શહેરા : શહેરામાં આવેલી શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવમ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ એન્ડ પેરામેડીકલ સાયન્સના સંચાલક સામે ૧૭ જેટલા નર્સિંગના વિદ્યાર્થીઓનો ફી ની પહોંચ ન આપવા બાબતે તેમજ પરીક્ષા ન આપવા દેવાના આક્ષેપ બાદ ઉગ્ર બોલાચાલી અને પોતે ઠગાયા હોવાની લાગણી બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવવા સાથે શિવમ નર્સિંગના સંચાલક વિરૂદ્ધ રાત્રી એ ફરિયાદ નોંધાય તેવી શક્યતા જોવાઇ રહી હતી.
આજથી ૧૦ વર્ષ પહેલાં વર્ષ ૨૦૧૨માં શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવમ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ એન્ડ પેરામેડીકલ સાયન્સની સ્થાપના દહેગામના વતની અને હાલ શહેરા ખાતે રહેતા મનુભાઈ પી. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી,જેમાં નર્સિંગનો અભ્યાસ ચલાવવામાં આવતો હતો. આ નર્સિંગ કોલેજ ખાતે વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૭ વિદ્યાર્થીઓને નર્સિંગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ પ્રવેશ વખતે ૫ હજાર રૂપિયા ફી ભરી તે વખતે પહોંચ આપવામાં આવી હતી અને જાન્યુઆરી સુધીમાં ટુકડે-ટુકડે ફીના રૂપિયા ભરી કુલ ૫૦ હજાર ફી ભરવામાં આવી હતી અને ફી ભર્યાના અવેજમાં તે બાબતની કોઈ પહોંચ કે રસીદ સંચાલક દ્વારા આપવામાં આવી ન હતી.
૨૦૨૦માં ૧૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા બાદ વર્ષ ૨૦૨૧નું આખું વર્ષ અભ્યાસ કર્યા બાદ કોઈ પરીક્ષા લેવામાં આવી ન હતી અને પરીક્ષા કેમ નથી લીધી એવું પૂછતાં કોરોનાના કારણે પરીક્ષા લેવામાં આવી નથી અને બીજી કોઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે એવા ખોટા વાયદા કરી વિદ્યાર્થીઓનું આખું એક વર્ષ બગાડી નાખી તેઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા હતા.ત્યારબાદ વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી માસમાં ૧૭ વિદ્યાર્થીઓને લઈ તેઓ કર્ણાટક રાજ્યના બીડર ખાતે આવેલી અક્કા મહાદેવી સ્કૂલ ઓફ નર્સિંગમાં પરીક્ષા માટે લઈ ગયા હતા.