Editorial

ઘંધો છોડો, નોકરી કરો, વધુ કમાણી થતી હોવાનો સરવેમાં દાવો

આમ તો ગુજરાત ધંધાર્થીઓનું રાજ્ય કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં નોકરીયાતનું પ્રમાણ વધ્યું છે. એક તરફ ગુજરાતમાં નોકરીયાતો વધ્યા છે તો તેમાં યુપી અને બિહારથી આવીને કામ કરનારાઓનો વર્ગ પણ મોટો છે. ગુજરાતમાં શાંતિની જીંદગી ગણવામાં આવે છે પરંતુ તાજેતરમાં એક સરવેમાં એવું આવ્યું છે કે નોકરીના મામલે ગુજરાતી કરતાં યુપી-બિહારી આગળ છે.  આ સરવે એવું બતાવી રહ્યું છે કે ધંધા કરતાં પણ હાલના સમયમાં નોકરીથી વધુ કમાણી કરી શકાય છે. નોકરી કરીને જે વાર્ષિક ગ્રોથ કરી શકાય તે પોતાના ધંધામાં કરી શકાતો નથી.

હાલમાં જ સરકાર દ્વારા પિરીયડિક લેબર ફોર્સ સરવે કરવામાં આવ્યો હતો. જુલાઈ 2023થી જૂન 2024 દરમિયાન આ સરવે કરાયો હતો. આ સરવે રિપોર્ટે દર્શાવ્યું છે કે રોજગારી મેળવનાર વ્યક્તિ દર અઠવાડિયે સરેરાશ 48.2 કલાક કામ કરે છે. જ્યારે તેની માસિક સરેરાશ આવક 21103 રૂપિયા છે. ગયા વર્ષની સરખામણીમાં કામકાજના કલાકો ઘટ્યા છે પરંતુ સામે કમાણી વધી છે. એક વર્ષ પહેલા સુધી દરેક વ્યક્તિ અઠવાડિયામાં સરેરાશ 49.1 કલાક કામ કરતો હતો અને તેની માસિક આવક 20039 રૂપિયા હતી. હવે કામકાજ એક કલાક ઘટવાની સાથે કમાણીમાં 5 ટકાનો વધારો થયો છે.

આ સરવે પ્રમાણે સ્વ રોજગાર ધરાવતા લોકોની સરેરાશ માસિક કમાણી 13900 રૂપિયા છે. જેમાં એક વર્ષમાં માત્ર 4 રૂપિયાનો જ વધારો થયો છે. જો તમે પુરૂષ છો તો તમારી કમાણી મહિલાઓની સરખામણીમાં ઝડપથી વધે છે. કામ કરતાં પુરૂષોની સરેરાશ માસિક કમાણીમાં 6.5 ટકાનો વધારો થયો છે. જ્યારે તેની સરખામણીમાં મહિલાઓની કમાણી 1 ટકા પણ વધી નથી. પુરૂષની સરખામણીમાં નોકરી કરતી મહિલાની આવક 5000 ઓછી છે. પોતાનું કામ કરતી મહિલાઓ પુરૂષો કરતાં દર મહિને 10 હજાર રૂપિયા ઓછા કમાય છે. મજૂરોને ચૂકવવામાં આવતા દૈનિક વેતનમાં એક વર્ષમાં લગભગ 7.5 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જૂન 2023 સુધીમાં કામદારોને સરેરાશ 403 રૂપિયા દૈનિક વેતન મળ્યું હતું.

જ્યારે એપ્રિલથી જૂન 2024 વચ્ચે 433 રૂપિયાનું દૈનિક વેતન મળ્યું હતું. સ્વ રોજગારી ધરાવતા લોકો રોજગારી ધરાવતા લોકો કરતાં અઠવાડિયામાં આશરે 10 કલાક ઓછું કામ કરે છે. રોજગાર ધરાવતા લોકો અઠવાડિયામાં 48.2 કલાક કામ કરે છે. જ્યારે સ્વ રોજગારવાળા લોકો અઠવાડિયામાં માત્ર 39.6 કલાક કામ કરે છે. દૈનિક વેતન મજૂરો પણ અઠવાડિયામાં 40 કલાકથી ઓછું કામ કરે છે. વર્કિંગ વુમન પુરૂષો કરતાં અઠવાડિયામાં 10 કલાક ઓછું કામ કરે છે. એક વર્ષમાં મહિલાઓના કામકાજના કલાકોમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાતીઓ દર અઠવાડિયે સરેરાશ 53 કલાક કામ કરે છે. જેની સામે તેની સરેરાશ માસિક કમાણી 17.5 હજાર છે. જ્યારે લક્ષદ્વિપના લોકો અઠવાડિયામાં માત્ર 32.7 કલાક કામ કરે છે અને મહિને રૂપિયા 29 હજારથી પણ વધુ કમાય છે. રાજધાની દિલ્હીમાં લોકો ગુજરાતી કરતાં અઠવાડિયામાં 5 કલાક ઓછું કામ કરે છે. પરંતુ તેમની કમાણી ગુજરાતી કરતાં વધારે છે. આજ રીતે યુપી બિહારના લોકો પણ ગુજરાતીઓ કરતાં અઠવાડિયામાં 5 કલાક ઓછું કામ કરે છે પરંતુ ગુજરાતી કરતાં વધુ કમાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જે વ્યક્તિ વધુ કલાક કામ કરે તેની કાર્યક્ષમતા વધારે છે.

પરંતુ સત્ય એ છે કે જો વ્યક્તિ અઠવાડિયામાં 50 કલાકથી વધુ કામ કરે તો તેની ઉત્પાદકતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જો આ કામના કલાકો 55 કલાકથી વધુ હોય તો તેની ઉત્પાદકતાને ભારે અસર થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી એક દિવસની રજા મળવી જોઈએ અને જો નહીં મળે તો તેની ઉત્પાદકતા પર અસર થાય છે. સત્ય એ છે કે લાંબા સમય સુધી કામ કરવું એ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જોકે, જેટલા કલાક કામ કરવામાં આવે તે સ્માર્ટ રીતે કરવું જોઈએ અને તેની સામે વધુ કમાણી થાય તેવી રીતે કામ કરવું જોઈએ.

Most Popular

To Top