Comments

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખરેખર શું ચાલે છે તેની વ્યાપક અને ઊંડી તપાસ થવી જરૂરી છે

ગુજરાતની ઘણી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકો નથી અને શિક્ષણકાર્ય બગડે છે તે પ્રશ્ન તો હજુ ઊભો જ છે ત્યાં નવો પ્રશ્ન સામે આવ્યો છે કે ઘણી શાળાઓમાં શિક્ષકો છે પણ તે સ્કૂલમાં જતા નથી! ચાલુ પગારે વિદેશોમાં વસતાં ગુજરાતનાં શિક્ષકોના સમાચારો છાપા અને ચેનલમાં છવાયેલા રહ્યા છે. સરકારે આવાં શિક્ષકોને કડક સજા કરવાનું કે બરતરફ કરવાનું નક્કી કર્યું છે,જાહેર કર્યું છે. જો કે આ આખું કૌભાંડ માત્ર શિક્ષકોને  સજા કરવાથી પતી ના જાય. સ્કૂલ કોલેજોમાં રજા લેવાના નિયમો છે અને પરદેશ જવાના પણ નિયમો છે.

શિક્ષણજગત સાથે સંકળાયેલાં સૌ જાણે છે કે શિક્ષકે વિદેશ જવાની વિઝા પ્રોસેસ વખતે જ સંસ્થાની મંજૂરી લેવાની હોય છે. સ્કૂલ કોલેજમાં રજા મંજૂર કરવાની હોય છે. માંદગીની કે ભેગી થયેલી રજાઓ,અર્ધ પગારી રજાઓ કે કપાત પગારની રજાઓ મંજૂર કરવી,  ત્રણ કે છ મહિના માટે ઘણાં કર્મચારી વિદેશ જાય છે  અને વિદેશયાત્રા એવો મુદ્દો છે જ નહીં કે માણસ બહાર જાય અને સંસ્થા કે તંત્રને તેની ખબર જ ના પડે. માટે આ તમામ કિસ્સામાં અને ખાસ તો ડમી શિક્ષક દ્વારા નોકરી ચાલુ રાખવાના કિસ્સામાં સ્થાનિક તંત્રથી માંડીને શિક્ષણ અધિકારીની કચેરી સુધીના કેટલાંક લોકો આમાં સંડોવાયા ના હોય તે માનવું ભૂલભરેલું છે. સરકારે ખરેખર આ આખા ષડયંત્રમાં સામેલ સૌને તપાસના દાયરામાં લાવવા જોઈએ.

જાણકારો કહે છે કે ગુજરાતમાં ચાલુ પગારે “ઘેર”હાજર રહેવું, અન્ય સ્થળે રહેવું અને હાજર રહીને કાંઈ ના કરવું એવા પણ કિસ્સા શોધવામાં આવે તો માત્ર શિક્ષકો નહિ અનેક સરકારી કર્મચારીઓ પકડાશે જેઓ ચાલુ પગારે વિદેશ હશે કે અન્ય ધંધા વ્યવસાય કરતા હશે. એટલે મૂળ મુદ્દો કઈ હદે શાસનની પકડ છૂટતી જાય છે તે છે. આપણે ત્યાં કશું પણ ખોટું થાય ત્યારે તત્કાળ નથી પકડાતું.બહુ જ સમય વીતી જાય પછી અકસ્માતે પકડાય છે. ડ્રગ્સ હોય, દારુની હેરાફેરી હોય, નકલી ફેક્ટરી હોય કે શિક્ષણમાં, આરોગ્યમાં કૌભાંડ હોય, પાંચ સાત વર્ષ પછી જ પકડાય છે. સમાચાર આવે છે કે આટલાં વર્ષોથી આ ચાલતું હતું! (અને છતાં આપણે સરકારની ટીકા નહિ કરવાની.)

 કોઈ પણ સમાજનું ચરિત્ર તેના શિક્ષણતંત્રમાં દેખાય છે. ગુજરાતના શિક્ષણ તંત્રમાં જ એટલી અનૈતિકતા વ્યાપી છે કે એ જોઇને જ ખબર પડે કે અન્ય ક્ષેત્રમાં હાલત શું હશે. આ તો સરકારી શાળાઓમાં અને ખાસ તો ગામડાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો હતા એટલે તેના કૌભાંડની સમાજના ઉચ્ચ મધ્યમ વર્ગને કોઈ અસર થાય નહિ. બાકી શિક્ષણમાં ખરેખર શું ચાલે છે તેની વ્યાપક તપાસ કરો તો ખબર પડે કે ગુજરાતમાં શિક્ષક હાજર હોય કે ના હોય શિક્ષણના સ્તરમાં કોઈ ફેર જ પડવાનો નથી એ હદે તંત્ર બગડી ચૂક્યું છે. થોડા સમય પહેલાં શિક્ષણમાં ભ્રષ્ટ વ્યવસ્થા માટે એક ટુચકો પ્રખ્યાત હતો ( જોક )

એક અંતરિયાળ ગામડાની શાળામાં ઇન્સ્પેકશન આવ્યું. શાળા કાગળ ઉપર ચાલતી હતી .હકીકતમાં શિક્ષણ જેવું કશું હતું નહીં. શાળાના સંચાલકે ઇન્સ્પેકશન માટે આખી એક દિવસની વ્યવસ્થા ઊભી કરી. ઇન્સ્પેકશન આવ્યું .એક ઇન્સ્પેકટર આવ્યા.ચાલો વર્ગખંડમાં.પ્રિન્સીપાલે એક શિક્ષકને સાથે મોકલ્યા …..સાહેબ તો વર્ગમાં ગયા. વિદ્યાર્થીઓને કહ્યું કે હું થોડા પ્રશ્નો પૂછું તેના જવાબ આપો. પ્રથમ પ્રશ્ન ‘સૂર્ય કઈ દિશામાં ઊગે છે”? છોકરાઓએ હાથ લાંબો કરી કહ્યું “આણી કોર”…..સાહેબ બોલ્યા :હા પણ દિશા કઈ ? છોકરા બોલ્યા “ભગો જાણે”….શિક્ષકે સાહેબને કહ્યું, એમને આવડે છે.

પણ ,એમની ભાષા આવી છે . સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો “દેશના રાષ્ટ્રપતિ કોણ છે”. છોકરા કહે “ભગો જાણે”. હવે સાહેબ ગુસ્સે થયા . અલ્યા તમને આટલું ય નથી આવડતું. ભણશો જ નહીં તો ભીખ માંગશો ડોબાઓ અને આટલું સાંભળતાં જ એક છોકરાનો પિત્તો ગયો.સાહેબ જેમ તેમ ના બોલો.અમે ભીખ નો માગીએ ..અમે તો ભેંસ ચરાવતા હતા. આ તો આ સાહેબ કહે કે ચાલો, એક સાહેબ આવે છે તો થોડી વાર રૂમમાં બેસો.પછી જમવા મળશે.એટલે આવ્યા. જમવાનું ના હોય તો વાંધો નથી પણ જેમ તેમ નહીં સાંભળીએ.

સાહેબે શિક્ષક સામે જોયું.ઉલ્લુ બનાવો છો? શિક્ષકમાં જ નૈતિકતા ના હોય તો આ લાઈનમાં જ શા માટે આવો છો. જરીક તો શરમ કરો,ગાયો ભેંસ ચરાવતા છોકરા ભેગા કરવાના? આટલું બોલ્યા ત્યાં શિક્ષકનો પિત્તો ગયો. એ સાહેબ ભાનમાં રહો. આ તો મને અહીંના સંચાલકે વિનંતી કરી એટલે આજના દિવસ માટે હા પાડી, બાકી મારે આવી નાવારાઈ નથી. શિક્ષક થવું હોત તો ક્યારનોય થઇ ગયો હોત. મારી તો ત્રણ હોટલ અને છ લકજરી બસો છે. ઇન્સ્પેકશનમાં આવેલા સાહેબ ચમક્યા.ઓહ તો તમે પણ નકલી છો.ચાલો પ્રિન્સીપાલ પાસે …બન્ને ઓફિસમાં ગયા અને સાહેબે પ્રિન્સીપાલને ધમકાવ્યા.આવા ધંધા? અમને ઉલ્લુ બનાવો છો કે દેશ સાથે ગદ્દારી કરો છો? સાહેબ બોલતા ગયા અને પ્રિન્સીપાલ ચુપચાપ સાંભળીને ટેબલના ખાનામાંથી એક નોટોનું બંડલ કાઢ્યું ..ઇન્સ્પેક્ટર સામે ફેંક્યું અને બોલ્યા..લ્યો આ.

ઇન્સ્પેકટર બગડ્યા.મને લાંચ આપો છો.મને તમારા જેવો ગણ્યો? તમે મને ઓળખતા નથી. ત્યાં પ્રિન્સીપાલ બોલ્યા. સાહેબ લઈ લો દસ હજાર છે. મારા ફૂવા કહેતા જ હતા કે એક સિધ્ધાંતનું પૂછડું ઇન્સ્પેકટર આવશે, ગુસ્સો કરશે પણ તું જવાબ ના આપીશ. આ દસ એના મોં ઉપર મારજે એટલે ચૂપ થઇ જશે … મેં આહીં મૂક્યા .બાકી ફુવા હોત તો ફેંક્યા જ હોત .`…..અને થોડો સન્નાટો છવાયો.

ઈન્સ્પેકટર મલક્યા અને દસ હાજર ઉઠાવતા બોલ્યા.કંઈક તો સાચું રાખો ..આ તો ઠીક છે કે મારા કાકાને તાવ આવ્યો એટલે મને મોકલ્યો. બાકી મારા કાકા જાતે આવ્યા હોત તો તમને અંદર કરી દેત.કંઈક શરમ કરો. ભગવાનની તો બીક રાખો અને સાવ દસ? મોંઘવારી તો જુવો અને શિક્ષણસંસ્થામાં સ્મિત ફેલાયું.  કોઈ પણ દેશ કાળમાં જ્યારે ગમ્મતમાં કહેલી વાતો ,ટુચકાઓ સાચા પડવા માંડે તો સમજવું કે સ્થિતિ ગંભીર છે. ગુજરાતમાં અત્યારે શિક્ષણની હાલત ગંભીર છે . સંસ્કૃતમાં સુવાક્ય છે કે ધર્મ ધીરજ સ્ત્રી અને મિત્રની ખરી કસોટી વિપત્તિકાળમાં થાય છે. આપણી વ્યવસ્થાઓ અને ફરજો એ જ આપણો ધર્મ નક્કી કરે છે અને કોરોના જેવા વિપત્તિકાળમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે છે જ આપણું ખરું ચરિત્ર!

આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવોવાળી સીસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ મજબૂર બની ગયાં .થોડું ઘણું પણ જે ચાલતું હતું તે ખાડે ગયું  અને આજે સ્થિતિ એ છે કે કોરોના કાબૂમાં આવ્યો પણ શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી અરાજકતા ઘટવાનું નામ લેતી નથી .શાળા કક્ષાના પ્રશ્નો જુદા છે અને કોલેજ કક્ષાએ પ્રશ્નો જુદા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ નિસ્બતપૂર્વક વિચારતું જ નથી કે આ મુશ્કેલ સ્થિતિમાં શું કરવાથી શિક્ષણ સારી રીતે ચાલે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top