સંતરામપુરા : સંતરામપુરની સત્યપ્રકાશ સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિ તથા નણંદે ગળુ દબાવી હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. આ અંગે સંતરામપુર પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે પરિણીતાના પિયરપક્ષના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. સંતરામપુરના બટાકવાડા ગામે રીંછડી ફળીયામાં રહેતાં રતનસિંહ ભમાતની દિકરી ભાવના (ઉ.વ.22)ના લગ્ન સંતરામપુરની સત્યપ્રકાશ સોસાયટીમાં રહેતા બ્રિજેશ દલસુખભાઈ કટારા સાથે 10મી ફેબ્રુઆરી,22ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ થયાં હતાં.
દસેક દિવસ પહેલા રતનસિંહ સાસરિમાં જઇ ભાવનાને ઘરે તેડી લાવ્યાં હતાં. આ સમયે ભાવનાએ જણાવ્યું હતું કે, બ્રિજેશ મારઝુડ કરે છે અને ખૂબ જ ત્રાસ આપે છે. આ ઉપરાંત ત્રણેક દિવસ પહેલા ચીચાણી ગામે લગ્નમાં ભેગા થયા હતા, ત્યારે પણ ભાવનાને મારમાર્યો હોવાની વાત કરી હતી. આ ઉપરાંત મારી નાંખવાની ધમકી આપી હતી. હજુ વાતનો નિવેડો આવે તે પહેલા 12મી મે,22ના રોજ ભાવનાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળતાં રતનસિંહ અને તેના પરિવારો તુરંત સંતરામપુર પહોંચ્યાં હતાં. જ્યાં જોતા ભાવના સ્ટ્રેચર પર સાડી ઓઢાડેલી હતી. તેણીની લાશ ઉપર સાડી ખસેડી જોતા ગળામાં લાલ ચાઠા પડી ગયેલા હતાં. શરીરના અન્ય ભાગે લાલ ચાઠા પડી ગયાં હતાં. આથી, તેની હત્યા કરી હોવાની શંકા ઉઠી હતી. આ અંગે રતનસિંહે સંતરામપુર પોલીસ મથકે બ્રિજેશ અને તેની બહેન જાગુબહેન દલસુખભાઈ કટારાએ મારઝુડ કરી ભાવનાને ગળેફાંસો આપી હત્યા કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટના અંગે પોસ્ટમોર્ટમને લઇ ભારે હોબાળો મચ્યો હતો.
ભાવનાએ આત્મહત્યા કર્યાની વાર્તા ઘડી !
બ્રિજેશે સવારે 11 વાગે ફોન કરી રતનસિંહને જાણાવ્યું હતું કે, હું બજાર ગયો હતો અને ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજા બંધ હતાં. મારી બહેન જાગુ ઘરે હતી અને ઘરના દરવાજા, બારી અંદરથી બંધ હતી. જે બારી તોડી હું ઘરમાં જઇ જોયેલું તો ભાવનાએ ગળેફાંસો ખાધેલો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવ્યાં હતાં.
સંતરામપુર હોસ્પિટલમાં વાતાવરણ ઉગ્ર બન્યું
ભાવનાના પિતા સહિત પરિવારજનો અને ગ્રામજનો વાહનો દ્વારા સંતરામપુર હોસ્પિટલ આવ્યાં હતાં અને ઉગ્ર બોલાચાલી કરી હતી. જમાઈ બ્રિજેશ સાથે ઝપાઝપી અને મારામારી આચરી હતી. જેના પગલે હોસ્પીટલમાં ટોળાં ઉમટેલા અને વાતાવરણ તંગ બન્યું હતું. આ અંગે સંતરામપુર પોલીસ મથકે જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમજાવટના પ્રયાસ કરવામાં આવ્યાં હતાં. સ્થિતિ વણસતાં વધુ પોલીસ ફોર્સની મદદ લેવી પડી હતી. લુણાવાડાથી ડીવાયએસપી અને મામલતદાર સંતરામપુર પણ હોસ્પીટલ પર દોડી આવ્યા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
લગ્ન પહેલા ભાવનાએ હાથ પર બ્લેડ મારી હતી
ભાવનાના પિતા રતનસિંહએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન પહેલા સગાઇ થયા બાદ સપ્તાહમાં બ્રિજેશે ફોનથી ભાવનાને શરીરે પતરી મારવા કહ્યું હતું. જેથી ભાવનાબહેને તેના હાથ પર પતરી મારેલી હતી. આ ઉપરાંત ઉત્તરાયણના તહેવારમાં ભાવનાને મોકલવાની ના પાડતા બ્રિજેશે ઘરમાં માણસોએ મોકલ્યાં હતાં અને એક કલાકમાં ભાવનાને મુકી જઇશું તેમ કહી લઇ ગયાં હતાં. બાદમાં બે દિવસ પછી ઘરે મુકી ગયાં હતાં. આમ પહેલેથી જ મનમાની કરતો હતો.