પેટ્રોલ-ડિઝલમાંથી કમાઈ લેવાની સરકારની વૃત્તિ જોખમી બની રહેશે

કોરોના(Corona)ને કારણે આખો દેશ મંદીનો મોટો માર ઝીલી રહ્યો છે. આશરે 70 દિવસ લોકડાઉન રહેવાને કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે અને તેમાં પણ મધ્યમવર્ગની હાલત અતિ ખરાબ થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે લોકડાઉન(Lockdown)ને કારણે ધંધાઓ બંધ થઈ જતા તેની અસર સરકારની આવક પર પણ પડી હોય પરંતુ જેવું લોકડાઉન ઉઠાવાયું કે તુરંત ઓઈલ કંપની(Oil company)ઓ દ્વારા જેવી રીતે પેટ્રોલ અને ડિઝલ(Petrol and Diesel)ના ભાવોમાં વધારો કરવામાં આવી રહ્યો છે તેણે મધ્યમવર્ગ માટે પડતાં પર પાટુ જેવો ઘાટ કર્યો છે. એક તરફ મધ્યમવર્ગ(Middle Class) પાસે પૈસા નથી, માંડ માંડ ગુજરાત ચલાવવા માટે હાથ-પગ મારી રહ્યા છે અને તેમાં સતત પેટ્રોલ અને ડિઝલના ભાવો વધી રહ્યા હોવાથી હવે કેમ જીવવું તે મોટો પ્રશ્ન મધ્યમવર્ગ માટે બની ગયો છે.

પેટ્રોલ-ડિઝલમાંથી કમાઈ લેવાની સરકારની વૃત્તિ જોખમી બની રહેશે

સરકાર(Government) પણ જાણે લોકોની આ સ્થિતિ સમજવા માટે તૈયાર નથી અને તેને કારણે સમસ્યા ઘેરી બની રહી છે. બુધવારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો. છેલ્લા 18 દિવસથી ભાવો વધી રહ્યા છે. બુધવારે જે ભાવ વધારો કરાયો તેમાં ડિઝલમાં 48 પૈસાનો વધારો થયો અને ડિઝલનો ભાવ પેટ્રોલ કરતાં પણ વધુ થઈ ગયો. સરકાર એવું કારણ આપી રહી છે કે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રુડ(Brent Crude) 40 ડોલર પ્રતિ બેલરના ભાવે પહોંચી ગયું છે. પરંતુ સરકાર એ કહેવા તૈયાર નથી કે એક્સાઈઝ ડ્યુટીના વધારાને કારણે ભારતમાં પેટ્રોલ -ડિઝલના ભાવો આસમાને પહોંચ્યા છે અને આગામી દિવસોમાં બંને પેટ્રોલ અને ડિઝલના ભાવો 100 રૂપિયાને આંબી જાય તો નવાઈ નહી હોય.

પેટ્રોલ-ડિઝલમાંથી કમાઈ લેવાની સરકારની વૃત્તિ જોખમી બની રહેશે

આમ જોવામાં આવે તો લોકડાઉનને કારણે દેશમાં પેટ્રોલ અને ડિઝલનો વપરાશ મોટા પ્રમાણમાં ઘટી ગયો હતો. જેને કારણે ઓઈલ કંપનીઓનું માર્જીન માઈનસમાં આવી ગયું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે માર્જિનમાં વધારો થશે. સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં જે વધારો કર્યો છે તે 13 રૂપિયા છે અને તેને કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો વધુ વધશે અને લોકોની હાલાકીમાં વધારો થશે. એવું માનવામાં આવે છે કે ક્રુડ ઓઈલ એ સરકારની તિજોરી માટે મોટો સહારો છે. જયારે અગાઉ ક્રુડ ઓઈલનો ભાવ ઘટી ગયો હતો ત્યારે સરકારે પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઘટાડવાને બદલે એક્સાઈઝ ડ્યુટી વધાર્યે રાખી.

સરકારે આ રીતે પોતાની તિજોરી તરબતર કરી લીધી. હવે તેવી જ રીતે ઓઈલ કંપનીઓ તેમની તિજોરી ભરવામાં લાગી ગઈ છે. સરકાર હાલમાં કોઈ પગલાં લે તેવી સ્થિતિ નથી. આ સંજોગોમાં પેટ્રોલ અને ડિઝલના વધતાં ભાવોને કોઈ રોકી શકે તેમ નથી. માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ રાજ્ય સરકારો દ્વારા પણ પેટ્રોલ અને ડિઝલ પર મોટાપાયે ડ્યુટી નાખવામાં આવી છે. જેથી દરેક રાજ્યોમાં પેટ્રોલ અને ડિઝલના અલગ અલગ ભાવો જોવા મળે છે. યુપીમાં ડિઝલ પર વેટ ઓછો થછે તો ત્યાં ડિઝલનો ભાવ ઓછો છે. છેલ્લા 18 જ દિવસમાં ડિઝલની કિંમતમાં 10.48 રૂપિયાનો વધારો થયો છે. તેવીજ રીતે પેટ્રોલમાં પણ 8.50 રૂપિયા વધી ગયા છે. પેટ્રોલની વાત અલગ છે પરંતુ ડિઝલના ભાવોમાં થયેલો વધારો દેશમાં ફુગાવો પણ વધારશે. કારણ કે ડિઝલનો વપરાશ દેશમાં કૃષિ અને પરિવહનની સાથે અન્ય આવશ્યક સેવાઓમાં થાય છે. ડિઝલનો ભાવ વધારો આ ક્ષેત્રમાં પણ ભાવોમાં વધારો કરશે અને તેને કારણે ટ્રકોના ભાડાં વધશે અને તેને કારણે ફુગાવો પણ વધશે.

પેટ્રોલ-ડિઝલમાંથી કમાઈ લેવાની સરકારની વૃત્તિ જોખમી બની રહેશે

દેશની સરકારોએ છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આર્થિક ક્ષેત્રે આવક વધે તેવા કોઈ કામો જ કર્યા નથી. સરકારોએ જાહેરાતો અનેક કરી પરંતુ ધંધા-રોજગાર દોડતાં થાય તેવી કોઈ જ પ્રવૃત્તિઓ થઈ જ નથી. આ કારણે સરકારોએ પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીઓ વધારીને પોતાની તિજોરી ભરવી પડી રહી છે. ધંધા-રોજગાર નહીં ચાલવાને કારણે સરકારને આઈટી અને જીએસટી(GST)માં પણ એટલી આવક થતી નથી. સરકારને પગલાઓ આર્થિક ક્ષેત્રને મજબુત બનાવે તેવા નથી અને તેને કારણે દેશની હાલત ખરાબ થઈ રહી છે. આજના વિશ્વમાં જો પ્રગતિ કરવી હોય તો પૈસાની ખુબજ જરૂરિયાત છે. ચીન આ વાત સમજી ગયું છે અને તેને કારણે જ પોતાને ત્યાં ઉત્પાદન અને નિકાસને એટલું મહત્વ આપી રહ્યું છે કે આજે ચીનની તિજોરી છલકાઈ જવાની સાથે ચીન વિશ્વના અન્ય દેશોને નાણાં ધીરી રહ્યું છે અને વિશ્વ પર કબ્જો જમાવવાની દિશામાં આગેકદમ માંડી રહ્યું છે.

ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પેટ્રોલ અને ડિઝલનો વપરાશ ઘટે તેવા પ્રયાસો પણ કર્યા નથી. જો આમ કર્યું હોત તો પણ લોકોની પેટ્રોલ અને ડિઝલ પર નભવાની જરૂરિયાત ઘટી ગઈ હોત. સરકારે જે ક્ષેત્રમાં કામગીરી કરવી જોઈતી હતી તે કરી નથી અને તેને કારણે આખો ભાર પેટ્રોલ અને ડિઝલ પર નાંખી દેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલ દેશમાં સામાન્યજનની જરૂરિયાત છે. તેમાં થતો ભાવ વધારો દરેક વર્ગના લોકોને દઝાડે છે. પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવો જાહેર કરવાનું સરકારના નિયંત્રણમાં રહેતું હતું પરંતુ આ ભાવોને અનલોક કરી દીધા બાદ હવે પેટ્રોલ અને ડિઝલના ભાવો દિવસ-રાત વધી રહ્યા છે. સવારે ઉઠીને જોવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલના ભાવ વધેલા જોવા મળી રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં ક્રુડ ઓઈલના ભાવો ઘટતા સરકારે એક્સાઈઝ ડ્યુટી લગાડી હતી તેવી જ રીતે હવે ક્રુડ ઓઈલના ભાવો વધતા સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને તેનો લાભ લોકોને આપવો જોઈએ. ભારતના લોકો હાલમાં એક તરફ મંદીનો માર ઝીલી રહ્યા છે. આવક ઘટી રહી છે. બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે ત્યાં ઓઈલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ધીરેધીરે કરાઈ રહેલા ભાવ વધારાને કારણે લોકો બેવડ વળી રહ્યા છે. સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો આગામી દિવસો સરકારો માટે ભારે મુશ્કેલીના રહેશે તે નક્કી છે.

Related Posts