સુરત : રાજ્યમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. ફૂલસ્પીડમાં બેફામ વાહનો દોડાવે છે. થોડા દિવસો પહેલાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કાર ચાલક તથ્ય પટેલે ફૂલસ્પીડમાં કાર દોડાવી નિર્દોષ 9 લોકોને કચડી નાંખ્યા હતા. સુરતમાં આવી ઘટના બનતા રહી ગઈ છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક કાર ચાલકે ઓનડ્યુટી પોલીસ કર્મીને અડફેટે લીધો હોવાની ઘટના બની છે.
કતારગામ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહન ચેકીંગ કરનાર ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને એક કાર ચાલકે 300 મીટર ઘસડી મારી નાખવાની કોશિશ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કોડા કારના ચાલકે પોલીસ કર્મચારીને 200 થી 300 મીટર સુધી બોનેટ પર ઉપાડીને લઈ ગયો હોવાનું CCTV માં સ્પષ્ટ દેખાતા ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટનામાં પોલીસ કમર્ચારીને ઇજા થતાં કતારગામ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું પણ કહેવાય રહ્યું છે. ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કતારગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક ગૌતમ બાબુભાઈ જોષી (ઉં.વ.25 રહે, નવકાર ફ્લેટસ પટેલ ફળિયું કતારગામ) ગઈકાલે રવિવારે રાત્રે આઠેક વાગ્યે કતારગામ અલ્કાપુરી બ્રિજ નીચે વાહને ચેકિંગમાં હતા તે વખતે નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી સફેદ કલરની સ્કોડા કાર ચાલકે મારી નાંખવાનો ઇરાદે કારને રેસ આપી પુરઝડપે હંકારી લાવી ગૌતમ જોષી ઉપર ચડાવી દીધી હતી. કાર ચાલક એલઆર ગૌતમ જોષીને ટક્કર મારી બોનેટ ઉપર અલ્કાપુરી બ્રિજ નીચેથી પુરઝડપે સુમુલ ડેરીની દિવાલ સુધી 250થી 300 મીટર સુધી ઘસડી ગયા બાદ રોડ પર ફેંકી દીધો હતો. અકસ્માતમાં લોકરક્ષક ગૌતમ જોષીને શરીરના ડાબી બાજુએ ઘસડાયો હતો તેમજ ડાબા અને જમણા હાથના કોણીના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે કતારગામ પોલીસે ગૌતમ જોષીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે કતારગામ પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી કતારગામ ઈલાપાર્ક સોસાયટીમાં રહેતા 19 વર્ષીય હેમરાજ રાવત બંધીયાની ધરપકડ કરી છે. હેમરાજના પિતા કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધો-12 નાપાસ હેમરાજ પાસે તેના મિત્રની ગાડી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
કાળા કાચવાળી ગાડી પૂરઝડપે હંકારી મારી પર ચડાવી દીધી
લોકરક્ષક ગૌતમ જોષીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાત ની હતી. રાત્રે આઠેક વાગ્યના અરસામાં કતારગામ અલ્કાપુરી બ્રિજ નીચે વાહન ચેકિંગમાં હતા. નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી સફેદ કલરની સ્કોડા ઓક્ટીવીયા ગાડીના ચાલકે મારી નાંખવાના ઈરાદે કારને રેસ આપી પુરઝડપે હંકારી લાવી મારી ઉપર ચડાવી દીધી હતી. બોનેટ ઉપર લટકાવી અલ્કાપુરી બ્રિજ નીચેથી પુરઝડપે સુમુલ ડેરીની દિવાલ સુધી 250 થી 300 મીટર સુધી ઘસડી ગયો હતો. ત્યારબાદ રોડ પર ફેંકી દીધો હતો. શરીરની ડાબી બાજુએ ઘસડાયો હતો તેમજ ડાબા અને જમણા હાથના કોણીના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.