વડોદરા : વડોદરાની વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યો દ્વારા ભાયલી ટી.પીના રીઝર્વ પ્લોટ પર ખાનગી બિલ્ડર દ્વારા 2 વર્ષથી પ્લાન્ટ ચલાવતા હોવાથી મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્લાન્ટ ચલાવનાર ને રૂ.12.75 કરોડનો દંડ ફટકાર્યો છે.તો વિશ્વામિત્રી નદીની સરકારી જમીન ઉપર છેલ્લા 6 વર્ષથી દબાણ કરનાર અઘોરા બિલ્ડર સામે દંડનીય કાર્યવાહી કેમ નહીં ના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશ્નરને મેઈલ મારફતે રજુઆત કરાઈ હતી.
ભાયલી ખાતે કોર્પોરેશનની માલિકી ના ટી.પી. રીઝર્વ પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કરી કોઈ બિલ્ડર સિમેન્ટ મીલિંગ પ્લાન્ટ આર.એમ.સી.પ્લાન્ટ ચલાવતો હોવાની ફરિયાદ આવતા શનિવારે વડોદરા મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્લાન્ટ ચલાવનાર ને રૂ.12.75 કરોડનો દંડ ફટકાર્યો હતો. તો છેલ્લા 6 વર્ષથી વિશ્વામિત્રીમાં દબાણ કરનાર અગોરા બિલ્ડર સામે દંડનીય કાર્યવાહી કેમ નહીં તેવા આક્ષેપ વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યોએ કર્યા છે.
આ અંગે એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે દંડની ગણતરી એવી રીતે કરાઈ છે કે જે જમીન ઉપર સિમેન્ટ પ્લાન્ટ ચલાવાતો હતો તે કુલ 2500 ચોરસ મીટર જમીન છે,અને પ્રતિ ચોરસ મીટર રૂ.100 પ્રતિ દિન લેખે દિવસના રૂ.2,50,000 અને આ સિમેન્ટ પ્લાન્ટ આશરે 2019 થી ચાલતો હતો.જેથી કુલ રૂ.12.75 કરોડ નો દંડ ફટકારાયો છે. અઘોરા સીટી સેન્ટરવાલાએ છેલ્લા 6 વર્ષ થી 80 હજાર ચો.ફૂટ એટલે કે અંદાજે 8 હજાર ચો.મી. સરકારી વિશ્વામિત્રીની જમીન દબાણ કરી કોમર્શીયલ ઉપયોગ કરી રહ્યા છે. સિમેન્ટ પ્લાન્ટ લગાવનારને લગાવેલા દંડ મુજબ પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ રૂ.100 નો દંડ થાય.
જેથી અઘોરા વાળાને 8 હજાર ચોરસ મીટરના પ્રતિ દિવસ રૂ.8,00,000નો દંડ કરવો પડે અને આ દંડ કુલ 6 વર્ષ થી કરેલા દબાણનો ગણીએ તો રૂ.175 કરોડ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શીયલ પ્રવૃત્તિ માટે દંડ ભરવાનો થાય. ભાયલી ખાતે કોર્પોરેશનના ટીપી રીઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર સિમેન્ટ પ્લાન્ટ ચાલતો હોવાની જાણ થતા ના ત્રીજે જ દિવસે જો 12.75 કરોડનો દંડ કરાતો હોય તો અઘોરા વાળાને ગેરકાયદેસર જમીન દબાવ્યાની જાણ લેખિતમાં 6 વર્ષ પહેલા કરેલી છે. દબાણ કરેલ હોવાનો પુરાવા તરીકે તા.27-2-2017 ના રોજ વડોદરા પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તેમજ તત્કાલીન મ્યુનીસીપલ કમિશનર ડો.વિનોદ રાવની સહીથી વધારાની જમીન ખુલ્લી કરવાનો પત્ર જારી કરાયેલો હતો. તે ઉપરાંત હાલના મેયર દ્વારા સમગ્ર સભામાં અઘોરાવાળાએ કરેલ દબાણવાળી જગ્યા ખુલ્લી કરવાની જાહેરાત કરી દબાણ કરેલ હોવાની ની પૂર્તતા કરેલી છે. તો અઘોરાવાળને પણ રૂ.175 કરોડ વસુલવાની નોટીસ આપી કાર્યવાહી કરવા અમારી માંગ છે.
આ ઉપરાંત અઘોરાવાળા એ 80,000 ચોરસ ફૂટ જમીનની આખીને આખી ભૌગોલિક સ્થિતિ બદલી નાખી છે.તેને મૂળ સ્થિતિ એ લાવવા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય તે વસુલવા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો ભાયલીના ટી.પી. રીઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ સામે દંડનીય કાર્યવાહી થતી હોય તો અઘોરા વાળાના ગેરકાયદેસર દબાણ સામે દંડનીય કાર્યવાહી પણ શરુ કરી શાશકો અને અધિકારીઓ એ વહાલા દહાલાની નીતિ છોડી તમામ માટે એક સરખા કાયદા અને નિયમો મુજબ કાર્યવાહી કરવી જોઈએ.