સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન’[CBI]એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસનો ક્લોઝર રિપોર્ટ બાંદરા કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સૌથી અગત્યની વાત CBIએ સ્વીકારી છે કે, ‘આ કેસ આત્મહત્યાનો છે’. સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ 14 જૂન 2020ના રોજ ગળે ફાંસો ખાવાથી થયું હતું. મુંબઈ પોલીસે આદરેલી તપાસ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ કેવી રીતે થયું તેને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. અફવા પ્રસરી અને આક્ષેપબાજી પણ થઈ. એક સમયે તો આ પૂરા કેસમાં રાજકારણ પણ ભળ્યું. અત્યારે જે તથ્યો મળે છે તેમાં સ્પષ્ટ થાય છે કે 13 જૂન 2020ના રોજ એટલે કે આત્મહત્યા કર્યાના એક દિવસ અગાઉ સુશાંત ડિનર લઈને પોતાના બેડરૂમમાં ગયો. રાતે બે વાગ્યાની આસપાસ તેણે બે ફોન કર્યા. એક ફોન અભિનેત્રી રેહા ચક્રવર્તીને અને બીજો અન્ય એક ટેલિવિઝન અભિનેતા મહેશ શેટ્ટીને. જો કે આ બંનેએ ફોન ન ઉપાડ્યા. પછી તે સવારે વહેલા ઊઠ્યો. તેણે ઇન્ટરનેટ પર કેટલીક ડિપ્રેશનની દવાઓ અંગે સર્ચ કર્યું. આ ઘટના બની ત્યારે સુશાંતના બે મિત્રો તેની સાથે રહેતા હતા. 14 જૂનના સવારે સુશાંતે તેની બહેન સાથે પણ વાત કરી હતી. દસેક વાગે તેના ટેબલ પર જ્યૂસ અને કેટલીક દવાઓ મૂકવામાં આવી. સાડા અગિયારના સુમારે સુશાંતના રસોઈયાએ ભોજનની તૈયારી માટે સુશાંતનો બેડરૂમનો દરવાજો ખખડાવ્યો પણ તેણે ન ખોલ્યો. અનેક વાર દરવાજો ખખડાવ્યો છતાંય ન ખોલ્યો. આખરે દરવાજો ચાવીવાળાને બોલાવીને ખોલવામાં આવ્યો ત્યારે સુશાંતે ગળે ફાંસો ખાધો હતો તેવું સૌ કોઈએ જોયું હતું. તે વખતે કોઈ ચિઠ્ઠી મળી નહોતી.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે મુંબઈ પોલીસનો હવાલો આપીને લખેલા અહેવાલ મુજબ સુશાંત ડિપ્રેશનમાં હતો અને કોઈ મનોચિકિત્સક પાસે તેની સારવાર ચાલી રહી હતી. ‘ટાઇમ્સ નાઉ’ ચેનલ દ્વારા પણ સુશાંતના ડિપ્રેશનની વાત રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન CBI દ્વારા થયેલી FIRમાં અભિનેત્રી રેહા ચક્રવર્તી, તેનાં માતા-પિતા અને રેહાના ભાઈને આરોપી બનાવવામાં આવ્યાં હતાં. સુશાંતના પિતાએ પણ પટનામાં આમને જ દોષી ઠેરવતી FIR કરી હતી. સામે પક્ષે કાઉન્ટર FIRમાં રેહાએ સુશાંતનાં બહેન અને તેનાં ડોક્ટરનું નામ લખાવ્યું હતું. જો કે આખરે આ બધી FIR પર CBI દ્વારા એક સાથે તપાસ થઈ હતી. CBIએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે રેહા ચક્રવર્તી કે અન્ય કોઈ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. આ પૂરા કેસને લઈને છ મહિના સુધી મીડિયામાં રોજેરોજ કશુંક ને કશુંક નવું આવતું રહ્યું પરંતુ 3 ઑક્ટોબર 2020ના રોજ ફોરેન્સિક રિપોર્ટમાં જ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે. તે સમયે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ સાથે પણ સુશાંતના મૃત્યુને જોડવામાં આવ્યું. ખાસ તો સુશાંતના આત્મહત્યાના થોડા દિવસો પહેલાં સુશાંત સાથે કેટલાંક પ્રોજેક્ટમાં કામ કરનારી દિશા સલિઅને પણ આત્મહત્યા કરી હતી એટલે પૂરી ઘટના વિશે શંકાકુશંકા થઈ. ઉપરાંત તે સમયે કોવિડ હતો અને તેથી આ ખબરને પણ મીડિયાએ ખૂબ ચગાવી. આખરે હવે તેનો ક્લોઝર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ થયો છે અને તે સ્વીકારાઈ જશે તો આ કેસ પર પૂર્ણવિરામ મુકાશે.
આ રીતે 30 ભારતીય સૈન્ય વિરુદ્ધ થયેલા એક કેસને સુપ્રીમ કોર્ટે બંધ કર્યો છે. વાત એમ હતી કે 4 ડિસેમ્બર 2021ના રોજ ગાલેન્ડના મોન જિલ્લામાં ભારતીય સૈન્યના થઈ રહેલાં એક ઓપરેશન અંતર્ગત સૈન્યના જવાનોએ એવી ટ્રક પર ગોળીઓ ચલાવી દીધી જેમાં સગીર વયનાં બાળકોને જઈ રહ્યાં હતાં. તેઓને આંતકવાદી સમજીને સૈન્યના જવાનોએ ગોળીઓ ચલાવી. તેમાં છ કિશોર વયનાં બાળકો મૃત્યુ પામ્યાં. આ ઘટના પછી નાગાલેન્ડના આ વિસ્તારમાં પ્રસરેલી હિંસામાં બીજા આઠ વ્યક્તિઓ માર્યા ગયા. સૈન્યે પહેલાં આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નાગાલેન્ડમાં ઓપરેશન દરમિયાન આંતકવાદીઓને મારવામાં આવ્યા છે. ત્યાર બાદ 11 જૂન 2022ના રોજ નાગાલેન્ડ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પાંચ કેસ દર્જ થયા અને તેમાં 30 સૈન્યના જવાનોને આરોપી બનાવવામાં આવ્યા. નાગાલેન્ડના તત્કાલીન પોલીસ વડા ટી. જે. લોન્ગકુમારે મીડિયાને જણાવ્યું હતું કે સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં કોઈ નીતિ નિયમો પાળવામાં આવ્યા નહોતા. ‘રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશને’ પણ કેન્દ્ર અને રાજ્યને આ બાબતે નોટિસ મોકલી હતી. ભારતીય સૈન્યે સ્વતંત્ર રીતે પોતાની તપાસ આ કેસમાં આદરી અને હવે સુપ્રીમ કોર્ટે પણ આ કેસને ભારતીય સૈન્યના આંતરિક શિસ્તભંગનાં પગલાં તરીકે કાર્યવાહી કરવા પર છોડી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે.
મીડિયામાં ચકચાર મચાવતા આવા ઘણા કેસ આખરે બંધ કરી દેવામાં આવે છે ત્યારે તેની નોંધ જૂજ લેવાય છે. 2024ના અંતમાં આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ સ્થાપિત કરનારા સદગુરુના આશ્રમની ચર્ચા ખૂબ થઈ હતી. એવું કહેવાય છે કે સદગુરુના કોઈમ્બતુર ખાતેના આશ્રમમાં 40ની ઉંમર ધરાવતી બે બહેનો ગીતા અને લતા છેલ્લાં નવ વર્ષથી નિવાસ કરતી હતી. આ બે બહેનોના પિતાએ સદગુરુ પર કેસ કર્યો અને આરોપ લગાવ્યો કે સદગુરુના આશ્રમમાં મારી દીકરીઓ સાથે હું સંપર્ક સાધી શકતો નથી. આ કેસ સૌ પ્રથમ મદ્રાસ હાઇકોર્ટમાં પહોંચ્યો અને તેમાં મદ્રાસ હાઇકોર્ટે કડક વલણ લીધું અને સદગુરુના આશ્રમની પોલીસ તપાસના આદેશ આપ્યા. ઉપરાંત મદ્રાસ હાઇકોર્ટે આ દીકરીઓનું ‘બ્રેનવોશ્ડ’કરવામાં આવ્યું છે તેમ પણ કહ્યું. તેથી દેશભરની મીડિયામાં આ કેસની નોંધ લેવાઈ અને અનેક તર્કવિતર્ક થયા. એવી વાતો પણ વહેતી થઈ કે સદગુરુના આશ્રમમાં આવીને અનેક લોકો ગુમશુદા થયા છે પરંતુ આખરે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે વિગતો જોઈને બંને બહેનોને આશ્રમમાં રહેવાની પરવાનગી આપી દીધી. પિતાની અરજી સુપ્રીમ કોર્ટે માન્ય ન ગણી. સુપ્રીમ સમક્ષ બંને બહેનો વીડિયો કોન્ફરન્સિંગથી ઉપસ્થિત રહી અને પિતા તેમને કેવો ત્રાસ આપતા હતા તે વાત વર્ણવી. ઉપરાંત, તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે તેમ પણ કહ્યું. એ રીતે ઘણા સમય સુધી ચર્ચામાં રહેલા આ કેસ પર સુપ્રીમ કોર્ટે પડદો પાડી દીધો છે.
આ જ પ્રમાણે જાણીતી ચેનલ ‘NDTV’ના સ્થાપક સભ્ય પ્રણવ રોય અને રાધિકા રોય પર ICICI બેન્ક પાસેથી 375 કરોડની લોન ખોટી રીતે લેવાનો આરોપ લાગ્યો હતો. CBI દ્વારા થઈ રહેલી તપાસમાં ICICI બેન્કના અધિકારીઓને પણ ‘NDTV’ને આપેલી લોન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ‘NDTV’ની આ લોન સંદર્ભે મીડિયામાં અનેક અહેવાલ પ્રકાશિત થયા. ઘણા રિપોર્ટમાં એવું લાગતું હતું કે ‘NDTV’ના સ્થાપક પ્રણવ અને રાધિકા રોયે કશીક ગરબડ કરી છે પરંતુ આખરે દિલ્હી કોર્ટમાં CBIએ ‘NDTV’ના લોન કેસનો ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ પૂરા કેસમાં પ્રણવ-રાધિકા રોય દોષમુક્ત થયાં છે. 2017માં આ કેસમાં CBIએ કેસ ફાઈલ કર્યા હતા પરંતુ હવે તેઓને દોષમુક્ત જાહેર કરી પૂરા કેસ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આવા તો અનેક કેસ આપણા દેશમાં થાય છે, જ્યારે પહેલાંવહેલાં તેની વિગત મીડિયામાં પ્રકાશમાં આવે છે અને તે પછી જ્યારે તે કેસ બંધ થાય ત્યારે તેની કોઈ વિશેષ નોંધ લેવાતી નથી. દિલ્હીના ગલિયારામાં અથવા દેશના રાજ્યોની રાજધાનીમાં જે કંઈ ચાલે છે તેની જૂજ જ વિગત લોકો સમક્ષ આવે છે. ઉપરાંત કેટલાક આવા કેસોમાં પણ વિગતો લોકો સમક્ષ સાચી નથી આવતી અને જ્યારે ખરેખર સત્ય બહાર આવે છે ત્યારે એવું લાગે છે કે દેશ પારદર્શી રીતે ચાલી રહ્યો નથી અને લોકો રોજેરોજ છેતરાઈ રહ્યા છે.
- પ્રશસ્ત પંડયા

