“વાત એક ઉંદરની” લાલચ અને મહેનત વગરનો આનંદ ભારે પડ્યો.

એક ઉંદર રોજ રાત્રે ખાવાનું શોધવા નીકળે. કોઈ દિવસ સહેલાઈથી ખાવાનું મળી જાય અને કોઈ દિવસ  રખડતાં કંઈ ન મળે.રોજ રાત્રે આમ તેમ ભટકતાં તેને એક રસોડામાં ઘૂસવાનો રસ્તો મળી ગયો.પછી તે રોજ તે માર્ગે રસોડામાં પહોંચી જાય અને જે કંઈ બહાર પડ્યું હોય તે ખાઈ લે અને રસોડામાં આમથી તેમ દોડાદોડી કરી સવાર થતાં પહેલાં પાછો પોતાના દરમાં ભાગી જાય.

ઉંદરને પણ આ એક જ જગ્યાએ જઈ ખાવાનું શોધવું સાવ સહેલું લાગવા માંડ્યું અને ભરપેટ ખાઈને પછી તે તોફાને ચઢી રસોડામાં નુકસાન પણ કરતો.લગભગ અઠવાડિયું રોજ આમ થતાં ગૃહિણીએ ઉંદરને પકડવાના પ્રયત્નો શરૂ કર્યા પણ કોઈ પણ રીતે ઉંદર પકડાયો નહિ.ગૃહિણીનાં અનુભવી દાદ્દીએ એક જુદો જ ઉપાય સૂચવ્યો.તેમણે ગૃહિણીને કહ્યું, ‘પહેલાં તું ઉંદર ક્યા રસ્તે આવે છે તે શોધ અને તે જે રસ્તે આવતો હોય તે રસ્તામાં તારા રસોડામાં પ્રવેશે તે પહેલાં જ એક મોટી બરણીમાં અનાજ  ભરીને મૂકી દેજે અને બરણીનું ઢાંકણું ખુલ્લું રાખજે. આજુબાજુ થોડા દાણા ઢોળી દેજે.’

ગૃહિણીએ કહ્યું, ‘દાદી, પણ આમ તો તમે ઉંદરને આમંત્રણ આપો. આમ કઈ રીતે તે પકડાય?’ દાદીએ કહ્યું, ‘પકડાશે અને ચોક્કસ પકડાશે. થોડી ધીરજ રાખજે અને જ્યાં બરણી મૂકે તે જગ્યા તારા રસોડાથી થોડે દૂર અને ઉંદરના આવવાના રસ્તામાં હોવી જોઈએ.’ ગૃહિણીએ દાદીના કહ્યા મુજબ જગ્યા શોધી અને અનાજ ભરેલી બરણી મૂકી દાદીએ કહ્યું હતું તે પ્રમાણે બધી ગોઠવણ કરી દીધી.

"વાત એક ઉંદરની" લાલચ અને મહેનત વગરનો આનંદ ભારે પડ્યો.

રાત્રે ઉંદર આવ્યો. રસ્તામાં જ અનાજના દાણા જોયા. ખાવા લાગ્યો. થોડે આગળ ગયો. અનાજ ભરેલી આખી બરણી જોઈ તે ખુશ થઈ ગયો અને કૂદીને બરણીના ખુલ્લા ઢાંકણાને ધક્કો મારીને બરણીમાં ચઢી ગયો અને આરામથી અનાજ ખાવા લાગ્યો.તેણે વિચાર્યું આ તો મજા થઈ ગઈ. હવે મારે ખોરાક શોધવા જ નહિ જવું પડે.તે ખુશ ખુશ થઇ ગયો કારણ કે તેની આજુબાજુ ખોરાક જ ખોરાક હતો.તે આખો દિવસ મજાથી ખાતો અને અનાજના ઢગલા પર જ આરામ કરતો.

ધીરે ધીરે અનાજ ઘટવા લાગ્યું અને ઉંદર બરણીના તળિયે પહોંચી ગયો અને હવે તે બરણીમાં ફસાઈ ગયો. તે બહાર નીકળી શકે તેમ ન હતો.લાલચ અને મહેનત વગરનો આનંદ લૂંટવામાં ઉંદર પકડાઈ ગયો હતો. જીવનમાં પણ આ પાઠ ભણવા જેવો અને યાદ રાખવા જેવો છે. જયારે કોઈ વસ્તુ એકદમ સહેલાઈથી અને વગર મહેનતે મળી જાય ત્યારે લલચાઈને તે લેતાં પહેલાં ચોક્કસ પરિણામનો વિચાર કરવો. 

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts