એ રાણીના વર હતા, પણ રાજા ન હતા. એવી રાણીના વર જેમનાં રજવાડાંનો હજી દાયકાઓ અગાઉ જગતભરમાં ડંકો વાગતો હતો. કોઈ રાજાનું કે રાણીનું આવડું મોટું સામ્રાજ્ય તે અગાઉ દુનિયામાં ક્યારેય સ્થપાયું નથી અને 1940ના દાયકા બાદ તેનો અસ્ત શરૂ થયો પછી ક્યાંક એટલું ફેલાયેલું સામ્રાજ્ય સ્થપાયું નથી. ગ્રેટ બ્રિટિશ અમ્પાયર. પણ રાણી ઈલિઝાબેથ ઈંગ્લેન્ડની રાણી તરીકે વધુ ઓળખાય છે. એમના પતિને પ્રિન્સનો હોદ્દો આપી રખાયો હતો. એ જન્મ્યા હતા ગ્રીસના કુંવર તરીકે અને 99 વરસની ઉંમરે કુંવર તરીકે ગઈ નવ એપ્રિલે મૃત્યુ પામ્યા ત્યારે ઈંગ્લેન્ડના પ્રિન્સ હતા. પ્રિન્સ ફિલિપ માઉન્ટબેટન, ડ્યુક ઓફ એડિનબર્ગ.
જાહેરમાં, સમારંભોમાં એમનું કામ રાણી ઈલિઝાબેથ (ટુ)થી બે કદમ પાછળ ચાલવાનું રહેતું હતું. વધારે એ મૌન રહેતા. અમુક સમયે કશુંક બોલતા. એકબે વખત એમનાં વિધાનોની મીડિયાએ ટીખળો ઉડાડી હતી પરંતુ એકંદરે એમનું રાણીના કોન્સર્ટ (પતિ) તરીકેનું વર્તન શાલીન અને ગરિમાભર્યું રહ્યું હતું. પ્રિન્સ ફિલિપનું જીવન દૂરથી જુઓ તો શાહી ઠાઠમાઠમાં વિત્યું પણ આખરે એ રાણીના કોન્સર્ટ જ કહેવાતા. પોતાના જીવનની અને બ્રિટિશ સામ્રાજ્યની ઘણી ઊથલપાથલો એમણે જોઈ હતી. એમનું જીવન કદાચ એટલું સરળ રહ્યું નહીં હોય જેટલું દૂરથી દેખાતું રહ્યું. એટલા માટે કે એમની ભાષા અને વર્તન હંમેશાં ઠાવકાં રહ્યાં હતાં. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ બ્રિટનના રાજઘરાનામાં એમના શોભાના સ્થાનને કારણે એમના મૃત્યુ વખતે એવો કોઈ નજારો જોવા મળ્યો ન હતો જેટલો એમનાં પુત્રવધૂ લેડી ડાયેનાના આકસ્મિક નિધન વખતે દુનિયાએ જોયો હતો. જો કે પ્રોટોકોલ મુજબ એમના માટે બ્રિટને શોક પાળ્યો અને અંતિમ વિદાય અપાઈ. બ્રિટિશ મીડિયા હંમેશાં દાખવે એવી રાજભક્તિ દાખવી.
ભૂરા ભૂરા શબ્દોમાં પ્રિન્સના ગુણોની નોંધો દિવસો સુધી લેવામાં આવી.
પ્રિન્સ ફિલિપ અને એમનાં પત્ની ઈલિઝાબેથ (ટુ) બ્રિટનના પ્રખ્યાત મહારાણી વિકટોરિયાના ત્રીજા પેઢીનાં સંતાનો છે. ઈલિઝાબેથ પિતૃપક્ષમાંથી છે અને પ્રિન્સ ફિલિપ માતૃપક્ષમાંથી છે. રાણી અને પ્રિન્સ બન્ને બીજી પેઢીએ કઝિન ભાઈ-બહેન હતાં. 26 વરસની ઉંમરે ફિલિપના રાણી સાથે લગ્ન થયા ત્યારે ફિલિપે પોતાની તમામ જૂની ઓળખાણો અને ચીજો ગુમાવી હતી અને નવી મેળવી હતી. તમામ જૂનાં મૂળ કપાઈ ગયાં. એમના પિતા મરણ પામ્યા હતા. ફિલિપનો જન્મ 1921માં થયો હતો. એ થોડા મહિનાઓ વધુ જીવ્યા હોત તો સો વર્ષ પૂરાં કર્યાં હોત. ફિલિપના પિતા ગ્રીસના રાજકુમાર હતા. એ ડેનિશ અને રશિયન શાહી કુટુંબનું ખૂન ધરાવતા હતા. ગ્રીસમાં બળવો થયો હતો અને ત્યારે શાહી કુટુંબને દેશનિકાલ કરવામાં આવ્યું હતું. પ્રિન્સ ફિલિપ ત્યારે શિશુઅવસ્થામાં હતા.
સંતરા ભરવાની એક ટોપલીનું ઘોડિયું બનાવી પ્રિન્સ ફિલિપને કુટુંબ સાથે એક જહાજ પર ફ્રાન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ફિલિપ દસ વરસના થયા ત્યાં સુધી પેરિસના એક હરિયાળા પરા સેન્ટ ક્લાઉડ ખાતે કુટુંબ સાથે મોટા થયા. ફિલિપના નાના ઓસ્ટ્રિયા અને જર્મનીમાં જન્મીને મોટા થયા હતા પણ બાદમાં એમણે બ્રિટનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. એમના પુત્ર એટલે કે લોર્ડ માઉન્ટબેટન. પુત્રી એટલે એલીસ, જે ફિલિપની માતા થાય અને એ બાટેનબર્ગ (જર્મની)નાં પ્રિન્સેસ હતાં. એમને મગજની બીમારી લાગુ પડી હતી. હકીકતમાં એ જર્મન રાજકુમારી હતાં અને ગ્રીસમાં પરણાવ્યાં હતાં. એલીસ વિધવા બન્યા બાદ આધ્યાત્મિક બની ગયાં હતાં અને જીવ્યાં ત્યાં સુધી એમણે ભૂખરો પોશાક જ પહેર્યો હતો. એમની બીજી ત્રણ બહેનો નાઝીઓને પરણી હતી તેથી બ્રિટનના રાજઘરાનામાં તેઓને પ્રવેશ ન હતો. ફિલિપના ઈલિઝાબેથ સાથે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે લગ્ન યોજાયા ત્યારે એ ત્રણેય બહેનોને નાઝી હોવાને કારણે લગ્નનું આમંત્રણ અપાયું ન હતું. બીજું વિશ્વયુધ્ધ પૂરું થયું તેના ત્રણ મહિના બાદ જ 1947માં ફિલિપના ઈલિઝાબેથ સાથે લગ્ન યોજાયાં હતાં પરંતુ પ્રિન્સ ફિલિપ બ્રિટનના રાજઘરાના માટે બહારની વ્યક્તિ (આઉટસાઈડર) હતા.
લગ્ન બાદ ફિલિપે પોતાને જન્મ સાથે મળેલા અધિકારો ગુમાવ્યા હતા. પોતાનું વતન, જૂનું નામ, જૂની રાષ્ટ્રીયતા અને જૂનું ચર્ચ, જન્મદિવસ અને ધર્મ પણ ગુમાવ્યા હતા. એ કેથોલિક મટીને પોટેસ્ટન્ટ બન્યા હતા. ત્યાં સુધી કે ફિલિપે પોતાની જૂની જન્મતારીખ પણ ગુમાવવી પડી હતી. અગાઉ ફિલિપનો જન્મ જુલિયન કેલેન્ડર પ્રમાણે નક્કી થયો હતો. ત્યાર બાદ એ જ જન્મતારીખને ગ્રેગોરીઅન કેલેન્ડર પ્રમાણે તબદિલ કરવામાં આવી તો જન્મતારીખ પણ બદલાઈ ગઈ.
બાળક હતા ત્યારે જર્મની ખાતેના સગાંઓએ આગ્રહ રાખ્યો કે ફિલિપને જર્મનીમાં ઉછેરવામાં આવે. જર્મનીની એક શાળામાં દાખલ પણ કરાયા હતા પરંતુ એ વરસોમાં હિટલર સત્તા તરફ આગળ વધી રહ્યો હતો. ફિલિપની શાળાના યહૂદી હેડમાસ્તર કુર્ટ હાન જર્મની છોડી સ્કોટોલેન્ડ આવી ગયા હતા હતા અને સ્કોટલેન્ડમાં એમણે ગોર્ડન સ્ટાઉન નામની નવી શાળા ખોલી હતી. ફિલિપ પણ સ્કોટલેન્ડ આવી ગયા. 18 વરસની ઉંમરે દક્ષિણ ઇંગ્લેન્ડમાં આવેલી ડાર્ટમાઉથ નેવલ (નૌકા) કોલેજમાં દાખલ થયા જ્યાં એ પ્રથમ ક્રમે રહ્યા. એ જ વરસે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઇ ચૂક્યું હતું. એ શ્રીલંકાના કોલમ્બો અને ભારત ખાતેના બિટિશ નૌકાદળમાં (રોયલ નેવી) માં આવીને જોડાયા. એ જર્મન હતા અને અંગ્રેજી લખવામાં ભૂલો કરતા તો પણ ઇજિપ્ત જતા જહાજમાં બેસીને એમણે નૌકાદળમાં જોડાવા માટેની લેખિત વિધિઓ પૂરી કરી હતી. અંગ્રેજી લખવામાં સ્પેલિંગની ભૂલો કરી હતી. હિટલર અને તેના સાથી લશ્કરી દળોને એ ત્યારે ‘ઇટાલિયનો’ તરીકે ઓળખાવતા. એમણે જે ફોર્મ ભર્યું હતું તેમાં સહી કરી હતી કે, ‘ફિલિપ, પ્રિન્સ ઓફ ગ્રીસ.’ ઘણાં લોકો એમને પ્રિન્સ ઓફ ગ્રીસના ત્રણ શબ્દોના પ્રથમ અક્ષરો જોડીને પીઓજી અથવા ‘પોગ’ તરીકે પણ સંબોધતા હતા. જહાજ પરથી નૌકા સૈનિક તરીકેની ફરજોમાં એમની એક ફરજ સૈનિકો માટે કોકાનું પીણું તૈયાર કરવાની હતી. કોકા અથવા કકાવમાંથી ચોકલેટ બને છે તે આપણે જાણીએ છીએ.
જૂન 1940માં ઇટલીએ ગ્રીસ પર હુમલો કર્યો હતો ત્યારે કેટલાક નાટકીય પ્રસંગો ખડા થયા હતા. એ જે વોરશીપ પર તૈનાત હતા તે એચએમએસ વેલીઅન્ટ એ યુદ્ધમાં કેન્દ્રસ્થાને રહ્યું હતું અને તેણે ઇટાલીની નૌસેનાનો ખુરદો બોલાવી દીધો હતો. એ વખતના શીપ સાથેના અને વિશેના પત્રવહેવારોમાં પ્રિન્સ ફિલિપનો ખાસ ઉલ્લેખ થતો. એ યુદ્ધમાં સફળ રહ્યા તેથી ફર્સ્ટ લુઇટનન્ટ ( લેફટનન્ટ)ના હોદ્દા પર એમને બઢતી અપાઇ હતી. એ યુવાન નૌકા અધિકારી પર શાહી પરિવારની એક કન્યા નજર રાખી રહી હતી. રાજકુમારી ઇલિઝાબેથ ધ સેકન્ડ (હાલનાં રાણી) દ્વારા ફિલિપની એક તસવીર પોતાના ડ્રોઅરમાં રાખવામાં આવી હતી. ઇલિઝાબેથ ત્યારે ટીનેજર હતાં.દાઢીવાળા સોહામણા ફિલિપ ઇલિઝાબેથના પિતાની નેવીમાં નોકરી કરી રહ્યા હતા. નેવીના ડ્રેસમાં પ્રિન્સ ફિલિપ અદલોઅદલ એમના વડ નાના અને બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ જેવા જ દેખાતા હતા.
એક સમયે એક મહિલા પત્રકારે ફિલિપને એમના તથાકથિત રંગીલા જીવનને લઈને ઊડી રહેલી વાતોને આધારે સવાલ પૂછ્યો હતો. 1960ના દશકની વાત છે. જવાબમાં ફિલિપે થોડા આક્રોશ સાથે જવાબ આપ્યો હતો કે ‘અરે ભલી બાઇ, હું એ સમજી શકતો નથી કે તારા મિત્રો અને સાથીદારો કેવા પ્રકારના હશે? પ્રિન્સ ફિલિપ સખત મહેનતી હતા. કોઈ કામ હોય, સંતોષકારક રીતે પૂર્ણ થાય તેનો આગ્રહ રાખતા. એ ઇંગ્લેન્ડ ગયા ત્યારે માઉન્ટબેટનનો પ્રેમ જીતી લીધો અને માઉન્ટબેટન જીવ્યા ત્યાં સુધી સારા મિત્રો રહ્યા. પ્રિન્સે પોતાની જર્મન અટક બદલીને એમની માતાની અટક અપનાવી હતી.
1979માં એ માઉન્ટબેટન સાથે બ્રિટન નજીકના એક રિસોર્ટ પર રહેવા ગયા ત્યારે નૌકા પર સહેલગાહે જવા માટે ફિલિપ તૈયાર થઇને નૌકા પર બેસી ગયા. હતા. માઉન્ટબેટન તૈયાર થઇને આવી રહ્યા હતા ત્યારે બ્રિટનથી આઝાદી માટે લડતાં આયરલેન્ડના આઇઆરએના લડાકુઓએ લોર્ડ માઉન્ટબેટન અને બીજા ત્રણની હત્યાઓ કરી નાંખી. ભાણેજ ફિલિપને આ ઘટનાથી ખૂબ આઘાત લાગ્યા હતો. ફિલિપ ભલે રાણીથી બે ડગલાં પાછળ ચાલતાં, પણ ખાનગી જીવનમાં એ રાણીને ‘લિલિબેટ’ કહીને બોલાવતા. રાણી અને રાજઘરાનાના સુખ-દુ:ખના પ્રસંગોએ અડીખમ બનીને ઊભા રહેતા. એ રાજઘરાનામાં આધુનિકતા આણવાનો પ્રયત્ન કરતા રહેતા. રાણીને પરણીને બકિંગહામ પેલેસમાં રહેવા ગયા ત્યારે એમણે પેલેસમાં તમામ 600 ઓરડાઓ અને તેમાં વસતા નોકર-ચાકરોની જાતે મુલાકાત લઇ તપાસ કરી હતી અને એ કર્મચારીઓ કયા કયા પ્રકારનું કામ કરે છે? તે કામ કેટલું જરૂરી છે ? વગેરે બાબતોની પૃચ્છા કરી હતી. એમને ઇતિહાસ, વન્યજીવન, નૌસેનાની વ્યૂહરચનાઓ, દરિયાઇ સફર વગેરે વિષયોમાં ખૂબ રસ હતો અને વિશાળ પુસ્તકાલય ઊભું કર્યું હતું. સાથે એમના વિશે લખાયેલી જીવનકથાઓનાં પુસ્તકો એક ખૂણામાં જોવા મળતાં. ચાર સંતાનોના પિતા.
એક પુત્રી પ્રિન્સેસ એન અને ત્રણ પુત્રો. પ્રિન્સેસ એન અને ફિલિપનો સ્વભાવ ખૂબ મળતો આવતો. દીકરાઓ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ એન્ડ્રુનાં વર્તનથી નારાજ રહેતા. ત્રીજા પુત્ર એડવર્ડ લો પ્રોફાઇલ રાખે છે. બકિંગહામ પેલેસને વગોવતાં ઘણા પ્રસંગો બન્યા. ડાયેનાનું અવસાન અને પછી પ્રિન્સ ચાર્લ્સના લેડી કેમિલાપાર્કર બોવેલ્સ સાથે બીજા લગ્ન. ડાયેના ચાર્લ્સના નાના પુત્ર પ્રિન્સ હેરીએ શ્વેત-અશ્વેતનું મિશ્ર લોહી ધરાવતી હોલિવૂડની એકટ્રેસ લાથે લગ્ન કર્યા . હમણાં આ વહુએ બ્રિટનના સૌથી મોટા ખોરડાને ખૂબ વગોવ્યું હતું. તે અગાઉ અમેરિકાના એક બ્રોથલ (કૂટણખાના) ની મુલાકાત સંદર્ભમાં પ્રિન્સ એન્ડ્રુનું નામ સંડોવાયું. અગાઉ એન્ડ્રુની પત્ની સારા ફરગ્યુસન લગ્નબાહ્ય સંબંધો રાખતી નગ્ન તસવીરો સાથે ઝડપાઇ ગઇ. આવા પ્રસંગોએ પ્રિન્સ ફિલિપ રાણી સાથે અડગ બનીને ઊભા રહ્યા હતા. રાણીની સ્વર્ગસ્થ નાની બહેન પ્રિન્સેસ માર્ગારેટના અમુક ખાનગી જીવનના પ્રસંગોએ બકિંગહામ પેલેસને બદનામ કર્યો હતો.
જયારે લેડી ડાયેનાની પ્રિન્સ ચાર્લ્સ દ્વારા મંગેતર તરીકે પસંદગી થઇ ત્યારે એમણે ચાર્લ્સને સ્પષ્ટપણે પૂછયું હતું કે તું જીવનભર ડાયેનાનો સાથ નિભાવવાનો હો તો જ હા પાડજે. પ્રિન્સ ફિલિપે વેસ્ટ મિન્સ્ટર એબી (ચર્ચ) ખાતે લગ્નિવિધિમાં રાણીનો હાથ પોતાના મોટા કદના રાતાચોળ હાથમાં લઇને વચન આપ્યું હતું. કે ‘હું તમારો જીવનભર સાથ નિભાવીશ’ અને એ વચન સાર્થક કરતા ગયા. લગ્ન પછીનાં પાંચ વરસ બાદ ઇલિઝાબેથ અણધાર્યા પ્રસંગો ઘટવાથી બ્રિટનનાં રાણી બન્યાં અને આજે પણ છે. રાજ્યારોહણ વિધિ પણ એ જ વેસ્ટ મિન્સ્ટર એબી ખાતે યોજાઇ હતી. લગ્ન સમયે રાણીના ગાલ પર ફિલિપે હળવું ચુંબન કર્યું હતું. જે 65 વરસ બાદ પણ આજે તાજું લાગે છે. એક બહારથી આવેલો રાજકુમાર હંમેશાં રાણીની પડખે રહ્યો. દીકરો ચાર્લ્સ તો રડ્યો. રાણી પણ શોકમાં છે.