Charchapatra

પ્રજા પર ઝીંકાતા કરવેરા

એક આદર્શ વિચાર અનુસાર જે સત્તાના બળ પર નહીંવત રાજ ચલાવે અને પ્રજાની મહત્તમ હિસ્સેદારી સાથે જનકલ્યાણ સાધે તે સાચી લોકશાહી અને પ્રજાસત્તાક સરકાર કહી શકાય. ભોજનમાં નમક પ્રમાણ જેવા કરવેરા હોવા જોઇએ. કવિ કલાપીના ‘ગ્રામ માતા’ કાવ્યમાં છૂપાવેશમાં તરસ બુઝાવવા આવેલો રાજવી શેરડી રસનો બીજો પ્યાલો માગે છે ત્યારે રસ નીકળતો નથી, ત્યારે કયાં તો ધરતી રસહીન થાય યા તો દયાહીન રાજા થાય ત્યારે જ આવું બને. એમ ઘરડો ખેડૂત ઉચ્ચારે છે ત્યારે રાજા સ્વીકારે છે કે હું જ રાજા છું અને શેરડીનો ભરપુર પાક જોઇને લાલચ જાગતાં વધુ કરવેરા ઝીંકવાનો મને વિચાર આવેલો જયારે સરકાર બજેટ બહાર પાડેછે ત્યારે તેમાં નવા કરવેરા સૂચવાયા ન હોય.

અને કરવેરામાં રાહત અપાય હોય, એટલા માત્રથી લોકો ખુશ થઇ જાય છે, ત્યારે ઇતિહાસમાં કોઇ રાજય કરવેરા વગરનું હોય તે વાત કોઇ માની શકે નહીં. રાજાશાહીના કાળમાં ગોંડલના રાજા ભગવતસિંહે દેશનું પ્રથમ કરવેરા વિહીન સ્ટેટ બનાવી બતાવેલું.  મુંબઇ ટ્રામ-વે, સુરત – ભુસાવલ રેલવે સહિતના પ્રકલ્પોમાં ભગવતસિંહજીએ જંગી  રોકાણ કરી તેની આવક પ્રજાહિતમાં વાપરવાની રીત અજમાવી હતી, અને પોતાના રાજયમાં તમામ કરવેરા નાબૂદ કર્ય હતા સમગ્ર દેશમાં ઓકટ્રોય નાબૂદ કરવાનું શ્રેય પણ તેમના જ ફાળે જાય છે. જકાતના કર્મચારીઓ કરવેરા વસૂલવા  લોકોના થેલા ખાલી કરીને તપાસ કરતા હતા તે દૃશ્ય રાજાએ જોયું અને તત્કાળ ઓકટ્રોય નાબૂદ કરી.

પોતાની કચેરીમાં પીન – ટાંકણીનો ઉપયોગ કરવાને બદલે બાવળનું વાવેતર કરી તેનો ઉપયોગ કરવાનો ઉપાય શોધ્યો. રાજવી પોતે રાજયના પગારદાર કર્મચારી તરીકે રહેતા ઓગણીસસો નવની સાલમાં કસ્ટમ ડયુટી નાબૂદ કરી હતી અને નગરપાલિકા સ્થાપી હતી. છપ્પનિયા દુકાળના સમયે મહેસૂલ પ્રથા રદ કરી હતી. પચાસેક જાતના કરવેરા નાબૂદ કરી ગોંડલને ‘ટેક્ષ હોલીડે’ રાજય બનાવ્યું હતું. છતાં જન સુવિધામાં કોઇ કાપ મૂકયો ન હતો. રાજા ભગવતસિંહ માનતા કે કરવેરાના બોજથી કચરાયેલી પ્રજા નિસ્તેજ, નિર્માલ્ય, બળવાખોર માનસવાળી બની જાય છે. જયારે અન્ય રાજયો હવે કયો કરવેરો નાંખવો તેનો વિચાર કરતા ત્યારે ગોંડલના રાજા કયા કરવેરા કાઢી નાંખવા તેજ સતત વિચારતા રહેતા. મોજશોખનો તો સદંતર ત્યાગ કર્યો હતો. રાજયના તમામ કર્મચારીઓ માટે પગારધોરણ, નિમણુંક, પ્રમોશન, પેન્શન, ગ્રેજયુઇટીના નિયમો બનાવ્યા હતા. શું આવા રાજયને ‘રામરાજય’ ન કહી શકાય?
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top