Gujarat

કોરોનામાં નબળી આરોગ્ય સેવા માટે હાઇકોર્ટની ફટકાર છતાં ભાજપ સરકારમાં સુધારો નથી

કોરોનાકાળ દરમિયાન રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઇ હતી. જેના મુદ્દે હાઇકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવા છતાં ભાજપ સરકારમાં કોઈ જ સુધારો આવ્યો નથી. આ ઉપરાંત સુપ્રીમકોર્ટના આદેશ મુજબ વળતર આપવામાં પણ ભાજપ સરકાર ઠાગાઠૈયા કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી સ્નેહમિલન અને યાત્રાઓમાં સતત વ્યસ્ત છે, બીજી તરફ રાજ્યની જનતા વ્યથા અને તકલીફોથી પીસાઈ રહી છે, પરંતુ તેઓની સમસ્યાઓ સાંભળવા માટે કોઈને સમય નથી.કોવિડ- 19ના કારણે સરકારી આંકડાઓ મુજબ રાજ્યમાં 10,090 લોકોએ જાન ગુમાવ્યા છે. જ્યારે એક ખાનગી સર્વે મુજબ ગુજરાતમાં ત્રણ લાખ કરતાં વધુ લોકોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. ભાજપ સરકારની અનઆવડત અને અનઘડજ વહીવટને કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ કકડભૂસ થઇ જતાં અનેક નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કોવિડ-19 દરમિયાન આરોગ્ય સેવાઓ અંગે હાઇકોર્ટની વારંવાર ફટકાર જતાં ભાજપ સરકારમાં કોઈ સુધારો આવ્યો નથી.

ડો. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યના લોકોને મેડિકલ સારવાર આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, બીજી તરફ સુપ્રીમકોર્ટના આદેશ મુજબ વળતર આપવામાં પણ સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. સુપ્રીમકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે, ત્યારે હવે રાજ્યનું તંત્ર જાગશે ?

Most Popular

To Top