Business

દહેજનો ડંખ, આયા તરીકે મજૂરી અને બની: ગોલ્ડન ગર્લ

જીવનમાં જ્યારે સંઘર્ષ તેની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે કાં તો માણસ તૂટી જાય છે અથવા તો તે ઇતિહાસ રચી દે છે. હરિયાણાના એક નાનકડા ગામમાં જન્મેલી અને જીવનના અસહ્ય દુઃખોના દાવાનળમાંથી પસાર થયેલી એક દીકરી જ્યારે વૈશ્વિક મંચ પર તિરંગો લહેરાવે છે, ત્યારે તે માત્ર એક ખેલનો વિજય નથી રહેતો, પરંતુ તે સંકલ્પશક્તિ, ધૈર્ય અને અખૂટ હિંમતની અમર ગાથા બની જાય છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની શોટપુટ એફ-57 સ્પર્ધામાં 9.81 મીટરના સુવર્ણ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતનારી શર્મિલા ધનખડની આ રોમાંચક અને અશ્રુભીની સફર આજના ભારતની યુવા પેઢી માટે એક અદભુત પ્રેરણાસ્રોત છે. 15 ઓગસ્ટ, 1986ના રોજ હરિયાણાના રેવાડી જિલ્લાના ચિત્રૌલી ગામમાં શર્મિલાનો જન્મ થયો હતો. વિધાતાએ જાણે તેમના નસીબમાં શરૂઆતથી જ કઠોર કસોટીઓ લખી રાખી હતી. દુષ્કાળથી પીડાતા ગામના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી શર્મિલાની માતા સૂરજની રોશનીથી વંચિત, એટલે કે નેત્રહીન હતી અને પિતા એક સામાન્ય ખેડૂત હતા. ત્રણ બહેનોમાં શર્મિલા વચેટ દીકરી હતી. જ્યારે બાળપણમાં અન્ય બાળકો રમતગમતના મેદાનમાં દોડતા હતા, ત્યારે માત્ર બે વર્ષની કુમળી વયે આવેલા તેજ તાવ અને તબીબી સુવિધાઓના અભાવને કારણે તેમના ડાબા પગમાં પોલિયો થઈ ગયો હતો. આ ઘટનાએ શર્મિલાને આજીવન માટે દિવ્યાંગ બનાવી દીધી હતી, પરંતુ આ તો માત્ર શારીરિક અસમર્થતાનો પહેલો ઘા હતો. કુદરતે તેમની વધુ કડક પરીક્ષા તો હજુ બાકી રાખી હતી.


માત્ર 18 વર્ષની વયે, જ્યારે જીવનના સ્વપ્નો ખીલવાની ઉંમર હોય છે, ત્યારે શર્મિલાનાં લગ્ન એવા ઘરમાં કરી દેવામાં આવ્યા હતા, જ્યાં પ્રેમ કે સંવેદના નામની કોઈ વસ્તુ નહોતી. દહેજની ભૂખી રાક્ષસી માનસિકતા ધરાવતા સાસરિયાઓએ આ નિર્દોષ અને દિવ્યાંગ દીકરી પર શારીરિક તેમજ માનસિક અત્યાચારોની સીમાઓ વટાવી દીધી હતી. વર્ષો સુધી તેમણે અસહ્ય મારઝૂડ અને તિરસ્કાર સહન કર્યો હતો. જ્યારે શર્મિલા 26 વર્ષની થયાં અને બે માસૂમ દીકરીઓની માતા બની ચૂક્યાં હતાં, ત્યારે તેમના પહેલા પતિએ તેમને નિર્દયતાથી ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. બે નાની દીકરીઓ, ડાબા પગની લાચારી, સમાજનું મેણું અને ભવિષ્યનો ઘોર અંધકાર! તે સમયે શર્મિલાના મનમાં અનેકવાર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવ્યા હતા, પરંતુ પોતાની બંને માસૂમ દીકરીઓના ચહેરા જોઈને તેમણે પોતાના આંસુ લૂછી નાખ્યાં હતાં. તેઓ પિતાના ઘરે પાછાં ફર્યાં અને પરિવાર પર બોજ બનવાને બદલે અન્યના ઘરોમાં ‘આયા’ (કામવાળી) તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જે હાથમાં ભવિષ્યમાં ગોલ્ડ મેડલ લખાયેલો હતો, તે હાથ તે સમયે પોતાના બાળકોના પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કરી રહ્યા હતા. અંધકારમય રાત્રિ પછી જે રીતે સૂર્યોદય થાય છે, તેમ 28 વર્ષની વયે શર્મિલાના જીવનમાં અજીત સિંહ આવ્યા. બીજા લગ્ન શર્મિલાના જીવનમાં પુનર્જન્મ સાબિત થયા હતા. અજીત સિંહે માત્ર શર્મિલાને જ નહીં, પરંતુ તેમની બંને દીકરીઓને પણ અપનાવી અને શર્મિલાની અંદર દબાયેલી આત્મશક્તિને ઓળખી હતી. તેમણે શર્મિલાને પેરા એથ્લેટિક્સમાં રમવા માટે સતત પ્રોત્સાહિત કર્યા હતા.
પોતાની અંદર રહેલા દુઃખ અને ક્રોધને રમતના મેદાનમાં શક્તિ બનાવવા માટે શર્મિલા રાવ તુલા રામ સ્ટેડિયમ પહોંચ્યાં હતાં. ત્યાં તેમના સંબંધી અને પેરા એથ્લિટ ટેકચંદે તેમના કોચ બનીને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે શર્મિલાએ પહેલીવાર શોટપુટ (ગોળા ફેંક) હાથમાં લીધો, ત્યારે તેઓ માત્ર 5 મીટર જ ફેંકી શક્યાં હતાં. તે સમયે રાષ્ટ્રીય રેકોર્ડ 6 મીટરનો હતો, પરંતુ જે સ્ત્રીએ જીવનમાં અગ્નિપરીક્ષાઓ આપી હોય, તેના માટે 6 મીટરનો રેકોર્ડ તોડવો અશક્ય નહોતો. શર્મિલાએ પોતાની તમામ પીડા, અપમાન અને ભૂતકાળના ઘાવોને પોતાની તાકાત બનાવી દીધી હતી. દિવસ-રાત પરસેવો પાડીને તેમણે આકરી તાલીમ લીધી. માત્ર એક જ વર્ષની અંદર તેમણે નેશનલ ચેમ્પિયનશિપમાં 7.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જે દુનિયા એક સમયે તેમની લાચારી પર હસતી હતી, તે દુનિયા હવે તેમના પરાક્રમ પર તાળીઓ પાડી રહી હતી. તેમની આ જીતમાં તેમના પતિ અજીત સિંહ અને બંને દીકરીઓ ખડકની જેમ તેમની પાછળ ઊભાં રહ્યાં હતાં. પોતાની માતાની આ અદભુત વાપસીથી પ્રેરિત થઈને તેમની બંને દીકરીઓએ પણ રમતગમતના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં શર્મિલાએ પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તેમાં તેઓ 8.43 મીટરના થ્રો સાથે ચોથા ક્રમે રહ્યાં અને ખૂબ જ નાના અંતરથી મેડલ ચૂકી ગયાં હતાં. પરંતુ હાર માનવી તો શર્મિલાના લોહીમાં જ નહોતી. તેમણે પોતાની ખામીઓ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2025માં બેંગલુરુ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે 9.77 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ 2026માં દુબઈ ખાતે યોજાયેલી ફઝ્ઝા ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એફ-57 શોટપુટમાં 8.86 મીટર સાથે ગોલ્ડ અને ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને વૈશ્વિક સ્તરે પોતાની ધાક જમાવી હતી.
કોમનવેલ્થ ગેમ્સ 2026નો ફાઇનલ રાઉન્ડ શર્મિલાના જીવનની સૌથી મોટી અગ્નિપરીક્ષા હતો. કેનેડા, ઇંગ્લેન્ડ, વેલ્સ, ઘાના અને ઓસ્ટ્રેલિયા જેવા રમતગમતના મહારથી દેશોના દિગ્ગજ એથ્લેટ્સ તેમની સામે મેદાનમાં હતા. પરંતુ શર્મિલા માટે આ માત્ર એક રમત નહોતી; આ તેમના આખા જીવનના સંઘર્ષ, આંસુ અને તિરસ્કારનો જવાબ આપવાનો સમય હતો. તેમણે પૂરી તાકાત અને આત્મવિશ્વાસ સાથે 9.81 મીટરનો વિસ્ફોટક થ્રો કર્યો. આ થ્રો સાથે જ તેમણે તમામ વિરોધીઓને પાછળ છોડી દીધા અને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બનીને ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ નોંધાવી દીધું. એક તરફ દેશની ઝેન-જી પોતાના હક્કો માટે મેદાને પડી છે, ત્યારે શર્મિલા ધનખડની આ વિજયગાથા માત્ર રમતગમતના સમાચાર નથી, પરંતુ આજના યુવાનો માટે, ખાસ કરીને નિરાશાના વાદળોથી ઘેરાયેલા અને જીવનના નાના-નાના સંકટોથી ભાંગી પડતા યુવાનો માટે એક જીવંત મંત્ર છે.
આજના યુવાઓએ સમજી લેવું જોઈએ કે— સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. ગરીબી, શારીરિક અક્ષમતા કે સામાજિક તિરસ્કાર તમને ક્યારેય રોકી શકતા નથી, જો તમારી અંદર આગળ વધવાની ઝીલ હોય.
અંત એ જ નવી શરૂઆત છે. જ્યારે જિંદગી તમને સાવ નીચે પાડી દે, ત્યારે સમજી લેવું કે હવે ત્યાંથી માત્ર ઉપર જ જવાનો રસ્તો બાકી છે. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આંસુઓને પોતાની શક્તિ બનાવીને જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે, તો દુનિયાની કોઈ તાકાત તમને ગોલ્ડ મેડલ જીતતા રોકી શકતી નથી. પોલિયોથી પીડિત, દહેજની હિંસા સામે અડગ રહી અને ‘આયા’ તરીકે કામ કરીને હરિયાણાની એક સાધારણ નારી આજે વિશ્વના તખ્ત પર ભારતનું મસ્તક ગૌરવથી ઊંચું કરી રહી છે. શર્મિલા ધનખડની આ સફળતા દરેક ભારતીય યુવાનના હૃદયમાં એક જ વાત ગૂંજવતી રહેશે— ‘મુશ્કેલીઓ ગમે તેટલી વિકટ હોય, અડગ મનોબળ આગળ કુદરતને પણ ઝૂકવું જ પડે છે.’

Most Popular

To Top