ફાઇનલ પરીક્ષા સિવાય વિદ્યાર્થીને ડિગ્રી મળી શકશે નહીં

આજના વિદ્યાર્થીઓને ભણવામાં જેટલો રસ છે, તેના કરતાં વધુ રસ ડિગ્રી મેળવવામાં છે. જો કોઈ વિદ્યાર્થીને ભણ્યા વગર જ ડિગ્રી મળી જતી હોય તો તે તેવી ડિગ્રી લેવા કાયમ તૈયાર હોય છે. આ કારણે જ માર્કેટમાં બોગસ ડિગ્રી સર્ટિફિકેટો વેચાય છે, જેને ખરીદવા કેટલાક વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જતાં હોય છે. વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવા તલપાપડ હોય છે, કારણ કે આજની તારીખમાં પણ મોટા ભાગની સરકારી નોકરી ડિગ્રી વગર મળતી નથી.

તાજેતરમાં કોરોનાને બહાને સરકારે સ્કૂલો અને કોલેજો બંધ કરાવી દીધી તેને કારણે દેશભરમાં શિક્ષણની પ્રક્રિયાને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થયું છે. માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી તેને પગલે બંધ થયેલી શૈક્ષણિક સંસ્થાઓ હજુ ખોલવામાં આવી નથી. હવે તો હોટેલો ખૂલી ગઈ છે, દારૂના પીઠાંઓ ખૂલી ગયાં છે અને જિમખાનાંઓ ખૂલી ગયાં છે, પણ સરકાર સ્કૂલો અને કોલેજો ખોલવાની પરવાનગી કેમ નથી આપતી? તે સમજાતું નથી. કેટલાક લોકો માને છે કે સરકાર કોરોનાની રસી માર્કેટમાં આવે તેની રાહ જોઈ રહી છે. જે વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી હશે તેમને જ સ્કૂલ કે કોલેજમાં દાખલ થવા દેવાશે.

કેટલીક રાજ્ય સરકારો દ્વારા સ્કૂલોમાં કે કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ માસ પ્રમોશન આપીને પાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં વચ્ચેનાં ધોરણો તો જાણે સમજ્યાં; પણ કેટલીક રાજ્ય સરકારો ફાઇનલ પરીક્ષા લીધા વિના ડિગ્રીની લહાણી કરવા તૈયાર થઈ ગઈ છે. જો વિદ્યાર્થીને વગર પરીક્ષાએ ડિગ્રી આપી દેવાશે તો તે ડિગ્રીની જોબની માર્કેટમાં કોઈ કિંમત પણ રહેશે નહીં. કેન્દ્ર સરકાર હસ્તકના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પરિપત્ર બહાર પાડ્યો છે કે ભારતની કોઈ પણ યુનિવર્સિટી ફાઇનલ પરીક્ષા લીધા સિવાય ડિગ્રી આપી શકશે નહીં. કેટલાક વિદ્યાર્થીઓએ તેની સામે સુપ્રિમ કોર્ટમાં કેસ કર્યો હતો; પણ તેઓ ફાવ્યા નથી.

જુલાઈ મહિનામાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું હતું કે કોઈ પણ યુનિવર્સિટી ફાઇનલ વર્ષની પરીક્ષા લીધા વિના વિદ્યાર્થીને પાસ કરી શકશે નહીં. તેનો કેટલીક રાજ્ય સરકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેને કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ થયો હતો. શિક્ષણનો વિષય કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત યાદીમાં હોવાથી રાજ્ય સરકારોને અમુક બાબતમાં કેન્દ્રના આદેશો માનવા જ પડે છે. કેટલીક રાજ્ય સરકારો દ્વારા તો ફાઇનલ વર્ષની પરીક્ષા કેન્સલ કરીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. હવે સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો ફાઇનલ પરીક્ષા રદ્દ કરી શકે જ નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ તેમને વધુમાં વધુ પરીક્ષા મોકૂફ રાખવાનો જ અધિકાર છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા ફાઇનલ પરીક્ષા યોજવા માટે વિવિધ યુનિવર્સિટીઓને તા. ૩૦ મી સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કોઈ યુનિવર્સિટી તે તારીખ સુધીમાં ફાઇનલ પરીક્ષા યોજી શકે તેમ ન હોય તો તે તારીખ લંબાવી આપવા માટે યુજીસીનો સંપર્ક કરી શકે છે. જો યુજીસીની મંજૂરી હોય તો જ તારીખ લંબાવી શકાશે. આ બાબતમાં નિર્ણય કરવાનો આખરી અધિકાર પણ સુપ્રિમ કોર્ટ દ્વારા યુજીસીને જ આપવામાં આવ્યો છે. આપણા દેશમાં કુલ ૮૧૮ યુનિવર્સિટીઓ છે. તે પૈકી ૬૨૦ યુનિવર્સિટીઓ દ્વારા ફાઇનલ વર્ષની પરીક્ષાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે અથવા તેઓ પ્રક્રિયા પૂરી કરવાની તૈયારીમાં છે. તેના પરથી કહી શકાય કે બાકીની યુનિવર્સિટીઓ સમક્ષ ફાઇનલ પરીક્ષાનું આયોજન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જો કોલેજના પહેલા અને બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીને પરીક્ષા વગર ચડાવી દેવાય, તો ત્રીજા વર્ષના વિદ્યાર્થીને કેમ નહીં? સુપ્રિમ કોર્ટ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો છે કે કોલેજનું છેલ્લું વર્ષ વિદ્યાર્થીની કારકીર્દિ માટે સૌથી મહત્ત્વનું હોય છે. જો તેમાં પણ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપી દેવામાં આવે તો તેની ડિગ્રીનું કોઈ મહત્ત્વ રહેશે નહીં. વિદ્યાર્થી જોબ માટે અરજી કરશે ત્યારે તેને પૂછવામાં આવશે કે તેણે ક્યા વર્ષે ડિગ્રી હાંસલ કરી હતી? જો તે ૨૦૨૦ નો ડિગ્રીધારી હશે તો કદાચ તેને જોબ પણ આપવામાં આવશે નહીં. આ રીતે ફાઇનલ વર્ષમાં માસ પ્રમોશન આપી દેવાથી ઠોઠ વિદ્યાર્થીને જલસો પડી જશે, પણ હોંશિયાર વિદ્યાર્થીને નુકસાન થશે. રાજકીય જોડાણ ધરાવતા કેટલાક વિદ્યાર્થી યુનિયનો પણ વિદ્યાર્થીને માસ પ્રમોશન માટે ચડાવીને તેમનું ભવિષ્ય બગાડવાની રમત રમી રહ્યા છે.

જે વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી તેમાં એક કોવિડ-૧૯ નો દર્દી પણ હતો. તેણે રજૂઆત કરી હતી કે દેશના લાખો વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ નો ભોગ બનેલા છે. તેમને કારણે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે કેટલાક લાખ કોવિડ-૧૯ ના દર્દીનો ન્યાય કરવા કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી શકાય નહીં. યુજીસીની ગાઇડલાઇન મુજબ કોઈ પણ યુનિવર્સિટી કોવિડ-૧૯ થી બચીને પરીક્ષાનું આયોજન કરવા પોતાની માર્ગદર્શિકા તૈયાર કરી શકે છે. આ માર્ગદર્શિકા મુજબ તેઓ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા પણ લઈ શકે છે. ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોપી કરે તેવો ડર હોય છે. તે ભય ટાળવા કોલેજો દ્વારા જાતજાતના ઉપાયો કરવામાં આવ્યા હતા. એક નિયમ એવો હતો કે વિદ્યાર્થીએ ઘરે બેસીને પરીક્ષા આપતી વખતે પોતાનો મોબાઇલ કેમેરા સતત ઓન રાખવો પડતો હતો. તેના પર સુપરવાઇઝરની સતત નજર રહેતી હતી. જો વિદ્યાર્થી કોઈ કારણસર ૧૦ મિનિટથી વધુ સમય માટે કેમેરાથી દૂર જાય તો તેને ચેતવણી આપવામાં આવતી હતી. કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા તો કોપીનો ઉપાય કરવા ઓનલાઇન ઓપન બૂક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ સુધી વિદ્યાર્થીઓ, માબાપો અને શિક્ષકો માનતા હતા કે સ્કૂલના કે કોલેજના શિક્ષણનું જીવનમાં બહુ મહત્ત્વ છે. માણસને બધા વગર ચાલે, પણ શિક્ષણ વગર ચાલે નહીં. હવે આપણી સરકારે બતાડી આપ્યું છે કે તેના માટે શિક્ષણનું મહત્ત્વ સૌથી કમ છે. આ કારણે સરકારે મોલ ખોલી કાઢ્યા છે, માર્કેટો ખોલી કાઢી છે, દારૂની દુકાનો ખોલી કાઢી છે; પણ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની તેને બિલકુલ ઉતાવળ નથી. સ્કૂલો અને કોલેજો બંધ છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ લઈ રહ્યા છે, પણ તેમાં કાંઈ ભલીવાર નથી. તેને કારણે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના કલાકો બગડે છે, પણ શિક્ષણકાર્ય અસરકારક બનતું નથી. આ અનુભવ પરથી પુરવાર થઈ ગયું છે કે શિક્ષણના ક્ષેત્રમાં ગુરુ-શિષ્ય વચ્ચેના જીવંત સંપર્કનો કોઈ વિકલ્પ સંભવિત જ નથી.

આપણી સરકાર વર્ષોથી દેશમાં ઓનલાઈન શિક્ષણ અને કોમન કરિક્યુલમ લાવવા માગતી હતી. કોરોનાને બહાને તેને તે દિશામાં પ્રયોગો કરવાની તક મળી ગઈ છે. કોરોનાના ડર હેઠળ સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં દેશભરમાં કોમન કરિક્યુલમ દાખલ કરવાની વાત કરવામાં આવી છે. ભારત જેવા વિશાળ દેશ માટે કોમન કરિક્યુલમ હાનિકારક છે. હાલમાં વિદ્યાર્થીઓ કોરોનાથી ડરેલાં હોવાથી તેઓ તેનો વિચાર પણ કરી શકે તેમ નથી.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts