આણંદ : કણજરી ગામે રહેતા બે પિતરાઇ ભાઈ અને એક માસુમ બાળક સામરખા ગામે ખોડિયાર માતાજીના દર્શન કરવા બાઇક પર નિકળ્યાં હતાં. પરંતુ કણજરીથી થોડે દુર બોરીયાવી ગામ પાસે નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જ ટેન્કરે બાઇકને ટક્કર મારી દીધી હતી અને તેના પરથી તોતિંગ વ્હેલી ફરી વળતાં ત્રણેયના મોત નિપજ્યાં હતાં. બોરીયાવીના ચંદ્રનગર ખાતે રહેતા નિમેશકુમાર ઉમેદભાઈ વાઘેલાના મામાનો પરિવાર કણજરી ગામના લક્ષ્મીપુરા ગામે રહે છે. તેમના મામાના દિકરા જયેશ રઇજીભાઈ પરમાર (ઉ.વ.25), હરેશ ચંદુભાઈ પરમાર (ઉ.વ.18) ઉપરાંત જયેશનો પુત્ર હર્ષ (ઉ.વ.5) 15મી ઓગષ્ટના રોજ બપોરના સામરખા ગામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા બાઇક પર નિકળ્યાં હતા.
જોકે, તેઓ નેશનલ હાઈવે પર રાવળાપુરા – બોરિયાવીની વચ્ચે પહોંચ્યાં તે દરમિયાન પુરપાટ ઝડપે જતાં ટેન્કર નં.જીજે 27 યુ 3953ના ચાલકની બેદરકારીના કારણે જયેશભાઈની બાઇકને ટક્કર વાગી હતી. જેના કારણે ત્રણેય રોડ પર જ પટકાયાં હતાં અને હજુ કોઇ કંઇ સમજે તે પહેલા ટેન્કરના તોતિંગ વ્હેલી ત્રણેય પરથી ફરી વળતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યાં હતાં. જ્યાંના દ્રશ્ય જોઇને હતપ્રભ બની ગયાં હતાં. આ અંગે નિમેશકુમારની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.