ફેસબુકનું માળખું જ શાસક પક્ષના ખોળામાં બેસી જાય તેવું ઘડવામાં આવ્યું છે

ફેસબુક દ્વારા જમણેરી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે; પણ ડાબેરી વિચારધારાને કદ પ્રમાણે વેતરી કાઢવામાં આવે છે, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. મૂળ વિવાદ ભાજપના અને કોંગ્રેસના પ્રચારતંત્ર વચ્ચેનો છે. ૨૦૧૪ માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ તે પહેલાંથી ભાજપે પોતાની વિચારધારાના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવા માંડ્યો હતો. કોઈ પણ દેશમાં કે સમાજમાં લોકોના વિચારોને ઘડવામાં સોશિયલ મીડિયાનો ફાળો હવે નિષ્ણાતો પણ સ્વીકારવા લાગ્યા છે.

સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતમાં ભાજપ કોંગ્રેસ કરતાં આગળ નીકળી ગયો તે ૨૦૧૪ માં ભાજપના વિજયનું એક કારણ હતું. ૨૦૧૪ ની ચૂંટણી પછી કોંગ્રેસે પણ સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સ એપ વગેરે પર ધ્યાન દેવા માંડ્યું હતું. હવે કોંગ્રેસને ખ્યાલ આવ્યો છે કે ફેસબુકના સંપાદકો દ્વારા કોંગ્રેસની તરફેણ કરતી કેટલીક પોસ્ટ ડિલિટ કરી નાખવામાં આવે છે, જ્યારે ભાજપની જમણેરી વિચારધારાનું સમર્થન કરતી અનેક પોસ્ટને મોકળું મેદાન આપવામાં આવે છે. આ મુદ્દે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા ફેસબુકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે; પણ ફેસબુકનું માળખું જ ધનિક અને સત્તાધારી વર્ગને મદદ કરે તેવું ઘડાયેલું છે.

વિશ્વમાં જ્યારે સોશિયલ મીડિયાનો પ્રાદુર્ભાવ થયો ત્યારે કહેવામાં આવતું હતું કે માહિતીના માળખામાં હવે ખરી લોકશાહીનો પ્રારંભ થશે; કારણ કે ડિજિટલ મીડિયા કોઈ પણ જાતના સરકારી પ્રભાવથી મુક્ત રહેશે, તેમ માનવામાં આવતું હતું. સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો ત્યારે તેમાં શાસક પક્ષ અને સ્થાપિત હિતો સામેની કન્ટેન્ટ પ્રચુર પ્રમાણમાં આવતી હતી, જેને કારણે અમુક દેશોમાં સરકાર સામે વિપ્લવનું વાતાવરણ પણ ખડું થઈ ગયું હતું. ૨૦૧૬ માં કેટલાક આરબ દેશોમાં સરકાર સામે આંદોલનો ઊભાં થયાં તેમાં સોશિયલ મીડિયાનો ફાળો બહુ મોટો હતો. જો કે તે સરકારો દ્વારા જ સોશિયલ મીડિયાને એવી રીતે મેનેજ કરવામાં આવ્યું કે આંદોલનો શાંત થઈ ગયાં હતાં.

હવે ખ્યાલ આવતો જાય છે કે ફેસબુક અને ટ્વિટર જેવાં માધ્યમો દુનિયાભરમાં જમણેરી વિચારધારાની અને ખાસ કરીને શાસક પક્ષની વિચારધારાની જ તરફેણ કરી રહ્યાં છે.  ફેસબુક ભારતના ટોચના પબ્લિક પોલિસી એક્ઝિક્યુટિવ અંખી દાસ દ્વારા ભાજપની કરવામાં આવેલી તરફેણ આ બાબતનું તાજામાં તાજું ઉદાહરણ છે. વોલ સ્ટ્રિટ જનરલમાં છપાયેલા લેખ મુજબ ભાજપના નેતાઓ દ્વારા સમાજમાં ધિક્કાર પેદા કરે તેવાં ભાષણો આપવામાં આવ્યાં તેનો પ્રચાર કરવામાં ફેસબુકે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આ ભાષણો સામે કેટલાક સેક્યુલારિસ્ટો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો પણ તેને ફેસબુક દ્વારા ડિલિટ કરવામાં આવ્યાં નહોતાં. તેથી વિરુદ્ધ ડાબેરી વિચારધારા ધરાવતા કેટલાક લોકો દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટને ફેસબુક દ્વારા ડિલિટ કરી નાખવામાં આવી હતી.

ફેસબુકના ફેલાવા પાછળ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે કે લોકો જે વિચારધારામાં માનતા હોય તે વિચારધારા તેમને સોશિયલ મીડિયા દ્વારા પીરસવામાં આવે તો તેઓ વધુ સમય તે સોશિયલ મીડિયા પર ચીટકી રહેતા હોય છે. લોકો જે કન્ટેન્ટને વધુ વાંચે તેને કારણે ફેસબુકની આવક વધે છે; માટે તેઓ તેવા પ્રકારની કન્ટેન્ટને જ પ્રોત્સાહન આપતા હોય છે. ભારતમાં જેમ જેમ કટ્ટર હિન્દુત્વની વિચારધારામાં માનતા લોકોમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ફેસબુક અને યુટ્યૂબ પર પણ તેવા પ્રકારની કન્ટેન્ટ વધી રહી છે. ફેસબુક કે યુટ્યૂબનો મૂળભૂત હેતુ નફો રળવાનો છે. નફો રળવા માટે તેઓ જાહેરખબરો બતાડે છે. જે કન્ટેન્ટ વધુ લોકો દ્વારા જોવાતી હોય તેમાં જાહેરખબરો વધુ મળે છે અને તે પ્લેટફોર્મની કમાણી પણ વધે છે. વર્તમાનમાં ભારતમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો વધુ સંપત્તિ અને વધુ ખરીદશક્તિ ધરાવે છે. માટે તેઓ જ સોશિયલ મીડિયામાં વધુ જાહેરખબરો આપે છે. જાહેરખબરોનાં દર્શકોમાં અને માલના ગ્રાહકોમાં પણ જમણેરી વિચારધારા ધરાવતા લોકોની બહુમતી છે. આ કારણે સોશિયલ મીડિયા જમણેરી વિચારધારાની તરફેણ કરે છે.

તાજેતરમાં કોરોનાની મહામારી વખતે જોવા મળ્યું કે કોરોનાને કારણે લોકડાઉનને પડકારતી અને કોરોનાને ષડ્યંત્ર ઠરાવતી પોસ્ટોને સોશિયલ મીડિયા દ્વારા સતત કુંઠિત કરવામાં આવતી હતી. દિલ્હીના ડોક્ટર બિશ્વરૂપ રોય ચૌધરી સતત યુટ્યૂબ પર આ ષડ્યંત્રનો પર્દાફાશ કરતાં વીડિયો મૂકતા હતા તેને ડિલિટ કરવામાં આવતા હતા. છેવટે બિશ્વરૂપ ચૌધરીની અને તેમના સાથીદારોની યુટ્યૂબ ચેનલ જ બંધ કરી દેવામાં આવી હતી. કોરોના બાબતમાં પ્રજાની હાડમારીને વાચા આપતી કે સરકારની નીતિઓ સામે સવાલો ખડા કરતી તમામ પોસ્ટને ડિલિટ કરવામાં આવતી હતી.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ એપ મળીને ભારતના સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રભાવ ધરાવે છે. સોશિયલ મીડિયા જનમતને પેદા કરવામાં અને ઢાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમાજશાસ્ત્રીની ભાષામાં તેને માઇન્ડ કન્ટ્રોલ ગેમ ગણવામાં આવે છે. ભારતના શાસક પક્ષને ઉદ્યોગપતિઓ દ્વારા વિપક્ષોની સરખામણીમાં વધુ ડોનેશન મળતું હોવાથી શાસક પક્ષ જાહેરખબરો પાછળ અને સોશિયલ મીડિયા પાછળ વધુ ખર્ચ કરી શકે છે. ભાજપનું જે ફેસબુકનું પેજ છે તેની મુલાકાત કરોડો લોકો હોવાથી તેના દ્વારા જાહેરખબરની મબલક કમાણી થાય છે. આ કારણે પણ ફેસબુકના સંચાલકો જમણેરી વિચારધારાને પ્રોત્સાહન આપતા જોવા મળે છે.

ભારતના મોટા ભાગના લોકો અને ખાસ કરીને યંગ જનરેશન હવે સમાચાર મેળવવા માટે અખબારો નથી વાંચતાં, પણ સોશિયલ મીડિયાનો અને ગૂગલનો સહારો લે છે. આ કારણે જાહેરખબરો આપતી કંપનીઓ પણ હવે પોતાનું મોટા ભાગનું બજેટ સોશિયલ મીડિયા તરફ વાળતી થઈ છે. તેને કારણે પ્રિન્ટ મીડિયામાં આવતી જાહેરખબરોનો પ્રવાહ પાતળો પડી રહ્યો છે. પ્રિન્ટ મીડિયા દ્વારા સમાચારો મેળવવા પાછળ અને નેટવર્કને ચલાવવા પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આ કન્ટેન્ટ સોશિયલ મીડિયાને મફતમાં મળી જાય છે. તેનો ઉપયોગ કરીને તે કમાણી કરે છે. હવે પ્રિન્ટ મીડિયાને ખ્યાલ આવ્યો છે કે તેઓ મહેનત કરે છે, પણ ફળ સોશિયલ મીડિયા લઈ જાય છે. ઓસ્ટ્રેલિયાનાં અખબારો હવે ગૂગલ પાસે તેની કમાણીમાં હિસ્સો માગવા લાગ્યા છે.

ફેસબુક, યુટ્યૂબ, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને વ્હોટ્સ એપ જેવાં માધ્યમો ભારતમાં જનમત કેળવવાની બાબતમાં નિર્ણાયક બની ગયાં છે. સત્તા પર આવવા માગતો કોઈ પણ પક્ષ પબ્લિક ઓપિનિયનને પોતાની તરફેણમાં વાળવા માટે તેમનો ઉપયોગ કરે તે સહજ છે. જો કે આ તમામ માધ્યમો દેશની સ્વતંત્રતા માટે પણ જોખમરૂપ છે. આ તમામ માધ્યમોની માલિકી અમેરિકાની કંપનીઓના હાથમાં છે. સ્વાભાવિક રીતે જ તેઓ અમેરિકાની વિદેશ નીતિથી વિરુદ્ધની કોઈ વાતનો પ્રચાર થવા દેતા નથી. બીજા શબ્દોમાં ભારતનો જનમત તેઓ અમેરિકાની તરફેણમાં ઢાળવાનું કામ કરે છે. હવે તો ભારતની સૌથી મોટી મોબાઇલ કંપની જિયોમાં પણ ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ ભાગીદાર બની છે. રિલાયન્સે બિગ બાઝાર પણ ખરીદી લીધું છે. હવે રિલાયન્સ ઓનલાઇન બિઝનેસના ક્ષેત્રમાં ઝંપલાવીને નાના વેપારીઓ સામે પડકાર ઊભો કરશે. વિદેશી કંપનીઓ ભારતની પ્રજાના મગજને કન્ટ્રોલ કરતી થઈ જશે તો ભારતને ગુલામ બનતાં વાર નહીં લાગે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts