મનના વિચારો

એક સંત અને તેમનો પટ્ટશિષ્ય વર્ષોથી ભગવાનની આરાધના કરે,ધ્યાન કરે અને સાથે સાથે જ્યાં જાય ત્યાં સમાજના લોકોની સેવા કરે.તેમણે એટલાં બધાં સારાં કામ કર્યાં કે અંતે ભગવાને તેમને સદેહે પોતાના ધામમાં લઈ આવવા માટે દેવદૂત મોકલ્યા.દેવદૂત આવ્યા અને સંતને કહ્યું, ‘તમારા અને તમારા શિષ્યના પુણ્ય કર્મનો પ્રતાપ છે કે ઈશ્વરે તમને તેમના ધામમાં બોલાવ્યા છે.

અમે આપને લેવા આવ્યા છીએ.’ દેવદૂતની વાત સાંભળી સંત તો દેહભાન ભૂલીને ખુશખુશાલ થઇ ગયા અને પ્રભુનામ લેતા નાચવા લાગ્યા.શિષ્ય પણ ખુશ થઈ ગયો. બન્નેએ દેવદૂતો સાથે ગોલોક તરફ પ્રયાણ કર્યું.રસ્તામાં સંત તો આનંદ સાથે હરિનામ લેતા હતા, પણ પટ્ટશિષ્યના મનમાં અનેક વિચારો આવતા હતા.

પટ્ટશિષ્યના મનમાં પહેલાં ખુશી આવી, પછી ભગવાને બોલાવ્યા એટલે અમારું જીવન અનન્ય સફળ રહ્યું તેવી ભાવના જાગી…આ ભાવનામાંથી આ સૃષ્ટિ પર મને અને મારા ગુરુને જ સદેહે પ્રભુ પાસે જવા મળ્યું છે..અમારા જેવું સફળ જીવન કોઈનું ન કહેવાય તેવું અભિમાન જાગ્યું.

પછી આ પોતાના જ સારા કર્મનો પ્રતાપ છે એટલે જાત પર મોહ જાગ્યો અને પોતાના જ્ઞાનનો વિચાર આવતાં દુઃખ સાથે એમ વિચાર્યું કે મેં ગુરુજી પાસેથી આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું.પણ હવે આ જ્ઞાન શું કામનું? મારા જ્ઞાનબિંદુઓ હવે કોઈ ઉપયોગમાં નહીં આવે, કારણ જ્ઞાન સંસારસાગરમાં રહી જશે અને અમે તો હવે પ્રભુધામમાં રહેશું.આવા અનેક માનવસહજ વિચારો સાથે પટ્ટશિષ્ય ગુરુજી અને દેવદૂતો સાથે પ્રભુધામ તરફ આગળ વધતો હતો.પ્રભુદર્શનની તક અને મોક્ષના આશિષ મળ્યા છતાં પટ્ટશિષ્યનું મન વિચારશૂન્ય થતું ન હતું.

આ બાજુ તેના ગુરુજી સહજ આનંદની અવસ્થામાં હતા. માત્ર હરિનામમાં મગન ..ન કોઈ ઈચ્છા…ન કોઈ વિચાર. દેવદૂતો, સંત અને પટ્ટશિષ્ય બંનેની મનની અવસ્થા સમજી ગયા હતા.પ્રભુધામ પહોંચ્યા ત્યાં દરવાજામાં દેવદૂતો સંતને લઈને દાખલ થયા અને હજી પટ્ટશિષ્ય દાખલ થવા જાય ત્યાં તો પ્રભુધામના દરવાજા બંધ થઇ ગયા.

પટ્ટશિષ્યને કંઈ સમજાયું નહિ.ત્યાં એક દેવદૂત આવ્યો અને બોલ્યો, તારા પુણ્ય કર્મોને કારણે તું પ્રભુધામના દરવાજા સુધી આવી શક્યો, પણ તારા મનના વિચારોને કારણે તને પ્રભુધામમાં પ્રવેશ નહિ મળે.તારા મનના મોહ,અભિમાન,ગુરુતાગ્રંથિ તારે અથાગ પ્રયત્ન કરી દૂર કરવા પડશે અને ફરી અહીં સુધી આવવા અને પ્રભુદર્શન કરવા સૃષ્ટિ પર જઈને ફરી સારા કર્મ કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે તારા આજ સુધીના સારા કર્મનું પુણ્યફળ અહીં સુધી આવવામાં ખર્ચાઈ ગયું છે.

પટ્ટશિષ્ય પાસે પસ્તાવા સાથે પૃથ્વી લોક પર પાછો ફર્યો.સારાં કર્મો અને પુણ્ય કરવાની સાથે મનના વિચારો પ્રત્યે પણ સદા સજાગ રહેવું અને સારાં કર્મોની સાથે સારા જ વિચારો કરવા જરૂરી છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Related Posts