Dakshin Gujarat

ભરૂચમાં મંગળવાર સિઝનનો સૌથી ગરમ દિવસ શેકાયું : તાપમાન 43 ડિગ્રી

NAVSARI : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને તાપી જિલ્લામાં મંગળવારે ગરમીનો પારો ઊંચે ચઢ્યો હતો. ભરૂચમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયા બાદ મંગળવારે 43 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાતા લોકો રીતસરના શેકાયા હતા. જ્યારે તાપી જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી પરથી એક ડિગ્રી ઘટીને 41 ડિગ્રી પર પહોંચ્યું હતું.

નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં તાપમાન સદા સાત ડિગ્રી ગગડતાં 33.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.નવસારી જિલ્લામાં ગત 27મીએ મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચતા માર્ચ મહિનાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હતો. સૂર્યદેવતા અગન ગોળાઓ ફેંકતા હોય એમ તાપમાને નવો વિક્રમ રચ્યો હતો. શનિવારે આ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. જોકે ગત રવિવારે તાપમાન નહિવત ડિગ્રી ગગડતા 41.3 ડિગ્રી નોંધાયું હતું. જોકે સોમવારે ગરમીનો પારો 2 ડિગ્રી અને મંગળવારે 5.8 ડિગ્રી ગગડતા છેલ્લા બે દિવસમાં તાપમાન 7.8 ડિગ્રી ગગડ્યું હતું. જેથી મંગળવારે તાપમાન 33.5 ડિગ્રી નોંધાતા ગરમીથી રાહત મળી હતી.

જયારે બીજી તરફ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સવારે ભેજનું પ્રમાણ 91 ટકા અને સાંજે 48 ટકા નોંઘાયું હતું. જ્યારે દિવસ દરમ્યાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી કલાકે 8.5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. વલસાડ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ ઠંડા પવનોની લહેર સાથે સવારનું તાપમાન લઘુત્તમ 14.5 અને મહત્તમ 34 ડિગ્રી રહ્યું હતું. બપોર બાદ ઠંડા પવનો લુપ્ત થતાં ગરમીનો પારો થોડો ઉચકાયો હતો. લઘુત્તમ 18.5 અને મહત્તમ 36.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 થી 89 ટકા જેટલું રહેવા પામ્યું હતું. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં મંગળવારે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુત્તમ 24 નોંધાયું હતું. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ 41 અને લઘુત્તમ 23 હજાર નોંધાયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top