ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝનું પરિણામ બોલર્સના પ્રદર્શનથી નક્કી થશે : ઝહીર ખાન

ભારતીય ટીમના માજી ઝડપી બોલર ઝહીર ખાનના મતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સંપૂર્ણ સીરિઝનું પરિણામ બોલર્સના પ્રદર્શનથી નક્કી થશે, કારણકે બંને ટીમમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર્સ સામેલ છે. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ અને મહંમદ શમી છે તો ઓસ્ટ્રેલિયન ટીમ પાસે મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ છે. ભારતીય ટીમ ત્રણ વન ડે, ત્રણ ટી-20 અને 4 ટેસ્ટની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે અને પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરથી શરૂ થતી વન ડે સીરિઝની સાથે થશે.2011ની વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ ઝહીરે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન પીચો પર હંમેશા બાઉન્સ અને સ્પીડ રહે છે, તેથી મને લાગે છે કે બોલર્સ જ વન ડે, ટી-20 અને ટેસ્ટ સીરિઝમાં નિર્ણાયક બની રહેશે.

તેણે કહ્યું હતું કે હાલના સમયે જ્યારે કોઇ વર્લ્ડમાં ટોચના લેવલના બોલર્સ અંગે વાત કરે છે તો આપણા મનમાં જે નામ આવે છે તે આ સીરિઝમાં સામસામે આવશે. સાથે જ ઝહીરે એવું પણ કહ્યું હતું કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની હાજરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે આકરા પડકારનો સામનો કરવો પડશે. ભારતે છેલ્લા પ્રવાસમાં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ 2-1થી જીતી હતી ત્યારે ટીમમાં વોર્નર અને સ્મિથ સામેલ નહોતા. તેણે કહ્યું હતું કે આ સીરિઝમાં કોઇ પ્રબળ દાવેદાર નથી, કારણકે બંને ટીમ પાસે શ્રેષ્ઠતમ બેટિંગ અને બોલિંગ લાઇનઅપ છે અને એ બાબત જ આ પ્રવાસને રસપ્રદ બનાવશે.

Related Posts