કોંગ્રેસનો ઉદ્ધાર કરવાનો કે તેનું વિસર્જન કરવાનો અધિકાર ગાંધી પરિવારનો જ છે

ગયા સપ્તાહે કોંગ્રસ નામના પક્ષમાં વાવાઝોડું આવ્યું અને પસાર પણ થઈ ગયું તેને કારણે બે વાતો સાબિત થઈ ગઈ. પહેલી વાત એ કે કોંગ્રેસની અંદર ગાંધીપરિવારના એકહથ્થુ શાસન સામે અસંતોષ ધૂંધવાઈ રહ્યો છે. બીજી હકીકત બહાર આવી કે તેઓ એટલા શક્તિશાળી નથી કે તેઓ ગાંધીપરિવારની પક્કડમાંથી કોંગ્રેસને મુક્તિ અપાવી શકે. બળવાખોરોનો બળવો નિષ્ફળ ગયો તેનું કારણ એ હતું કે વફાદારો વધુ શક્તિશાળી પુરવાર થયા. વફાદારોની મુખ્ય દલીલ હતી કે આજની તારીખમાં ગાંધીપરિવાર સિવાય કોંગ્રેસને અખંડ રાખી શકે તેવો બીજો કોઈ નેતા કોંગ્રેસમાં હયાત નથી. વળી કોંગ્રેસમાં બીજા પક્ષમાંથી નેતાની આયાત થઈ શકે તેમ નથી. તેમની વાત સાચી છે. જો ગાંધીપરિવારનો કોઈ પણ સભ્ય કોંગ્રેસના નેતા તરીકે જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય તો કદાચ કોંગ્રેસના ટુકડે ટુકડા થઈ જશે.

શ્રીમતી સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસનું નેતૃત્વ આવ્યું તે પછી સૌથી મોટો બળવો તાજેતરનો હતો. જે દિગ્ગજ આગેવાનો અત્યાર સુધી ગાંધીપરિવારના વફાદાર ગણાતા હતા તેઓ પણ આ શાંત બળવામાં સામેલ થયા હતા. ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, શશી થરૂર, અશોક ચવાણ, આનંદ શર્મા વગેરે નેતાઓ કોંગ્રેસની અગ્રિમ હરોળમાં ગણાય છે. આ નેતાઓ જનતાના નેતાઓ નથી; પણ કોંગ્રેસમાં તેમનો દરજ્જો બહુ મોટો છે. તેમની પક્ષ માટેની વફાદારીને ક્યારેય પડકારવામાં આવી નથી. જો તેમને પણ ગાંધીપરિવારના નેતૃત્વ સામે વાંધો હોય તો તે બાબત ગંભીર હતી. પત્રમાં સહી ૨૩ નેતાઓએ કરી હતી; પણ બીજા અનેક નેતાઓ તેમના સમર્થનમાં હતા. જો આટલો સશક્ત બળવો પણ દબાવી દેવામાં વફાદારોને સફળતા મળી હોય તો તેનો મતલબ થાય છે કે કોંગ્રેસમાં લોકશાહીને કોઈ સ્થાન જ નથી.

કોંગ્રેસના બળવા દરમિયાન સૌથી અપરિપક્વ વલણ રાહુલ ગાંધીનું દેખાયું. તેમણે બળવાખોરો પર આક્ષેપ કર્યો કે તેઓ ભાજપનાં પ્યાદાં છે. જોકે શ્રીમતી સોનિયા ગાંધીએ પરિપક્વતા દેખાડી હતી. તેમણે કહ્યું હતું કે ‘‘હું ૬ મહિના માટે પ્રમુખપદના હોદ્દાનો ત્યાગ કરું છું. ત્યાં સુધીમાં તમે નવો પ્રમુખ ચૂંટી શકો છો.’’ જોકે કોંગ્રેસીઓ ૬ દિવસ માટે પણ ગાંધીપરિવારની છત્રછાયા વગર ટકી શકે તેમ નથી.

હવે ગાંધીપરિવારના વફાદાર નેતાઓ સમક્ષ સૌથી મોટો પડકાર નવા ફુલટાઇમ પ્રમુખની ચૂંટણી કરવાનો છે. બળવાખોરોના પત્રમાં માગણી કરવામાં આવી હતી તેમ પક્ષમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બૂથ લેવલથી શરૂ થવી જોઈએ. તે માટે સૌથી પહેલાં કોંગ્રેસના સભ્યોની નોંધણી કરવાની ઝુંબેશ શરૂ કરવી પડે. ત્યાર બાદ બૂથના પ્રમુખોની ચૂંટણી કરવી પડે. તેઓ તાલુકા પ્રમુખોની ચૂંટણી કરે. તેઓ જિલ્લા પ્રમુખોની ચૂંટણી કરે. તેઓ રાજ્ય પ્રમુખોની ચૂંટણી કરે. તેમાંથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિનું ગઠન થાય. તેઓ ભેગા મળીને કોંગ્રેસ કારોબારીનું ગઠન કરે. તેમના થકી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી થાય. કોંગ્રેસમાં ઘણા કાળથી આ પદ્ધતિ મુજબ ચૂંટણી થતી જ નથી. કોંગ્રેસના અધ્યક્ષ ગાંધીનેહરુ પરિવારના નબીરા હોય છે; અથવા તેમના વફાદાર હોય છે. તેમના થકી કારોબારીની રચના કરવામાં આવે છે.

કારોબારી દ્વારા રાજ્યના પ્રમુખો અને મુખ્ય મંત્રીઓ પણ નક્કી કરવામાં આવે છે. કેન્દ્રમાં જો કોંગ્રેસની સરકાર હોય તો વડા પ્રધાનની અને તેમના પ્રધાનમંડળની પસંદગી પણ કારોબારી કરે છે. રાજ્યના પ્રમુખો પોતાની મુનસફી મુજબ જિલ્લા, તાલુકા અને બ્લોકના લેવલે નિમણુકો કરે છે. તેમાં કોઈ સ્તરે લોકશાહી જોવા મળતી નથી. રાહુલ ગાંધીને પહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પછી અધ્યક્ષ બનાવવામાં આવ્યા તેની પાછળ શ્રીમતી સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ કારોબારીની મુખ્ય ભૂમિકા હતી. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તે પછી પણ સત્તાનો દોર શ્રીમતી સોનિયા ગાંધીના વફાદાર ચારેક નેતાઓના હાથમાં જ રહ્યો હતો, જેને કેટલાક લોકો કિચન કેબિનેટ તરીકે તો કેટલાક લોકો ચંડાળ ચોકડી તરીકે ઓળખે છે.

જે નિર્ણયો કોંગ્રેસ કારોબારીના નામે લેવામાં આવે છે, તે હકીકતમાં આ કિચન કેબિનેટના જ નિર્ણયો હોય છે. કિચન કેબિનેટે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવ્યા; પણ તેમના હાથમાં સંપૂર્ણ સત્તા સોંપવામાં જ આવી નહોતી. રાજ્યના મુખ્ય પ્રધાનોથી લઈને પ્રમુખો નક્કી કરવાની સત્તા કિચન કેબિનેટે પોતાના હાથમાં રાખી હતી. ૨૦૧૯ની ચૂંટણીઓ દરમિયાન ટિકિટોનું વિતરણ કરવાની સત્તા પણ કિચન કેબિનેટે પોતાના હાથમાં રાખી હતી. રાહુલ ગાંધીને કદી તેમની ટીમ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં જ આવી નહોતી. આ કારણે જ ૨૦૧૯ની ચૂંટણીમાં ધબડકા પછી રાહુલ ગાંધીએ પ્રમુખપદ છોડ્યું ત્યારે ફરિયાદ કરી હતી કે તેમને સંપૂર્ણ સત્તા આપવામાં આવી નહોતી. હવે ફરીથી પ્રમુખપદનો કાંટાળો તાજ ધારણ કરવા માટે પણ રાહુલ ગાંધીની શરત છે કે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે. કિચન કેબિનેટ તે માટે તૈયાર નથી.

કિચન કેબિનેટ દ્વારા રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે પ્રિયંકા ગાંધીના નામની વિચારણા અનેક વાર કરવામાં આવી હતી; પણ તેમની કેટલીક નબળાઈઓ છે. પહેલી નબળાઈ તેમના પતિ રોબર્ટ વાડ્રા છે, જેઓ અનેક કૌભાંડોમાં સંડોવાયેલા છે. જો પ્રિયંકાને કોંગ્રસ પ્રમુખ બનાવવામાં આવે તો ભાજપ તેમના પતિના કૌભાંડો ચગાવ્યા વિના રહે નહીં. ભાજપના હાથમાં કેન્દ્ર સરકાર છે તે જોતાં તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કરાવીને તેનો રાજકીય લાભ પણ ઉઠાવી શકે છે. બીજો સવાલ એ છે કે શું પ્રિયંકા ગાંધી તેમનાં દાદી ઇન્દિરા ગાંધીની જેમ કોંગ્રેસને ચૂંટણીમાં વિજય અપાવી શકે ખરાં? જો તેઓ ચૂંટણી ન જીતાડી શકે તેમ હોય તો પ્રિયંકાને કોંગ્રેસ પ્રમુખ બનાવવા કિચન કેબિનેટ કોઈ સંયોગોમાં તૈયાર થાય નહીં.

બળવાને કડક હાથે ડામી દીધા પછી હવે કિચન કેબિનેટ સમક્ષ સૌથી મોટો પડકાર લોકશાહી ઢબે ચૂંટણીઓ કરવાનો અને નવા પ્રમખની નિમણુક કરવાનો છે. તેમાં તેમની સમક્ષ બે વિલ્પો છે. એક, રાહુલ ગાંધીની બધી શરતો સ્વીકારીને તેમના હાથમાં પક્ષનું સુકાન સોંપવાનો. તેમાં બે મુશ્કેલી છે. જો રાહુલ ગાંધી ત્રીજી વખત પણ નિષ્ફળ જાય તો તેમની કારકીર્દિ પૂરી થઈ જાય. વળી તેમના હાથમાં સુકાન આવે તો તેઓ કિચન કેબિનેટનું જ વિસર્જન કરીને પોતાની નવી ટીમનું સર્જન કરી શકે છે. વર્તમાન કિચન કેબિનેટ રાહુલ ગાંધીના હાથમાં સંપૂર્ણ સત્તા આપીને પોતાના પગ પર કુહાડો મારવા તૈયાર નથી. કિચન કેબિનેટ સમક્ષ બીજો વિકલ્પ છે ગાંધીપરિવારના કોઈ વફાદારને ડમી તરીકે પક્ષપ્રમુખ બનાવીને રિમોટ કન્ટ્રોલ વડે પોતાની સત્તા ટકાવી રાખવાનો. તે માટે તેઓ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની કે મલ્લિકાર્જુન ખડગેને પસંદ કરી શકે છે.

જોકે તેઓ ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે તેમ નથી. આ કામ તો જનાધાર ધરાવતા નેતાઓએ જ કરવું પડે, જેમાં કેપ્ટન અમરિંદર સિંહ, અશોક ગેહલોત, કમલ નાથ, સચિન પાઇલોટ, મિલિન્દ દેવરા, જિતિન પ્રસાદ વગેરેનો સમાવેશ થાય છે. જોકે તેમાંથી કોઈ રાષ્ટ્રીય સ્તર પર નેતા બનવાની ક્ષમતા ધરાવતા નથી. જો વર્તમાન સરકાર તેનાં કોઈ ખોટાં પગલાંને કારણે લોકપ્રિયતા ગુમાવી દે તો કોંગ્રેસને આપોઆપ તક મળી જાય. ત્યારે વિંગમાં ઊભેલા રાહુલ ગાંધી વડા પ્રધાન બની જાય. કોંગરેસ સમક્ષ અત્યારે તો થોભો અને રાહ જુઓ સિવાય કોઈ વિકલ્પ નથી.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts