SURAT

સુરત શહેર-જિલ્લામાં પાણી ભરાયા તે માટે આ લોકો છે જવાબદાર, સીધી CMને ફરિયાદ

સુરત જિલ્લામાં તા. 23 જૂન 2025 ના રોજની સવારથી શરૂ થયેલા વરસાદ ના બે–ત્રણ કલાલમાં જ જિલ્લાના બારડોલી, માંડવી, ઓલપાડ, કામરેજ સહિતના તાલુકાઓ તેમજ સુરત શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવો થવાની સમસ્યા સામે આવી રહી છે.

સુરત શહેરની વાત કરીએ તો ઉધના, અડાજણ, પાલ, લિંબાયત, ગોટાલાવાડી, પાલનપોર જકાતનાકા, પ્રાઇમ આર્કેડ, ગેલેક્સી સર્કલ, ગૌરવપથ, નાનપુરા, મોટા વરાછા, નાના વરાછા , મિની બજાર, વેડ, કતારગામ, સુરત રેલ્વે સ્ટેશન, સહારા દરવાજા, અડાજણ એલ. પી. સવાણી સર્કલ , અઠવા , સલાબતપુરા , કિરણ હોસ્પિટલ પાસે , ડભોલી રોડ, ઝાંપા બજાર, ચૌટા બજાર, હીરા બાગ સર્કલ સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં વરસાદી પાણી ભરવાની સમસ્યા ઉપસ્થિત થઇ ના હોય.

આ તરફ બારડોલી તાલુકામાં નાગરિકો અને આગેવાનોની વારંવારની રજૂઆત છતાં ગેરકાયદેસર બાંધકામ અને વરસાદી પાણીમાં નડતર રૂપ અવરોધ દૂર કરવાની પોતાની જવાબદારીમાં નગર પાલિકાના ચીફ ઓફિસરે બેદરકારી દાખવી હતી જેને કારણે દર વર્ષની જેમ એન.એમ.પાર્ક , મુદિત પેલેસ, આસિયાના નગર, શામરિયા મોરા, અલનુંર રેસિડેન્સી, આશાપૂરા માતાજીના મંદિર, મદ્રેસા હાઇ સ્કુલ (રહીમ નગર), દીપ નગર સોસાયટી, શાસ્ત્રી રોડ , રાજા રામ કૉમ્પ્લેક્ષ, શિવાજી મહારાજ સર્કલ, સાઈ નગર સોસાયટી, હિદાયત નગર સહિતના વિસ્તારમાં તેમજ ક્લિનિક દુકાનો, બેઝમેન્ટ અને ઘરોમાં ઘૂટણ સુધી પાણી ભરાવો થયો હતો.

ઓલપાડ તાલુકામાં પણ વહીવટી તંત્રની બેદરકારીના કારણે કીમ અને સાયણ સહિતના વિસ્તારમાં પાણી ભરાવો થવાની સમસ્યા સર્જાઈ હતી. કામરેજ, માંડવી અને પલસાણા તાલુકામાં આવેલા અનેક ગામોના લોકો રજૂઆત કરી રહ્યા છે કે, વરસાદી પાણીના નિકાલ નહીં થવાને કારણે ઘણી તકલીફ થઈ રહી છે ખૂબ જ ગંભીર પરિસ્થતિ નું નિર્માણ થયું છે.

અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ મહામંત્રીની માંગણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવવા સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીોની જવાબદારી નક્કી કરી તેઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. દર્શન નાયકે પત્રમાં લખ્યું છે કે, સુરત જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં છેલ્લા 8 થી 10 વર્ષના સમયગાળામાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે સુરત જિલ્લા કલેકટર , સુરત મ્યુનિસિપલ કમિશ્નર અને નગર પાલિકાના ચીફ ઓફિસર તેમજ સુરત શહેર અને જિલ્લાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારીઓની નિષ્કાળજીના કારણે વરસાદી પાણીના નિકાલ થઈ રહ્યો નથી.

મહત્વની વાત એ છે કે સુરતના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ ને એ વાત નું જ્ઞાન છે કે સુરતમાં વરસાદી પાણી નિકાલ ની સમસ્યા કેમ સર્જાઇ રહી છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની સમસ્યા માટે અવરોધ કરતાં ન્યૂસન્સ સામે કાર્યવાહી કરી તેને દૂર કરવામાં આવી રહ્યા નથી.

સુરત શહેર અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આંખ આગળ પાટા બાંધીને બેઠાં છે. સુરત શહેર અને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના દ્વારા માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે અને બાકીની કામગીરી કાગળ ઉપર બતાવી દેવામાં આવે છે. જેનું ગંભીર પરિણામ સુરતના નાગરિકોએ ભોવવાનો વારો આવી રહ્યો છે અને સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ઝીંગા તળાવો, ગેરકાયદે બાંધકામો ક્યારે દૂર થશે?
નાયકે પોતાની રજૂઆતમાં સુરત શહેર અને જિલ્લાના વિસ્તારમાં પાણી ભરાવો થવા માટેના ગેરકાયદેસર બાંધકામ, સરકારી જમીન ઉપરના દબાણો, ખાડી અને નદીઓ ઉપર કરવામાં આવેલા અતિક્રમણ, ગેરકાયદેસર ઝીગા તળાવ સહિતના કારણો જણાવ્યા છે. આ સાથે રજૂઆત કરી છે કે એક સમિતિ બનાવી સુરત જિલ્લામાં જ્યાં પણ વરસાદી પાણીના નિકાલમાં ગેરકાયદેસર અવરોધ હોય તેને દૂર કરવામાં આવે તેમજ જે અધિકારીઓ વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવાની કાર્યવાહીમાં બેદરકારી કે બેજવાબદારી દાખવે તેમની જવાબદારી નક્કી કરી કરવામાં આવે અને તેમની સામે તપાસ કરી તેમની સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે તથા જે ખેડૂતોનાં પાક અને નાગરિકોની ઘરવખરીને થયેલ નુકસાન નો સર્વે કરાવી તેમને આર્થિક મદદ કરવા માટે વળતર ચૂકવવામાં આવે.

Most Popular

To Top