નવી નીતિ શિક્ષણના વેપારીકરણ અને કેન્દ્રીકરણ તરફ લઈ જનારી છે

સ્વ. રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન હતા ત્યારે ૧૯૮૬માં ભારતની નવી શિક્ષણ નીતિ અમલમાં લાવવામાં આવી હતી, જેમાં ૧૯૯૨માં મામૂલી ફેરફારો કરવામાં આવ્યા હતા. આપણી સરકારો માટે શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી તેની સાબિતી એ છે કે કોઈ સરકારને ૩૪ વર્ષમાં નવી શિક્ષણ નીતિ ઘડવાની ફૂરસદ મળી નહોતી.

નવી નીતિ શિક્ષણના વેપારીકરણ અને કેન્દ્રીકરણ તરફ લઈ જનારી છે

ભાજપના મોરચાની સરકાર સત્તામાં આવી તે પછી તેણે ૨૦૧૭માં ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કસ્તૂરી રંગરાજનને નવી શિક્ષણ નીતિ ઘડવાની જવાબદારી સોંપી હતી. તેમની નવ સભ્યોની ટીમે આશરે ૧.૧૫ લાખ મુલાકાતો કરીને નવી શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો,  જે ગયાં વર્ષના મે મહિનામાં સરકારને સોંપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ મુસદ્દો જાહેર કરવામાં આવ્યો હતો અને તે બાબતમાં જાહેર જનતાનાં સૂચનો મગાવવામાં આવ્યાં હતાં.

જનતા દ્વારા આશરે બે લાખ સૂચનો મોકલવામાં આવ્યાં હતાં. તેનો કેટલો વિચાર કરવામાં આવ્યો તે ખબર નથી; પણ કોવિડ-૧૯ને કારણે શિક્ષણ સંસ્થાઓ બંધ છે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આ સુધારેલો મુસદ્દો સ્વીકારી લેવામાં આવ્યો છે. આ નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરતાં લાગે છે કે સરકાર શિક્ષણના તંત્રને મોટા ખાનગી ઉદ્યોગમાં ફેરવી કાઢવા માગે છે.

(૧) નવી શિક્ષણ નીતિમાં જે સૌથી ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે તે ૩થી૬ વર્ષની ઉંમરનાં બાળકના શિક્ષણ બાબતમાં કરવામાં આવ્યો છે. શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે ૩થી૬ વર્ષનાં બાળકને અક્ષરજ્ઞાન આપવાની ઉતાવળ કરવાને બદલે તેને ઘરનાં સુરક્ષિત વાતાવરણમાં તેનું સંસ્કરણ થાય અને તેની પાંચ ઇન્દ્રિયોનો વિકાસ થાય તેવી કેળવણી આપવી જોઈએ.

આ કારણે જ રાઇટ ટુ એડ્યુકેશન એક્ટમાં ૬થી૧૪ વર્ષનાં બાળકોનો જ સમાવેશ કરવામાં આવતો હતો. હવે ૩થી૧૮ વર્ષ સુધીનાં તમામ બાળકોને શિક્ષણનાં કારખાનાંમાં નાખવાની છૂટ આપી દેવામાં આવી છે. હવે સરકાર નર્સરી, જુનિયર અને સિનિયરના ત્રણ ક્લાસોનું પણ નિયમન કરશે.

(૨) નવી શિક્ષણ નીતિનું બીજું ખતરનાક પાસું શિક્ષણના કેન્દ્રીકરણનું છે. વર્તમાનમાં શિક્ષણનો વિષય કેન્દ્ર અને રાજ્યની સહિયારી યાદીમાં આવે છે, જેમાં શિક્ષણ નીતિ તૈયાર કરવાનું કામ કેન્દ્ર સરકાર કરે છે, પણ તેના અમલની જવાબદારી રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવે છે. તેને કારણે દરેક રાજ્ય સરકારો પોતપોતાનો અભ્યાસક્રમ બનાવે છે અને તે મુજબ પાઠ્ય પુસ્તકો પણ બનાવે છે. તેને કારણે શિક્ષણમાં સાંસ્કૃતિક વૈવિધ્ય જળવાઈ રહે છે.

દરેક રાજ્ય પોતપોતાના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ મુજબ પાઠ્ય પુસ્તકો બનાવે છે અને ભણાવે છે. હવે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય શિક્ષા આયોગના માધ્યમથી દેશના સમગ્ર શિક્ષણ તંત્ર પર પોતાનો અંકુશ જમાવી દેશે. દેશની તમામ સ્કૂલોનાં પાઠ્ય પુસ્તકો દિલ્હીથી આવશે, જેને કારણે પ્રાદેશિક અસ્મિતા ખતમ થઈ જશે. આ નીતિને કારણે દેશના સમગ્ર શિક્ષણ તંત્ર ઉપર યુનેસ્કોનો પણ અંકુશ આવી જશે.

(૩) નવી શિક્ષણ નીતિનું ત્રીજું ખતરનાક પાસું વેપારીકરણ છે. સરકાર ધીમે ધીમે શિક્ષણ પાછળ ખર્ચવાનાં નાણાં ઘટાડી રહી છે અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે, જેને કારણે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. આપણા દેશમાં ૭૦૦ યુનિવર્સિટીઓ છે. તેનું શિક્ષણનું સ્તર સુધારવાને બદલે નવી શિક્ષણ નીતિમાં ૨૦૦ વિદેશી યુનિવર્સિટીઓને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવશે.

જે રીતે વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતની પ્રજાને લૂંટી રહી છે, તેવી રીતે વિદેશી ખાનગી યુનિવર્સિટીઓ પણ પ્રજાને લૂંટવાનું કામ કરશે. વળી વર્તમાનમાં સરકાર દ્વારા જે સ્કૂલોને અને કોલેજોને ગ્રાન્ટ આપવામાં આવે છે તે બંધ કરવામાં આવશે અને તેનાં સ્થાને ખાનગી સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવશે. નવી નીતિમાં જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરવામાં આવી છે તેનો ઉદ્દેશ ખાનગીકરણ કરવાનો જ છે.

(૪) આપણા દેશમાં શિક્ષણને પ્રાચીન કાળથી બાળ સંસ્કરણનો યજ્ઞ માનવામાં આવતો હતો. શિક્ષણ તદ્દન મફત આપવામાં આવતું હતું. આજના કાળમાં પણ શિક્ષણને સેવાનું ક્ષેત્ર માનવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણને વેપાર ઉપરાંત ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જે રીતે ઉદ્યોગોને ગ્રેડિંગ આપવામાં આવે છે તેમ શિક્ષણ સંસ્થાને પણ ગ્રેડિંગ આપવામાં આવશે. સ્કૂલોનો વહીવટ પણ વેપારી ધોરણે કરવામાં આવશે. શહેરોની બહાર જેવી રીતે ઔદ્યોગિક સંકુલો હોય છે, તેવાં શૈક્ષણિક સંકુલો ઊભાં કરવામાં આવશે. તેમાં કામદારોની જેમ બાળકોને ભણવા માટે લઈ જવામાં આવશે. બાળકની હાલત પણ મજૂર જેવી થઈ જશે.

(૫) નવી શિક્ષણ નીતિમાં ગુરુના સાન્નિધ્યમાં શિક્ષણ લેવાને બદલે ડિજિટલ ક્લાસરૂમ અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોવિડ-૧૯ને કારણે પેદા કરવામાં આવેલી પરિસ્થિતિનો લાભ લઈને દેશભરમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેને કારણે તેનાં ભયસ્થાનો પણ દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે.

ઓનલાઈન શિક્ષણમાં બાળકની આંખને અને મગજને પણ નુકસાન થાય છે. વળી તે વીડિયો ગેમ્સ અને પોર્નોગ્રાફીનો શિકાર પણ બની શકે છે. ઓનલાઈન શિક્ષણ ખર્ચાળ છે. ગરીબ બાળકોને તેમાં અન્યાય થાય છે. ભારતમાં ઇન્ટરનેટ હજુ ગામડાંઓ સુધી પહોંચ્યું નથી. ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ દેશભરમાં એકસરખો અભ્યાસક્રમ લાદવા માટે પણ કરવામાં આવશે. તેને કારણે વિદ્યાર્થીઓ ચાવી દીધેલાં રમકડાં બની જશે.

નવી નીતિ શિક્ષણના વેપારીકરણ અને કેન્દ્રીકરણ તરફ લઈ જનારી છે

(૬) નવી શિક્ષણ નીતિમાં ૧૦માં ધોરણમાં બોર્ડની પરીક્ષા નાબુદ કરી દેવામાં આવશે. તેને બદલે ધોરણ ૯ થી ૧૨ સુધીનો ચાર વર્ષનો અભ્યાસક્રમ ૮ સેમિસ્ટરમાં વહેંચી દેવામાં આવશે. આ ૮ સેમિસ્ટરનાં પરિણામ પરથી અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. તેને કારણે સ્કૂલોમાં વિદ્યાર્થીની ફાઇનલ માર્કશીટ તૈયાર કરવાની સત્તા આવી જશે, જેનો દુરુપયોગ પણ થઈ શકે છે.

(૭) નવી શિક્ષણ નીતિમાં ઘણા આદર્શોની વાતો કરવામાં આવી છે, પણ તે માટેનું ભંડોળ ક્યાંથી આવશે? તેનો ફોડ પાડવામાં આવ્યો નથી. દાખલા તરીકે તેમાં શિક્ષકોને કોન્ટ્રેક્ટના ધોરણે નોકરીમાં રાખવાની પ્રથા ખતમ કરવાની વાત કરવામાં આવી છે. આ પ્રથા સરકારી સ્કૂલોમાં પણ પ્રવર્તમાન છે. જો બધા શિક્ષકોને કાયમી કરવા હોય તો કેટલું બજેટ જોઈએ? તે રૂપિયા ક્યાંથી આવશે? તેનો ફોડ પાડવામાં આવ્યો નથી. જો આ તમામ ભંડોળ ખાનગી સંસ્થાઓને જ ઊભું કરવાનું હોય તો ખાનગી સ્કૂલો તે રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી જ વસૂલ કર્યા વિના રહેશે નહીં.

(૮) નવી શિક્ષણ નીતિમાં પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિના ચાહકો માટે ગુરુકુલ પદ્ધતિના શિક્ષણની પ્રશસ્તિ ગાવામાં આવી છે, પણ તેનો એક પણ મુદ્દો ગુરુકુલ પદ્ધતિ તરફ લઈ જનારો નથી. ગુરુકુલ પદ્ધતિને બદલે તેમાં બાળકને રોબોટ બનાવતા ઓનલાઈન શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. તેમાં ભારતના ભવ્ય શૈક્ષણિક વારસાના વખાણ કરવામાં આવ્યા છે; પણ તે વારસાને પુનર્જીવિત કરવાનાં સૂચનો કરવાને બદલે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં શાખાઓ ખોલવની અને વેપાર કરવાની છૂટ આપવામાં આવશે. મેકોલે દ્વારા ભારતના લોકોને ગુલામ બનાવવા જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી તેને મજબૂત બનાવતી આ નવી શિક્ષણ નીતિ છે.

( લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે)

Related Posts