‘વંદે માતરમ્’ ટ્રેન શરૂ થઈ, દિલ્હીથી રેલ્વેમંત્રી આવ્યા, અમદાવાદના પ્રધાનમંત્રી આવ્યા. લાગે છે દિલ્હીમાં ભાજપના મંત્રીઓને કોઈ કામ જ નથી, તે રખડયા કરે છે, ભાષણો ઝીંક્યે રાખે છે. કોંગ્રેસને ગાળો આપી ગોદડું ઓઢી સૂઈ જાય છે. જનતાની સમસ્યાઓની કાંઈ પડી નથી. ‘વંદે માતરમ્’ સાથે ‘‘મોંઘવારી માતરમ્’ શરૂ થઈ ગયું છે, ગેસ સીએનજી વિ.ના ભાવો વધારી દીધા, જાણે વંદેમાતરમનાં સૂત્રોથી લોકો અંજાઈ જશે અને ભાવવધારો હસતે મોંએ સ્વીકારી લેશે. મોદીની નવી યોજના તો શરૂ થાય ત્યારની વાત ત્યારે કરવેરા તો ચાલુ કરી દે છે. પ્રોજેક્ટોની જાહેરાતો ઊંઘની ગોળી જેવા છે. જે ટ્રેન શરૂ થઈ તેમાં ભાજપીયાઓનો શો ફાળો છે? ટ્રેન એ જ પાટાઓ પર દોડવાની છે જે પાટા અંગ્રેજોએ બનાવ્યા હતા.
એ જે સ્ટેશને થોભશે જે અંગ્રેજોએ બનાવ્યા હતા. માત્ર એન્જીનના દેખાવનો મેક-અપ બદલ્યો એ પણ વિદેશી ટેકનોલોજી. સુરતમાં કિલ્લાનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું, જાણે કિલ્લામાં ભાજપીઓએ કાર સેવા આપી હતી, અલ્યા એ કિલ્લો જ અંગ્રેજોએ બનાવેલો. તમારો ચહેરો કિલ્લામાં નહીં, ગરીબોની થાળીમાં જુઓ, કિલ્લો અસ્સલ દેખાડવા તમે તો કરોડો રૂા. ખર્ચી નાંખ્યા. અંગ્રેજોના લેવલે પહોંચતાં તમને હજી પેઢીઓની પેઢી લાગશે.
પણ તમે તો દેશ, સમાજને પાછળ ધકેલવા લાગ્યા છો. પ્રધાનમંત્રી ઠેરઠેર ભાષણો (તેનાં વક્તવ્યોને પ્ર-વચનનો મોભ્ભો અપાય એમ નથી) કરી ‘‘કોંગ્રેસ-કોંગ્રેસ’’ ના શ્રાધ્ધ કરે છે, તો મોદીએ સમજી લેવું જોઈએ કે તે દિલ્હીના જે વિમાની મથકથી ઉપડેલા તે કોંગ્રેસે બનાવેલું. રેલ્વેમંત્રી પધાર્યા તે રેલ્વે બધી બ્રિટીશરોએ બનાવેલી. તમારો વિકાસમાં ફાળો શૂન્ય છે. માત્ર ભાષણોમાં તમે લોકો એક્કા છો, બાકીમાં ઝીરો છો. જરા અરીસામાં મોં જોઈ લો, તો ઠીક રહેશે.
સુરત – ભરત પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે