National

કોરોના સામેની જંગમાં અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા મોટી મોટી સહાયો કરાશે

સુરત: કોરોનાના સેકન્ડ વેવ (CORONA SECOND WAVE)ને પગલે ભારત (INDIA)માં અને ખાસ કરીને ગુજરાત (GUJARAT)માં ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારતીયો દ્વારા સહાય કરવામાં આવી જ રહી છે પરંતુ અમેરિકા (AMERICA)માં વસતા ભારતીયો (INDIAN)ના પ્રયાસોને પગલે અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટ દ્વારા પણ કોરોના સામે લડવા માટે ભારતને મોટી સહાય કરવામાં આવી છે.

અમેરિકામાં વસતા ભારતીયોના સહયોગ અને સાથે સાથે કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર ન્યુસમ દ્વારા પ્રયાસોને પગલે આ સહાય થઈ શકી છે. જેમાં ભારતને કોરોના સામે લડવા માટે 275 ઓક્સિજન કોન્સન્ટ્રેટર (OXYGEN CONSTRATOR), 440 ઓક્સિજન સીલિન્ડર, 210 પલ્સ ઓક્સીમીટર, 1 ડિપ્લોયેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવશે. આ સાધનો એવા છે કે જેના દ્વારા કોરોનાના ગંભીર દર્દીને બચાવી શકાશે.

આ સહાયની જાહેરાત કરવાની સાથે અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર ન્યુસમે જણાવ્યું હતું કે, અમેરિકા વેક્સિનેશનના માધ્યમથી કોરોના સામે સલામત બન્યું છે ત્યારે હવે અમેરિકા દ્વારા વિશ્વના અન્ય દેશોને કોરોના સામે લડવા માટે સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સામેના જંગમાં દરેક વ્યક્તિને તબીબી સારવાર અને સહાય મળવી જ જોઈએ. જેથી યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના કો-ઓર્ડિનેશનથી આ સહાય ભારતમાં સીધી ફ્રન્ટલાઈન વર્કર અને હેલ્થકેર પ્રોવાઈડરને આપવામાં આવશે. કેલિફોર્નિયામાં કોરોનાને અટકાવવા માટે આક્રમક અભિયાન દ્વારા કોરોનાને કાબુમાં લેવાયા બાદ આ સહાય આપવા માટે સક્ષમ બન્યું છે. અન્ય વેવ માટે પણ કેલિફોર્નિયા તૈયાર છે.

આ પ્રસંગે બેવેર્લી હિલ્સ જૈન સોશિયલ ગ્રુપના સ્થાપક અને પ્રમુખ રાજેન્દ્ર વોરા દ્વારા ગવર્નર ન્યુસમના આ માનવીય અભિગમ બદલ તેમની સરાહના કરવામાં આવી હતી. જ્યારે લેબોન હોસ્પિટાલિટી એન્ડ ઈન્ડિયા કલ્ચરલ એસોસિએશનના માનદ્ મંત્રી તેમજ અગ્રણી ભારતીય અમેરિકન યોગી પટેલે આ સહાયમાં જોડાવા માટે અન્ય ભારતીય અમેરિકનોને અપીલ કરી હતી. ઈન્ડિયન કલ્ચરલ એસો.ના પ્રમુખ પરિમલ શાહે પણ ભારતને કોરોનાના ખરાબ સમયમાં શક્ય તેટલી વધુ હેલ્પ કરવા માટે તેમના ખિસ્સા ખાલી કરવા માટે અપીલ કરી હતી. જેના આધારે આગામી દિવસોમાં ભારતને વધુ સહાય કરવામાં આવશે.

Most Popular

To Top