ભગવાન કૃષ્ણનો એક પરમ ભક્ત ખેડૂત રોજ સવારે મંદિરે જાય.વ્રત કરે.ખેતરમાં કામ કરતા કરતા સદા તેના મોઢા પર ભગવાનનું જ નામ હોય.ન કોઈ સાથે ઝઘડો ..ન કોઈની સાથે વેર …બસ પોતાનું કામ ભલું અને પોતાના ભગવાનની ભક્તિ ભલી.જે મળે જેટલું મળે તેમાં ખુશ રહે.કોઇ પણ મુશ્કેલીના સમયમાં તેનો જવાબ એટલો જ હોય કે ‘મારો હરિ કરે તે સાચું.’ ખેડૂતની પત્ની તેને ઘણી વાર કહે ભગવાનની ભક્તિ કરવી સારું છે પણ હંમેશા કંઈ હરિ ઈચ્છા એમ કહીને થોડું બેસી રહેવાય. આપણે પણ લડવું પડે.ખેડૂત કહે, ‘ભલે જેવી હરિ ઈચ્છા. જયારે લડવાનું આવશે ત્યારે લડી લઈશ.’ ખેડૂતના જીવનમાં ઘણી તકલીફો આવી. દુકાળમાં જમીન સુકાઈ ગઈ. કંઈ પાક ન થયો.ભારે વરસાદમાં ઘરનું છાપરું તૂટ્યું.આવી તો નાની મોટી તકલીફો આવતી જ રહેતી અને ખેડૂત ભગવાન પર શ્રધ્ધા રાખતો અને કોઈ ને કોઈ માર્ગ નીકળતો રહેતો.
એક દિવસ ખેડૂત સવારે ઊઠ્યો તો તેની પત્ની રડી રહી હતી. તેમનો એક બળદ જમીન પર બેભાન પડ્યો હતો અને પત્ની મોટે મોટેથી રડી રહી હતી કે ‘હવે આપણે ખેતી કઈ રીતે કરીશું.ખેતર કેવી રીતે ખેડીશું.પાક નહીં ઊગે તો ખાઈશું શું ?’ ખેડૂત ચિંતામાં પડી ગયો.વૈદ્યને બોલાવવા ગયો.વૈદ્ય આવ્યા અને બળદને તપાસી કહ્યું, ‘હવે આ બળદ બચી નહિ શકે.’ ખેડૂતની પત્ની વધુ જોરથી રડવા લાગી અને ખેડૂતને પૂછવા લાગી, ‘હવે આપણે શું કરીશું? ખેતી કઈ રીતે કરીશું? નવો બળદ લઇ શકીએ તેટલા આપણી પાસે પૈસા પણ નથી.’ ખેડૂત તો એટલું જ બોલ્યો, ‘મારો હરિ કરે તે ઠીક.’ ખેડૂતની પત્નીનું મગજ ગયું. રડતાં રડતાં ગુસ્સામાં તે બોલવા લાગી, ‘શું હરિ કરે એ ઠીક, તમારા હરિએ આ ઠીક થોડું કર્યું છે.ખેતર ખેડવાનું કામ કરવાનું માથા પર છે અને બળદ મરવા પડ્યો છે.’ ખેડૂતના મનમાં પણ ચિંતા થઈ. આખો દિવસ બળદની સારવારમાં ગયો.બળદ બચે તેમ ન હતું.
રાત્રે ખેડૂત જમી ન શક્યો અને ભગવાનની છબી સામે જોઇને પ્રાર્થના કરવા લાગ્યો કે ‘પ્રભુ, કાલથી ખેતર ખેડવું જરૂરી છે અને એક બળદ બીમાર છે તો હવે હું ખેતર ખેડવા માટે એક બળદ સાથે મારી જાતને જોડીશ.પ્રભુ મને તાકાત આપજો અને મારી સાથે રહેજો.’ આ પ્રાર્થના કરતાં કરતાં તે પ્રભુની છબી સામે જ સૂઈ ગયો.રાત્રે ખેડૂતને સપનામાં પ્રભુ આવ્યા અને બોલ્યા, ‘ભક્ત, હું મારા કોઈ પણ ભક્તનો સાથ ક્યારેય છોડતો નથી. હંમેશા સાથે જ રહું છું.અત્યાર સુધી હંમેશા તારી તકલીફમાં હું સાથે જ રહ્યો છું અને રહીશ. તે મારું વચન છે.’ બીજે દિવસે ખેડૂતે બીજા બળદ સાથે બાજુમાં જાતે જોતરાઈને ખેતર ખેડ્યું અને જાણે પ્રભુએ સાથે રહી તાકાત આપી અને એક જ દિવસમાં ખેતર ખેડાઈ ગયું. અને ખેડૂતને થાક પણ ન લાગ્યો. ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, ‘જોયું, મારો હરિ હંમેશા સાથે જ રહે છે. આજે પણ મને તાકાત આપી.’ ઈશ્વર હંમેશા પોતાના ભક્તોની મુશ્કેલીમાં કોઈ ને કોઈ રીતે સાથ આપે જ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે