ભારત કે ચીન બેમાંથી કોઈ યુદ્ધ કરવા માગતું નથી

એક સાધુએ સાપને સલાહ આપી હતી કે તારે લોકોને કરડવું નહીં; પણ ફૂંફાડો મારવાનું ભૂલવું નહીં. જો સાપ અહિંસક બની જાય અને ફૂંફાડો મારવાનું બંધ કરે તો લોકો તેને પથ્થરથી મારી નાખે તેવું પણ બની શકે તેમ હતું. ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ તેવા જ છે. જો ભારત ચીનને ફૂંફાડો પણ મારવાનું બંધ કરી દે તો ચીની ડ્રેગન ભારતના વાઘને ગળી જાય તેવું પણ બની શકે છે. મે મહિનામાં ચીન જેની પર ભારતનો દાવો હતો તેવા વિવાદગ્રસ્ત પ્રદેશમાં ઘૂસી ગયું હતું. ભારતે તેનો જોરદાર વિરોધ કર્યો, પણ ચીન પોતાનું લશ્કર પાછું ખેંચવા તૈયાર નહોતું. કમાન્ડર સ્તરની વાટાઘાટો દરમિયાન ચીન સૈદ્ધાંતિક રીતે સંમત થતું હતું કે બંને દેશોએ પોતાનું લશ્કર પાછું ખેંચી લેવું જોઈએ; પણ જમીન પર તેનો કોઈ પ્રભાવ જોવા મળતો નહોતો.

ભારત કે ચીન બેમાંથી કોઈ યુદ્ધ કરવા માગતું નથી

થોડા દિવસ પહેલાં ભારતના લશ્કરે પણ આક્રમક અભિગમ અપનાવીને લાઈન ઓફ કન્ટ્રોલની આપણી બાજુ પણ ચીન તરફ આગેકૂચ કરીને દક્ષિણ પેંગોંગ લેક વિસ્તારના પહાડો પર કબજો જમાવી દીધો હતો. તેને કારણે ચીન સંરક્ષણાત્મક પરિસ્થિતિમાં મૂકાઈ ગયું હતું. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે ચીનનું લશ્કર કોઈ સંયોગોમાં ભારતને ત્યાંથી ખદેડી શકે તેમ નથી. ભારતના સૈન્ય પાસે પણ શિયાળા દરમિયાન આ જમીન પરનો કબજો ટકાવી રાખવો કઠિન છે, પણ ભારતને કારગિલમાં અને સિયાચેનમાં તે પ્રકારનો કબજો ટકાવી રાખવાની ફાવટ છે.

ચીનને હવે બ્રહ્મજ્ઞાન થયું છે કે ભારત સાથે યુદ્ધ કરીને કોઈ ફાયદો નથી. વળી ભારતને પણ વર્તમાન પરિસ્થિતિમાં યુદ્ધ કોઈ સંયોગોમાં પરવડે તેમ નથી. ભારતમાં કોરોનાના કેસો વધતા જાય છે અને જીડીપી ઘટતો જાય છે. તે સંયોગોમાં જો ચીન સાથે યુદ્ધ છેડવામાં આવે તો બંને દેશો બરબાદ થઈ જાય. ભારતને અને ચીનને આ વાતનો ખ્યાલ આવતાં જ મોસ્કોમાં બંને દેશના વિદેશ મંત્રીઓ દ્વારા પાંચ મુદ્દાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારની જાહેરાત પછી ટેન્સન ઓછું થયું છે, પણ સરહદનો વિવાદ ઉકેલવાનો હજુબાકી રહે છે.

ભારત કે ચીન બેમાંથી કોઈ યુદ્ધ કરવા માગતું નથી

રાજનીતિમાં એવું બનતું હોય છે કે તમારે કોઈ દેશ સાથે સમાધાન કરવું હોય તો પણ પહેલાં યુદ્ધની વાત કરીને પ્રતિપક્ષ પર દબાણ આણવું પડે છે. હજુ ચાર દિવસ પહેલાં જ ચીનના સરકારી દૈનિક ગ્લોબલ ટાઇમ્સે લલકાર કર્યો હતો કે ‘‘ ચીન ટૂંક સમયમાં ભારત ઉપર ભારે પ્રહાર કરીને તેને ખતમ કરી નાખવાનું છે.’’ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ હુંકાર કરતા કહ્યું હતું કે ‘‘ભારત કોઈ પણ ભોગે તેની સરહદોની રક્ષા કરવા કટિબદ્ધ છે.’’ બંને દેશો દ્વારા યુદ્ધની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.

તા. ૧૫ જૂનની ઘટના તો સંઘર્ષના પ્રારંભ જેવી હતી, જેમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થઈ ગયા હતા. તેમ છતાં ભારતે સંયમ રાખીને ચીન પર રાજદ્વારી દબાણ લાવીને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કર્યો હતો; કારણ કે ભારત યુદ્ધ ઇચ્છતું નહોતું. ભારતને તક મળી ત્યારે તેણે વિવાદાસ્પદ પહાડો પર કબજો જમાવી દીધો હતો. અત્યારે પણ લાઇન ઓફ કન્ટ્રોલ પર બંને દેશો દ્વારા સૈન્યની અને શસ્ત્રોની જબરદસ્ત જમાવટ કરવામાં આવી છે. યુદ્ધ જેમ જેમ નજીક આવતું હોય છે તેમ તેમ તેની ભયાનકતા સમજાતી જાય છે અને શાંતિની કિંમત પણ સમજાતી જાય છે. ભારતને અને ચીનને શાંતિની આવશ્યકતા સમજાઈ જતાં તેમણે મોસ્કોમાં શાંતિકરાર કર્યા છે.

છેલ્લાં ૧૦ વર્ષમાં જે નવી વિશ્વવ્યવસ્થા આકાર ધારણ કરી રહી છે તેમાં ચીન મજબૂત બનતું જાય છે અને અમેરિકા સતત નબળું પડતું જાય છે. આજે અમેરિકા ચીનનું મોટું દેવાદાર છે. જો ચીન તેની પાસેના બધા ડોલરબજારમાં વેચવા કાઢે તો અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડે તેમ છે. ચીન જગતના જમાદાર તરીકે અમેરિકાનું સ્થાન પડાવી લેવા માટે આતુર છે. તેમાં સંઘર્ષ થયા વિના રહેવાનો  નથી. અમેરિકા સહેલાઇથી ચીન સમક્ષ ઝૂકી જાય તેમાં વજૂદ નથી. અમેરિકાએ ટ્રેડ વોરના સ્વરૂપમાં ચીન સામે સંઘર્ષ છેડી જ દીધો હતો.

તેમાં કોવિદ-૧૯ નામની આંધી આવી ગઇ. ચીન તેમાંથી હેમખેમ બહાર આવી ગયું, પણ અમેરિકા તેમાંથી બહાર આવી શકે તેવા કોઈ નિર્દેશો મળતા નથી. કોવિદ-૧૯ને કારણે પેદા થયેલી મંદી અને બેકારી સામે પ્રજાને તથા ઉદ્યોગોને સંરક્ષણ આપવા સરકાર તરફથી રાહત પેકેજો આપવામાં આવી રહ્યા છે. તેને પહોંચી વળવા ફેડરલ રિઝર્વ દ્વારા બેફામ ડોલર છાપવામાં આવે છે. તેને કારણે ફુગાવો વધી રહ્યો છે અને ડોલર દિનપ્રતિદિન નબળો પડી રહ્યો છે. ચીનને નબળું પાડવા હવે અમેરિકા ભારતના ખભા પર રાખીને બંદૂક ફોડવા માગે છે. જો ચીન ભારત સામે લડીને નબળું પડી જાય તો અમેરિકા સામે ટક્કર લઈ શકે નહીં. અમેરિકાનો આ ગેમપ્લાન છે. જો ભારતના નેતાઓમાં ડહાપણ હોય તો તેમાં આપણે ફસાવું જોઈએ નહીં.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચીન સાથેના સારા સંબંધોનું મહત્ત્વ ખબર હતું માટે જ તેમણે ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ૧૮ વખત મુલાકાત કરી હતી. ભારત અને ચીન વચ્ચેનો બરફ ઓગળતો જોઈને અમેરિકાનો ગરાસ લૂંટાઇ ગયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું હતું કે જો ભારત અને ચીન સંપી જાય તો જગત પર અમેરિકાના પ્રભુત્વનો અંત આવી જશે. તેમણે મોદીને પોતાની તરફ ખેંચવા માંડ્યા હતા. મોદી જ્યારે જ્યારે અમેરિકાની મુલાકાતે જાય ત્યારે તેમને રેડ કાર્પેટ વેલકમ આપવામાં આવતો હતો.

ટ્રમ્પને પ્રભાવિત કરવા મોદી દ્વારા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. મે મહિનામાં ચીને કેટલોક વિવાદાસ્પદ વિસ્તાર પચાવી પાડ્યો ત્યારે પહેલા પશ્ચિમી મીડિયાએ ઉહાપોહ મચાવી દીધો હતો. તે સમાચારને ભારતીય મીડિયા દ્વારા પણ ઊંચકી લેવામાં આવ્યા હતા. વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા તો સરકાર પર પસ્તાળ પાડવામાં આવી હતી અને સવાલોની ઝડી વરસાવવામાં આવી હતી. મોદી સરકાર પર ઘરઆંગણે દબાણ ઊભું થતાં તેમણે ચીની એપ પર પ્રતિબંધ મૂકીને લોકોના રોષને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા.

જૂન મહિનામાં કમાન્ડર સ્તરની વાટાઘાટો દરમિયાન સૈદ્ધાંતિક રીતે પોતપોતાનું સૈન્ય પાછું ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો; પણ ચીનના લશ્કરે તેવી કોઈ તત્પરતા દેખાડી નહોતી. ભારતનું સૈન્ય અધીરું થયું હતું, જેને કારણે ગલવાન ઘાટીની ઘટના બની હતી. બંને સરકારોને ખ્યાલ આવ્યો કે કમાન્ડરના સ્તરની વાટાઘાટોથી સવાલ હલ થવાનો નથી; માટે મોસ્કોમાં વિદેશ મંત્રીના સ્તરે વાટાઘાટો યોજવામાં આવી હતી. તેમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરનો ચીનના રાજદૂત તરીકેનો અનુભવ કામ આવી ગયો હતો.

હવે પાંચ મુદ્દાના કરાર કરવામાં આવ્યા છે ત્યારે લાઇન ઓફ કન્ટ્રોલ ઉપર તાત્કાલિક દબાણ ઓછું થયું છે, પણ કાયમી હલ આવ્યો નથી. કરારના બીજા મુદ્દામાં બંને લશ્કરો પાછા ખેંચવાની વાત કરવામાં આવી છે, પણ તેની કોઈ ટાઇમલાઇન નક્કી કરવામાં આવી નથી. લશ્કરો પાછા ખેંચવાની પ્રક્રિયા જટિલ હોય છે. તેમાં પણ જો પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ન હોય તો લશ્કર પાછું કેમ ખેંચી શકાય? સૌથી પહેલું કામ તો પરસ્પરના વિશ્વાસની પુનર્સ્થાપના કરવાનું છે. તે પછી દાયકાઓ જૂનો સરહદ વિવાદ કાયમ માટે હલ કરવો પડશે. જ્યાં સુધી બે દેશોની સરહદો જ આંકવામાં નથી આવી ત્યાં સુધી ઝઘડાનું મૂળ  તો ઊભું જ રહેવાનું છે. બે બિલાડીની લડાઇમાં વાંદરો ફાવી જાય તેવું બનવું જોઈએ નહીં

. લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts