આપણે પોતાનો ‘ઉત્સાહ જીવંત રાખવા’ શું કરવું?

એક યુવાન, નામ અક્ષય, યુવાન બહુ હોશિયાર નહિ, પરંતુ મહેનતુ ચોક્કસ…તેને એક તકલીફ હતી. તે રોજે રોજ મહેનત કરતો, આગળ વધવાનાં સપનાં જોતો અને વધુ મહેનત કરી વધુ ઝડપથી આગળ વધવાનો ઉત્સાહ પણ તેનામાં જાગતો, પણ વળી પાછો પોતે હોશિયાર નથી એમ વિચારી તે હતોત્સાહ થઈ જતો.આમ સતત ઉત્સાહ અને અનુત્સાહના ઉતર-ચઢાવ વચ્ચે યુવાન અટવાઈ જતો અને બરાબર આગળ વધી ન શકતો.તેના મનમાં જેટલો ઉત્સાહ જાગતો, થોડા જ દિવસોમાં એથી વધુ ભયંકર અનુત્સાહનો હુમલો તેના મન પર થતો.

આપણે પોતાનો ‘ઉત્સાહ જીવંત રાખવા’ શું કરવું?

યુવાન મનોવૈજ્ઞાનિક પાસે ગયો અને પોતાની ઉત્સાહ અને અનુત્સાહ વચ્ચે અથડાતી મન:સ્થિતિ સમજાવી. મનોવૈજ્ઞાનિકે તેની બધી વાત શાંતિથી સાંભળી પછી સમજાવ્યું કે, ‘તારા મનમાં વારંવાર જાગી ઊઠતી આ ઢીલાશની લાગણી કે હું હોશિયાર નથી…હું નબળો છું …વગેરે વગેરેનાં મૂળ બહુ ઊંડે હોય છે અને તે ઢીલાશ અને નબળાઈના મૂળને તારે પોતે જ જાગૃત રહીને ઉખાડીને ફેંકવાં પડશે.’ યુવાને પૂછ્યું, ‘તેમ કરવા માટે મારે શું કરવાનું?’

મનોવિજ્ઞાની બોલ્યા, ‘ ભાઈ,તારા મનમાં જે અનુત્સાહની લાગણી જાગે છે,તે કેમ જાગી ઊઠે છે તેનાં કારણ શોધ.નિરાશાના પ્રત્યેક હુમલા પાછળ કોઈ કારણ હોય છે એટલે જયારે પણ એવી લાગણી અનુભવાય, તેને ઝાટકીને મનમાંથી કાઢી નાખવી.શાંતિથી બેસવું અને શાંત મનથી આંતરિક તપાસ ચાલુ કરવાની કે મને આવો વિચાર કેમ આવ્યો કે હું નહિ કરી શકું …કે મને નહિ ફાવે…વગેરે વગેરે.’

યુવાન બોલ્યો, ‘પણ હું શાંત મને વિચારીશ તો શું મારામાં ઉત્સાહ જાગશે.’ મનોવિજ્ઞાનીએ કહ્યું, ‘ભાઈ તરત નહિ થાય, આમ કરવું જેટલું હું સહેલાઈથી સમજાવું છું, કરવામાં એટલું સહેલું નથી. તારે સમજવું પડશે, યાદ કરવું પડશે કે કોઈએ તારું અપમાન કર્યું હતું, કોઈએ મજાક ઉડાડી હતી, કોઈ ભૂલ થઈ ગઈ હતી, કોઈ અન્યાય થયો હતો, કોઈ નિષ્ફળતા મળી હતી, કોઈએ તિરસ્કાર કર્યો હતો વગેરે વગેરે. ન ગમતી યાદો ક્યાંક છુપાઈને તારા મનના ખૂણે બેસી ગઈ હશે અને પછી તે  યાદોનું ઝેર તને સતાવતું રહે. તારે આ યાદોને, અપમાન, નિરાશા, નિષ્ફળતા, નફરત વગેરેને ગોતી ગોતીને તારા મનની બહાર ફેંકી દેવાની છે. જયારે આવા મનમાં રહીને સૂક્ષ્મ રીતે મનને સતત દુઃખ આપતા અનુભવોની છાયા દૂર થશે ત્યારે તું હળવાશ અનુભવી શકીશ અને સાચો આનંદ અને ઉત્સાહ અનુભવી શકીશ.’ યુવાનને સાચો માર્ગ મળ્યો.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts