આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ જેવાં પ્લેટફોર્મે વિશ્વને નજીક લાવ્યું છે, અને લોકોને અભિવ્યક્તિનું માધ્યમ આપ્યું છે. પરંતુ, આ ચમકતી દુનિયાની પાછળ એક અંધારું સત્ય છુપાયેલું છે. સોશિયલ મીડિયા, જે શરૂઆતમાં વરદાન લાગતું હતું તે ધીમે-ધીમે સમાજ માટે દૂષણ બની રહ્યું છે. સોશિયલ મીડિયાની સૌથી મોટી ખામી એ છે કે તે માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.ખાસ કરીને યુવાનો, ઓનલાઇન દેખાવ અને સ્વીકૃતિના દબાણમાં જીવે છે.
લાઇક્સ, કોમેન્ટ્સ અને શેરની દોડમાં તેઓ પોતાની વાસ્તવિક ઓળખ ગુમાવી બેસે છે. સોશિયલ મીડિયા ખોટી માહિતી, અફવાઓ, ભ્રામક સમાચાર અને પ્રોપેગન્ડાનું કેન્દ્ર બની ગયું છે. જે સમાજમાં ભય, ગેરસમજ અને વિભાજન પેદા કરે છે. આનાથી સમાજનું ધ્રુવીકરણ વધે છે અને સંવાદની જગ્યાએ વિવાદ ઉભા થાય છે. સ્ક્રોલિંગ, રીલ્સની દુનિયામાં લોકો કલાકો ગુમાવી દે છે, વિદ્યાર્થીઓ અને યુવાનો ખાસ કરીને આનો ભોગ બને છે, કારણ કે તેઓ અભ્યાસને બદલે સોશિયલ મીડિયાને વધુ પસંદ કરે છે.
લોકો વાસ્તવિક વાતચીતને બદલે ઓનલાઇન દુનિયામાં ખોવાયેલા રહે છે. વધુમાં, સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી અને ખોટી જાહેરાતો નૈતિક મૂલ્યોને હાનિ પહોંચાડે છે અને નકારાત્મકતા પેદા કરે છે. સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો દુરુપયોગ સમાજ માટે ઝેર સમાન બની રહ્યો છે. તેની નકારાત્મક અસરોને ઘટાડવા માટે, વ્યક્તિગત સ્તરે સમયનું સંચાલન, માહિતીની ચકાસણી અને તેનો ઉપયોગ સભાનપૂર્વક કરવો જરૂરી છે.
સુરત – સંજય સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચ્યુંગમ પર પ્રતિબંધ મૂકો
સમય પસાર કરવા માટે ચ્યુંગમને ચાવીને મોંમાં રાખવામાં આવે છે. જેનો ઉપયોગ ગલી-ગલીએ નબીરાઓ કરતાં હોય છે. પરદેશીઓને ચ્યુંગમ ચાવતાં જોઈને ભારતીય નબીરાઓ તેમનું અનુકરણ કરતા હોય છે. થોડા થોડા સમયે જાહેરમાં થૂંકવું પડે છે. ઘણાં લોકોને શરીર પર તેમજ કપડાં પર ચોંટી જાય છે. કારણ કે તેમાંનો ગુંદર સહેલાઈથી છૂટો પડતો ન હોવાથી તેને દૂર કાઢવા માટે ઘણી જ મુશ્કેલ પ્રક્રિયા છે.
ચ્યુંગમ બનાવવા અંગેની મશીનરીને સાફ કરવા માટે ઘણી જ મહેનત કરવી પડે છે તેમજ મજૂરી ખર્ચ પણ વધી જાય છે. છતાં પણ તેને સંપૂર્ણ સાફ કરી શકાતું નથી.આથી વેસ્ટ જેવી ગણાતી ચ્યુંગમ અંગે જાહેરનામું બહાર પાડવું જોઈએ. આથી તેના વિવાદમાં ઊતરવું પડે છે. આટલું જાણવા છતાં પણ નબીરાઓ શિષ્ટાચાર વિરુધ્ધ જાહેરમાં કે ખાનગી રીતે ઉપયોગ કરતા હોય છે. આથી ચ્યુંગમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.