Comments

માનવસર્જીત દુર્ઘટનાનું રાજકીય અર્થશાસ્ત્ર

જ્યાં માંગ હોય ત્યાં પુરવઠો ઊભો થઈ જાય. આ મુક્ત બજારના અર્થતંત્રનો સીધો સાદો નિયમ છે. દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય જાતે લે છે, જેના પાયામાં ખાનગી ફાયદો છે – ગ્રાહક માટે સંતોષ અને ઉત્પાદક માટે નફો. મુક્ત બજારનાં હિમાયતીઓના મતે સંસાધનો વહેંચણી કરવા માટેની આ શ્રેષ્ઠ રીત છે. બજારમાં લે–વેચ કરતાં સૌ કોઈ માટે કલ્યાણકારી છે. આ માન્યતા પાછળ એક ધારણા છે કે બજારમાં ગ્રાહક સર્વોપરી છે. વાસ્તવિકતામાં શું ગ્રાહક સર્વોપરી છે ખરો? મુક્ત બજારની આદર્શ પરિસ્થિતિ સામાન્ય રીતે  ઊભી થતી જ નથી. બેમાંથી એક પક્ષનું વર્ચસ્વ વધતાં બીજા પક્ષનું હિત જોખમાય છે. તો ક્યારેક વળી આખા સમાજનું / સહિયારી સંપત્તિનું હિત જોખમાય છે એવા સંજોગોમાં આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન કરવા સરકારી દખલની ભલામણ થાય છે.

અહીં આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓ એકબીજા સાથે ભળવા લાગે છે. બજારના કેન્દ્રમાં ખાનગી નફો છે, જ્યારે સરકારના કારોબારના કેન્દ્રમાં લોકહિત છે. પણ, જ્યારે ખાનગી નફાની આજુબાજુ સમગ્ર આર્થિક અને સામાજિક વ્યવસ્થા રચાતી હોય તો લોકહિતને કિનારે થઈ જતાં વાર નથી લાગતી. જેમ આપણે જોતાં આવ્યાં છીએ કે કોઈ પણ નીતિ ઘડતી વખતે સરકાર પોતાની સમજ પ્રમાણે લોકહિતને  ધ્યાનમાં રાખે છે અને કાગળ પર એક આદર્શ પરિસ્થિતિ ઘડાય છે. પણ, જ્યારે એનો અમલ કરવાનો આવે ત્યારે અમલદાર કે રાજકારણી પોતાના વ્યક્તિગત નફા – નુકસાનથી ઉપર ઊઠીને સમાજના હિતમાં વિચારી નથી શકતાં.

નફાની ગણતરી આવે એટલે ખર્ચ બચાવવાની વૃત્તિ આવે. અર્થતંત્રનો એક મૂળભૂત સિધ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ મફતમાં નથી મળતી. જો કોઈ એક વ્યક્તિ ખર્ચમાંથી બચે તો એની ભરપાઈ અન્ય કોઈએ કરવી જ પડે છે. રાજકોટના તાજેતરના અગ્નિકાંડ કે એવી અન્ય કોઈ પણ ઘટનાનું ઉદાહરણ લઈએ તો ટી.આર.પી. ગેમિંગ ઝોનમાંથી વધુ નફો કમાવા એના માલિકો અને વ્યવસ્થાપકોએ રજીસ્ટ્રેશન ના કરાવ્યું જેથી કાયદાના દાયરાની બહાર રહી શકાય.

બાંધકામમાં સસ્તું મટિરિયલ વાપર્યું, મકાનનો મહત્તમ ઉપયોગ વ્યાપારી પ્રવૃત્તિ માટે કરી શકાય એટલે મકાનની બાંધણીમાં સલામતીના નિયમો અવગણ્યા (આવવા જવા માટે એક જ દરવાજો હતો), મકાનના એક્સટેન્શનનું કામ ચાલતું હતું, જે માટે જરૂરી વેલ્ડિંગ કામ ચાલતું હતું તે દરમ્યાન પણ ગેમિંગઝોન બંધ ના રખાયું અને  ફાયર સેફ્ટી પાછળ યોગ્ય ખર્ચ ટાળ્યો! આટલા બધા ખર્ચ તેમને થોકબંધ રળાયેલા નફા સામે બિનજરૂરી જ લાગ્યા હશે! પણ, આ ખર્ચની ભરપાઈ ઘટનાનો ભોગ બનેલા અને તેમનાં સ્વજનોએ કરવી પડી! સરકારે દરેક મૃતક દીઠ આર્થિક વળતર ચૂકવવાની જાહેરાત તો કરી છે પણ, જેમણે પોતાના સ્વજન ગુમાવ્યાં છે તેમના  ભાવનાત્મક નુકસાનની ગણતરી કઈ રીતે માંડીશું?

રાજકોટનો અગ્નિકાંડ કાંઈ નવોસવો તો નથી! પાછલાં પાંચ વર્ષમાં ગુજરાતે કેટકેટલી દુર્ઘટના જોઈ. સુરતનો તક્ષશિલા કાંડ હોય, મોરબીની પુલ હોનારત, વડોદરાની હોડી ડૂબવાની ઘટના કે બાંધતાની વેંતમાં તૂટી પડતાં પુલ હોય. ‘સુશાસન’ ના  ભ્રમમાં રાચતા  ગુજરાતમાં આ બધું જ બની રહ્યું છે. દરેક વખતે તંત્ર સફાળું જાગવાનો ડોળ કરે છે, તપાસ થાય છે, બે –ચાર વ્યક્તિઓને જવાબદાર ઠેરવી સજા થાય છે. પછી સમય જતાં બધું ભુલાઈ જાય. બીજી દુર્ઘટના થાય ત્યાં સુધી બધું શાંત. પણ, ઉપરના અધિકારી કે ટોચના નેતા સુધી પહોંચી શકે એટલા હાથ લાંબા થતા નથી.

ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારથી ખદબદતું તંત્ર ‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેઝ’ (ધંધો કરવાની સરળતા)ના નામે અનેક પ્રકારની કાયદાકીય મંજૂરી સામે આંખ આડા કાન ધરે છે. ફાયર સેફ્ટીની મંજૂરી, મકાનના ઉપયોગની મંજૂરી, કેટલા માણસને એક સાથે સમાવી શકાય એ માટેની મંજૂરી, પર્યાવરણ સુરક્ષાની મંજૂરી (જે કોઈ ક્ષેત્રમાં લાગુ પડે ત્યાં) ક્યાં તો હોય જ નહીં અથવા પૂરતી તપાસ કર્યા વિના અતિ ઝડપથી અપાઈ હોય. ઝડપ સારી વાત છે, કાર્યદક્ષતાની નિશાની છે, પણ આપણે જે જોઈ રહ્યા છીએ એ કાર્યદક્ષતા નથી. એ નફાખોરોને સગવડ કરી આપવા જાણી જોઇને થતી લાપરવાહી છે. 

આખી વ્યવસ્થા ત્યારે નિષ્ફળ થયેલી ભાસે છે જ્યારે એક માણસ કોઈ ધંધાદારી માટે માત્ર અને માત્ર એક ગ્રાહક અને એક રાજકારણી માટે માત્ર ને માત્ર એક મતદાતા બનીને રહી જાય છે. બજારમાં ગ્રાહકનો મોભો સન્માનનીય બની રહે એ માટે પણ દરેક મતદાતાએ નાગરિક ધર્મ બજાવવો જરૂરી છે. ગ્રાહક તરીકે મળતો સંતોષ અને નાગરિક તરીકેની જવાબદારી ગાઢ રીતે જોડાયેલાં છે.

પોતાના પગ તળે રેલો આવે એની રાહ જોવી પરવડે એમ નથી. નેતાજીએ ચિંધેલા રસ્તે આંખો મીંચીને ચાલતી પ્રજાને બદલે નેતાજીને આપણા પ્રતિનિધિ સમજી એમને યોગ્ય સવાલ પૂછતાં રહેવું એ જ નાગરિક ધર્મ છે. સવાલ પૂછીશું તો જ રાજકારણીઓની અને નફાખોર ધંધાર્થીઓની જવાબદારી વધશે. બાકી, ગાંધી-વૈદ્યનું સહિયારું ચાલ્યા જ કરશે. પોતાનું બેન્ક બેલેન્સ વધારવામાં  કે પછી  પોતાનું રાજકીય કદ મોટું ને મોટું વધારવામાં વ્યસ્ત સત્તાશાળી લોકોને સામાન્ય માણસનું જીવન અને તેની પીડા ભાગ્યે જ સમજાય છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top