નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં 383 દર્દીઓ છે, તેમાંથી ૩૦૦થી વધુ દર્દીઓ લક્ષણો જ નથી ધરાવતાં

શહેરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય તંત્ર દિવસ-રાત સેમ્પલ એકત્ર કરી પોઝિટિવ દર્દીઓને અલગ તારવી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં નવી સિવિલમાં દાખલ દર્દીઓ પૈકી 80% પોઝિટિવ દર્દી કોઈપણ પ્રકારનાં લક્ષણો ન ધરાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ સમગ્ર વિશ્વને કોરોનાએ અજગરી ભરડામાં લીધું છે. આવા સંજોગોમાં આ મહામારીની સામે લડવા માટે શહેર આરોગ્ય તંત્ર સતત ફાઇટ આપી રહ્યું છે.

સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં અત્યાર સુધી 383 પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ દર્દીઓ પૈકી ૮૦ ટકા દર્દીઓ એવા છે જે કોરોનાનાં કોઈપણ પ્રકારનાં લક્ષણો ધરાવતાં નથી. સામાન્ય રીતે કોરોના સંક્રમિત વ્યક્તિને શરદી, ખાંસી, તાવ, શ્વાસમાં તકલીફ, પેટમાં કે માથામાં દુખાવો અને ડાયેરિયા થવા જેવાં લક્ષણો ધરાવતા હોય છે. પરંતુ હવે એક નવી જ બાબત સામે આવી છે તબીબોના જણાવ્યા મુજબ દાખલ કોરોના દર્દીઓ પૈકી ૮૦ ટકા દર્દીઓ એવા છે જે કોઈપણ પ્રકારનાં લક્ષણો ધરાવતાં નથી.

કોમ્યુનિટી સેમ્પલ દરમિયાન સ્વસ્થ પણ પોઝિટિવ કેસ સામે આવે છે

કોમ્યુનિટી સેમ્પલ દરમિયાન સ્વસ્થ હોય પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જો આ દર્દીઓનાં સેમ્પલ ન લેવાયા હોત તો વિચારી શકાય છે કે આ દર્દીઓ કેટલી ભયંકર સ્થિતિ સર્જી શક્યા હોત. જે રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તે જોતાં શહેરમાં 400ની જગ્યાએ ૪૦૦૦થી વધારે કેસ અત્યાર સુધી નોંધાયા હોત. આ વાતને પણ નકારી શકાય નહીં.

Related Posts