષ અને ખંડેર હાલતમાં છે. જૂના સુરવાડી ગામે કૂવા અને રામકુંડ પાસે આવેલા કૂવાનો ઉપયોગ થતો હોવાનું દેખાય છે. જો કે, જલારામ મંદિરે ગોલાવાવની અને સુરતી ભાગોળ પાસે આવેલી વાવની માત્ર ઝલક જોવા મળે છે. નામશેષ થતા હસતી તળાવ અને દેઢિયા તળાવ જેવાં પ્રાચીન કુદરતી તત્ત્વોનો વિશ્વ જળ દિવસે ઉપયોગ થાય એ જરૂરી છે. આવી વિરાસતોના સંરક્ષણ માટે એક માસ્ટર પ્લાનની જરૂર છે.
લોકભાગીદારી જરૂરી છે: હાર્દિક પટેલ
પેરેડાઇઝ ઇન્ડિયાના સભ્ય હાર્દિક પટેલ કહે છે કે, આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર જેવાં તળાવોને અનંત સમય માટે જીવંત રાખવા માટે તળાવોના વિકાસનાં કાર્યો કરવા માટે લોકભાગીદારી અત્યંત જરૂરી છે.
ભરૂચની વસંત મિલની ચાલમાં ઊભરાતી ગટરથી રહીશો ત્રાહિમામ
ભરૂચ: ભરૂચ શહેરની વસંત મિલની ચાલમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનું ગંદું પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચના વોર્ડ નં.8માં સમાવેશ થતા વસંત મિલની ચાલ વિસ્તારમાં ગટરનું ગંદું પાણી ઉભરાઈ રહ્યું છે. આ સમસ્યાના કારણે લોકોએ વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં લોકોના ઘરમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સાથે જ સ્થાનિકોએ વોર્ડ નં. 8માં પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમની સમસ્યાઓનું નિરાકરણ કરતા નહીં હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે આવનારા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકા વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.