ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિ માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે કે અભિશાપરૂપ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઉપક્રમે જે ‘ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર’ નું ઉદ્ઘાટન કર્યું તેની માનવજાત પર દૂરોગામી અસરો પડવાની છે, જેની કદાચ આપણામાંના ઘણાને ખબર જ નથી. હકીકતમાં છેલ્લા બે દાયકામાં આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ જ ગઈ છે, પણ હવે તે જે ઝડપથી આગળ વધી રહી છે તે જોતાં આગામી કેટલાંક વર્ષોમાં આપણી જિંદગીનાં તમામ પાસાંઓમાં ધરમૂળથી પરિવર્તન આવશે. ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિનાં મુખ્ય સાધનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન ટેક્નોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંન્ગ્સ, ૩ડી પ્રિન્ટિંગ, રોબોટિક્સ અને જિનેટિક એન્જિનિયરિંગ છે. 

તેનાથી કદાચ આપણી જિંદગી પહેલાં કરતાં વધુ સુખસગવડવાળી બની જશે, પણ તેને કારણે દુનિયાનાં કરોડો લોકો બેકાર થઈ જશે. અગાઉ જે ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ તેમાં વિશ્વની સંપત્તિનો કન્ટ્રોલ કેટલાક લાખ લોકોના હાથમાં આવી ગયો હતો. હવે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આગળ વધી રહી છે તેમાં ઉત્પાદન, વેપાર અને વિનિમયનો કન્ટ્રોલ દુનિયાના મુઠ્ઠીભર લોકોના હાથમાં આવી જશે. તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને જગતની ૭૦૦ કરોડની વસતિને પોતાની ઇચ્છા મુજબ નચાવી શકશે.

દુનિયાની સરકારો પણ આ મુઠ્ઠીભર લોકોના હાથમાં હશે. સરકારો તેમની કઠપૂતળી બની જશે. આ મુઠ્ઠીભર લોકો જ દેશોના કાયદાઓ પણ ઘડશે અને પોતાની મરજી મુજબ લોકોને જીવવા મજબૂર કરશે. ગુગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ફેસબુક, અલી બાબા વગેરે જે કેટલીક કંપનીઓ આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મોખરે છે, તેઓ પોતાની મરજી મુજબની દુનિયા બનાવવા માંગે છે. આ માટે તેમણે સાથે મળીને એજન્ડા ૨૦૩૦ તૈયાર કર્યો છે. તે મુજબ ઇ.સ. ૨૦૩૦ સુધીમાં કોઈ પાસે અંગત સંપત્તિ નહીં હોય. જિંદગીની તમામ ગતિવિધિઓ માટે તેમણે સરકાર પર નિર્ભર રહેવું પડશે. દુનિયામાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઝડપથી લાવવા માટે જ કોરોનાનું નાટક કરવામાં આવી રહ્યું છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિથી જગતમાં કેવું પરિવર્તન આવશે? તેની ચર્ચા કરતાં પહેલાં આપણે પહેલી ત્રણ ઔદ્યોગિક ક્રાંતિને કારણે જગતમાં કેવું પરિવર્તન આવ્યું? તેનું નિરીક્ષણ કરીએ. પહેલી ઔદ્યોગિક ક્રાંતિ વરાળથી ચાલતાં એન્જિનની શોધ સાથે આવી હતી. તેને કારણે અગાઉ જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કારીગરો હાથ વડે કરતા હતા તે યંત્રો વડે ઝડપથી થવા લાગ્યું હતું.

પહેલી ઔદ્યોગિક ક્રાંતિમાં યુરોપના દેશો મોખરે હોવાથી તેનો સૌથી વધુ લાભ તેઓ ખાટી ગયા હતા. તે સમયે જગતભરમાં યુરોપની કોલોનીઓ હતી, જેની પ્રજા રાજકીય રીતે ગુલામ હતી. યંત્રોની મદદથી યુરોપમાં કારખાનાંઓ ઊભાં થઈ ગયાં. ભારત જેવા ગુલામ દેશોમાંથી કાચો માલ મંગાવવામાં આવતો હતો અને યુરોપનાં કારખાનાંમાં ઉત્પાદન થતું હતું. આ તૈયાર માલ વેચવા માટે પાછો ભારત જેવા ગુલામ દેશોમાં જ મોકલવામાં આવતો હતો.

બીજી ઔદ્યોગિક ક્રાંતિ ઓગણીસમી સદીમાં આવી હતી, જેમાં મુખ્ય સાધન વીજળી બની હતી. જે કારખાનાંઓ અત્યાર સુધી બળતણ માટે કોલસા કે ડિઝલ પર નિર્ભર હતાં તે વીજળી પર ચાલવા લાગ્યાં હતાં. ટ્રેનો પણ વીજળી પર દોડવા લાગી હતી. તેને કારણે ફેક્ટરીઓમાં ઉત્પાદન ઝડપી અને સુવિધાયુક્ત બન્યું; પણ બીજાં કરોડો લોકો બેકાર થયાં હતાં. વીજળીની શોધને કારણે મનુષ્યોની જિંદગીમાં ભારે પરિવર્તન આવ્યું હતું. લાઇટ, પંખા, ટી.વી., ફ્રીઝ, એર કન્ડિશનર, માઇક્રો વેવ ઓવન, ગિઝર, મિક્સર, વોશિંગ મશીન વગેરે વીજળી સિવાય ચાલી શકે જ નહીં. સિનેમા, નાટકો, ટી.વી. વગેરે મનોરંજનનાં સાધનો પણ વીજળી વગર ચાલી શકે તેમ નહોતાં.

ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવી, જ્યારે કોમ્પ્યુટરે આપણા જીવનમાં પગપેસારો કર્યો. કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ પણ આવ્યું. અગાઉ જે કામો માનવો કરતાં હતાં તે કોમ્પ્યુટરો કરવા લાગ્યાં.  તેને કારણે કરોડો બીજાં લોકો બેકાર બની ગયાં. સાથે સાથે આઇટી, સોફ્ટવેર, કોલ સેન્ટરો, હાર્ડવેર વગેરેમાં રોજગારીની તકો પણ વધી. બેન્કિંગ વગેરે ક્ષેત્રોમાં તો કોમ્પ્યુટર વગરની જિંદગીની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. કોમ્પ્યુટર આવ્યા તે પછી માણસે પોતાના મગજનો ઉપયોગ કરવાનું ઓછું કરી નાખ્યું. અગાઉ જે ગણતરીઓ આંગળીના વેઢા પર થતી હતી તે કેલ્ક્યુલેટર વગર થઈ શકતી નથી. માણસ ટેક્નોલોજીનો ગુલામ બનતો ગયો.

હવે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઇ છે તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના વિસ્તરણ જેવી છે, પણ તેની ઝડપ સામાન્ય કોમ્પ્યુટર કરતાં કરોડો ગણી છે. તેમાં સૌથી મુખ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ છે. એક જ ઉદાહરણ આપીએ તો દુનિયાનાં કરોડો વાહનચાલકો આજે જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ રસ્તો શોધવા માટે કરી રહ્યા છે. જીપીએસનું પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેમને રસ્તા બતાડે છે, એટલું જ નહીં, તેમને ક્યા રસ્તે ટ્રાફિક ઓછો નડશે તેની માહિતી પણ આપતું રહે છે.

આ બધું કામ માણસો કરી શકે જ નહીં. આ કામ સેટેલાઇટ વડે જોડાયેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું બીજું ઉદાહરણ એમેઝોન, ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વેગી, યોયો હોટેલ્સ જેવા પ્લેટફોર્મો છે. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દુનિયાના અબજો ગ્રાહકોને તેમના સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડે છે. ઓલા કે ઉબેર પાસે પોતાની એક પણ ટેક્સી નથી; તો પણ તેઓ નેટવર્કિંગ કરીને દુનિયાના કરોડો ગ્રાહકોને ટેક્સીની સેવા પૂરી પાડે છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિને બળ પૂરું પાડવાનું કામ મોબાઇલ અને ડેટાની સેવાએ કર્યું છે. જો ભારતમાં ડેટા આટલો સસ્તો ન થયો હોત તો સોશિયલ મીડિયાનો વિકાસ આટલો ઝડપી ન થયો હોત. જો કે સોશિયલ મીડિયાને કારણે આપણી પ્રાઇવસી ખતમ થઈ ગઈ છે. આપણી કોઈ વાતો હવે અંગત નથી રહી. દુશ્મન દેશો આપણી જાસૂસી કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકાય છે. જીપીએસનો ઉપયોગ કરનારની તમામ હિલચાલ પર ગુગલની નજર રહે છે. નેટ ઉપર આપણે કઈ વેબસાઇટનું સર્ફિંગ કરીએ છીએ તેનો ડેટા પણ ગુગલમાં હોય છે. આ ડેટાનો પણ ધંધો વિકસી રહ્યો છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું સૌથી પાવરફુલ હથિયાર સર્વેલન્સ સિસ્ટમ હશે. ટ્રાફિક સર્વેલન્સ માટે મોટાં શહેરોમાં કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જો કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો આપમેળે તેના ઘરે ચલણ પહોંચી જાય છે.  આ કેમેરાનો ઉપયોગ નાગરિકો પર નજર રાખવા માટે પણ થઈ શકે છે. કોરોનાના કાળમાં દ્રોનનો ઉપયોગ પણ નાગરિકો પર નજર રાખવા થાય છે. ચોથી ક્રાંતિનું ભયસ્થાન એ છે કે તેનો ઉપયોગ માનવજાતને ગુલામ બનાવવા માટે પણ થઈ શકે છે.           

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts