નવી દિલ્હી (New Delhi): દેશામાં કોરોનાના (Corona Virus/ Covid-19) વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુરૂવારે ભારત સરકારે પસાર કરેલા નવા આદેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાન પ્રતિબંધ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ડીજીસીએના નવા આદેશમાં જણાવાયુ છે કે કેસના આધારે ફક્ત પસંદ કરેલી ફ્લાઇટ્સને જ મંજૂરી આપવામાં આવશે.

‘COVID-19 થી સંબંધિત મુસાફરી અને વિઝા પ્રતિબંધો‘ શીર્ષકના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ પર તારીખ 31 ડિસેમબર 2020 સુધી રાત્રે 23.59 કલાક સુધી પ્રતિબંધ રહેશે. આદેશમાં ખાસ જણાવાયુ છે કે, ‘આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને DGCA દ્વારા મંજૂરી આપવામાં આવતી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.’.

નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, જો કે સક્ષમ અધિકારી દ્વારા પસંદગીના માર્ગો પર કેસના આધારે આંતરરાષ્ટ્રીય અનુસૂચિત ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. આ મહિનાની શરૂઆતમાં ઉડ્ડયન મંત્રાલયે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 30 નવેમ્બર સુધી લંબાવ્યો હતો. જો કે તે સમયે પણ આંતરરાષ્ટ્રીય સુનિશ્ચિત ફ્લાઇટ્સને પસંદગીના માર્ગો પર સક્ષમ અધિકારી દ્વારા કેસ-ટુ-કેસ (Case To Case) આધારે મંજૂરી આપવામાં આવી હતી.

તમે કેવી રીતે મુસાફરી કરી શકો છો?
કોઈપણ વ્યકતિ જે વિદેશી દેશોની મુસાફરી કરવા માંગે છે તેમણે એર બબલની વ્યવસ્થા પર નિર્ભર રહેવું પડશે. કોરોનાના સમયમાં એર બબલ કરાર હેઠળ બે દેશો વચ્ચે વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થઇ રહ્યુ છે. અત્યાર સુધી ભારતે લગભગ 22 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બહેરિન, ભૂટાન, કેનેડા, ઇથોપિયા, ફ્રાંસ, જર્મની, ઇરાક, જાપાન, કેન્યા, માલદીવ, નેધરલેન્ડ, નાઇજીરીયા, ઓમાન, કતાર, રવાન્ડા, તાંઝાનિયા, યુએઈ, લંડન, યુક્રેન અને અમેરિકા છે.