સુરત (Surat): અમેરિકામાં (America) માનવસર્જિત હીરા લેબગ્રોન ડાયમંડ (Labgrown Diamond) નું વેચાણ અને ઉત્પાદન કરનાર વિશ્વની બીજા ક્રમાંક કંપની ‘WD Lab Grown Diamonds’ એ નાદારી નોંધાવતા હીરા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. અમેરિકાના અખબારના એહવાલ મુજબ LGD સેક્ટરમાં વધુ પડતું ઉત્પાદનને કારણે નુકસાન થયું છે અને ઉત્પાદિત હીરાના ભાવમાં ભારે ઘટાડો થયો છે.
- અમેરિકાની લેબગ્રોન ડાયમંડ કંપની નાદારીથી હીરાઉદ્યોગમાં હડકંપ
- ભાવમાં તીવ્ર ઘટાડા બાદ સંઘર્ષ કરી રહેલી સુરતની LGD કંપનીઓને વધુ એક ફટકો
- સુરત, મુંબઇ અને ચીનના ઉત્પાદકોનાં 44 મિલિયન યુએસ ડોલર ચૂકવવા ઇન્કાર કરી દીધો
લેબમાં તૈયાર આવેલા હીરાના ભાવ માત્ર સાત વર્ષમાં એક કેરેટ માટે ત્રણ ગણાથી વધુ ઘટી ગયા છે, કારણકે, ઉત્પાદકોએ ઓવર પ્રોડક્શન કરી બજારની સ્થિતિ બગાડી છે. સ્થિતિ એવી બની છે કે મેનહટનની ફુટપાઠ પર લેબગ્રોન ડાયમંડ વેચાઈ રહ્યાં છે. અહેવાલ અનુસાર ગુરુવારે WD લેબ ગ્રોન ડાયમંડ્સનું આઘાતજનક પતન જાહેર કરવામાં આવ્યું હતું. આ કંપનીએ બુધવારે ડેલવેર નાદારી કોર્ટમાં ચેપ્ટર 7 હેઠળ નાદારી નોંધાવી હતી. કોર્ટના દસ્તાવેજોને ટાંકીને અખબારે અહેવાલ આપ્યો કે WD એ ભારત, ચીનની પાર્ટીઓને $44 મિલિયન 100 થી 199 પાર્ટીઓને ચૂકવવાના છે પણ તેની પાસે માત્ર કુલ 3 મિલિયન યુએસ ડોલરની અસ્કયામતો બચી છે.
LGD મેન્યુફેક્ચરિંગમાં સંકળાયેલી અસંખ્ય કંપનીઓ શરૂ થતા સુરત LGD હીરાના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જો કે, સુરતની LGD કંપનીઓ ભાવમાં તીવ્ર ઘટાડા બાદ સંઘર્ષ કરી રહી છે. એલજીડી હીરા જે એક સમયે કેરેટ દીઠ $400ના ભાવે વેચાતા હતા. તે હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કેરેટ $30 કરતા પણ ઓછા ભાવે મળી રહ્યા છે.
ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એવો ઘાટ સર્જાયો
એક પીઢ હીરા ઉદ્યોગના નિષ્ણાતે ટિપ્પણી કરી, સુરત હીરા ઉદ્યોગ લેબગ્રોન ડાયમંડના વ્યાપ વધ્યા પછી આફતથી પીડાઈ રહ્યોં છે. ‘ઝાઝા રસોઈયા રસોઈ બગાડે’ એવો ઘાટ સર્જાયો છે. સુરતમાં 50 થી વધુ મોટા અને નાના LGD હીરા ઉત્પાદકો પૈકી મોટાભાગના લોકોએ બેંક લોન લીધી છે, એ જોતાં બેંકોનાં ધિરાણ સામે મૂડી ઘસાઈ ગઈ છે. જાણકારો ચેતવણી આપી રહ્યા હતાં કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટશે.
નોંધનીય છે કે ડી બીયર્સ લાઇટબોક્સ બ્રાન્ડ હેઠળ તેની પોતાની લેબ-ઉગાડવામાં આવેલી ડાયમંડ રેન્જને લોન્ચ કરનાર સૌપ્રથમ હતું, એને ભૂલ સમજાતા પાછળથી તેણે ટૂંકા પ્રયોગ પછી LGD સગાઈની વીંટી વેચવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈ અમેરિકા તથા યુરોપના દેશોની આર્થિક પરિસ્થિતિ નબળી થવાથી હીરા તથા જ્વેલરીની માગ ઘટી ગઈ હોવાથી જ્વેલર્સો ભારે દ્વિધામાં આવી ગયા છે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન ભારતમાં વધી જવાથી નિકાસ વધારતા જ ગયા.
અમેરિકાની વોશિંગ્ટન સ્થિત એક જ્વેલરી કંપનીએ કોર્ટમાં ચેપ્ટર સેવનમાં નાદારી નોંધાવી છે. તેની પાસે 3 મિલિયન ડોલર છે, જ્યારે 100 થી 199 જેટલા નાના-મોટા લેણદારોને 44 મિલિયન ડોલર ચૂકવવાના છે. જ્વેલરી માર્કેટની પરિસ્થિતિ નહીં સુધરે તો આવી ઘટનાઓ બનતી જ રહેશે.