SURAT

CMA પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં નંબર 1 રેન્ક મેળવનાર સુરતની કૃતિકાએ તૈયારી માટે આપી ખાસ ટીપ્સ

સુરત: સુરતનો શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ વધી રહ્યો છે અને તેનો તાજેતરનો ઉદાહરણ CMA (કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) પરીક્ષાના ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરિણામ છે, જે દેશભરમાં સુરતનું ગૌરવ વધારવા માટે પૂરતું છે.

  • સુરતની વિદ્યાર્થીનીએ ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો, ટોપ 50 માં સુરતના 12 વિદ્યાર્થી સામેલ
  • ફાઇનલ અને ઇન્ટર મિડીયેટમાં ઓલ ઈન્ડિયા રેન્ક અને ટોચનું પરિણામ
  • ફાઇનલ પરિણામ: ટોચની રેન્ક વન સાથે સુરતની વિદ્યાર્થીની આગળ

‘ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા’ દ્વારા ડિસેમ્બર 2024માં લેવામાં આવેલા CMA ફાઇનલમાં સુરતના 154 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 42 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપમાં સફળતા મેળવી. સુરતનું પરિણામ 27.27 ટકા રહ્યું છે. ખાસ કરીને, સુરતના રત્નેશ ફીટવાળાએ ઓલ ઈન્ડિયા 14મી રેન્ક સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

સુરતના વધુ ચાર વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા ટોપ 50 રેન્કમાં સ્થાન મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. CMA ઇન્ટરમીડિયેટમાં સુરત કેન્દ્રનું પરિણામ 23.64 ટકા રહ્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી ઉચ્ચતમ છે. ઈન્ટરમીડિયેટમાં સુરતની કૃતિકા સિંગલએ 666 માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા ટોપર બની છે, જે શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. એટલું જ નહીં, કુલ 554 વિદ્યાર્થીઓમાંથી 131 વિદ્યાર્થીઓ પાસ થયા છે, અને 12 વિદ્યાર્થીઓ ટોપ 50 રેન્કમાં આવ્યા છે.

આ પરિણામ સુરતના વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક પાયાની મજબૂતતાને દર્શાવે છે. આ સાથે, શૈક્ષણિક કેન્દ્ર તરીકે સુરતની ખ્યાતિ સમગ્ર દેશમાં વધુ મજબૂત બની છે. વિદ્યાર્થીઓએ CMA જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં જે ઉકૃષ્ટ પ્રદર્શન કર્યું છે તે સુરતના શિક્ષણ અને તાલીમની ગુણવત્તા પર પ્રકાશ પાડે છે.

વિશ્વસ્તરે સુરતનું સ્થાન મજબૂત
આ પરિણામો સુરતના શૈક્ષણિક ક્ષેત્ર માટે એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય છે, જ્યાં શહેરના વિદ્યાર્થીઓ હવે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું અધ્યાય લખી રહ્યા છે. CMA પરીક્ષાના પરિણામે સુરતમાં ખુશીના માહોલ સાથે ભાવિ માટે આશાવાદ વધ્યો છે, જ્યાં વધુ વિદ્યાર્થીઓ આવી સફળતા માટે પ્રેરિત થશે.

સુરત ચેપ્ટરનું પરિણામ ઊંચુ
સીએમએ સુરત બ્રાંચ દ્વારા કહેવામાં આવ્યું કે, સુરતનું પરિણામ અન્ય ચેપ્ટર કરતાં અને વેસ્ટર્ન રિજિયનમાં સૌથી ઊંચું આવ્યું છે. દર વર્ષે પરિણામમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સખત મહેનત કરીને સારું પરિણામ મેળવી રહ્યાં છે. ઈન્ટરમાં 39 ટકા અને ફાઈનલમાં 58 ટકા જેટલું ઉંચું પરિણામ આવ્યું છે. જે વિદ્યાર્થીઓની મહેનતને દર્શાવે છે

ફાઈનલ લેવલ ટૉપર્સ:

  1. રત્નેશ હિતેશકુમાર ફીટવાલા (14મો રેન્ક, 565 સ્કોર)
  2. વિશ્વ વૈભવકુમાર ગાંધી (28મો રેન્ક, 533 સ્કોર)
  3. મુસ્કાન ભવેશભાઈ લાલવાણી (30મો રેન્ક, 531 સ્કોર)
  4. રોશન પેરીવાલ (35મો રેન્ક, 526 સ્કોર)
  5. ખુશી સુનીલકુમાર બદલાની (39મો રેન્ક, 520 સ્કોર)

ઇન્ટર લેવલ ટૉપર્સ:

  1. કૃતિકા સિંઘલ (ફર્સ્ટ રેન્ક, 666 સ્કોર)
  2. મોહિત તિલવાણી (5મો રેન્ક, 615 સ્કોર)
  3. કૌશલ રોશન જોશી (7મો રેન્ક, 607 સ્કોર)
  4. ચોરાવાળા પ્રથમકુમાર નિલેશકુમાર (9મો રેન્ક, 599 સ્કોર)
  5. મિતેશ રાજકુમાર કોઠારી (15મો રેન્ક, 580 સ્કોર)
  6. વિરલ અસોદરિયા (19મો રેન્ક, 574 સ્કોર)
  7. ઘનશ્યામ ગોપાલલાલ અગ્રવાલ (29મો રેન્ક, 559 સ્કોર)
  8. મયંકકુમાર વિજયકુમાર મહેતા (29મો રેન્ક, 559 સ્કોર)
  9. જાનવી મનોજભાઈ શાહ (36મો રેન્ક, 549 સ્કોર)
  10. પુષપ ડાગા (38મો રેન્ક, 546 સ્કોર)
  11. મનિષકુમાર માણકલાલ સોમાણી (39મો રેન્ક, 545 સ્કોર)
  12. નિશાંત શીવપ્રકાશ કરવા (39મો રેન્ક, 545 સ્કોર)

ઓલ ઈન્ડિયા રેન્ક ફર્સ્ટ કૃતિકા સિંઘલનો ઈન્ટરવ્યૂ

પ્રશ્ન: તમે CBSE બોર્ડમાંથી 10મા ધોરણમાં 96.4% અને 12મા ધોરણમાં 98.6% ગુણ મેળવ્યા છે. હાલમાં તમે VNSGUમાં B.Comના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો અને સાથે આર્ટિકલશિપ પણ કરી રહ્યા છો. એટલું બધું એકસાથે સંભાળવા માટે તમે કેવી રીતે પ્રેરણા મેળવી?
જવાબ: અભ્યાસમાં મારી પ્રાથમિકતા સખત મહેનત અને સંપૂર્ણ કેન્દ્રિતતા છે. મેં સમયનું યોગ્ય આયોજન કર્યું, જે મારી સફળતાનું મુખ્ય કારણ છે. મારી પ્રેરણા માટે આધ્યાત્મિકતા ખૂબ મહત્વપૂર્ણ છે. મંદિર જવાથી મન શાંત રહે છે અને નવી ઊર્જા મળે છે.

પ્રશ્ન: પહેલા જ પ્રયાસમાં CMA ઇન્ટર પાસ કરવી એક મોટી સફળતા છે. આ માટે તમે શું ખાસ પ્રયાસ કર્યા?
જવાબ: CMA ઇન્ટર પાસ કરવા માટે મેં થિયરી અને પ્રેક્ટિકલ બન્નેમાં સંતુલન રાખ્યું. જો વિષય મુશ્કેલ લાગતો, તો હું તેમાંથી ભાગતી ન હતી. તેના પર વધુ મહેનત કરી. પોતાને સમજવા માટે મેં સ્વ-અભ્યાસ પર ભાર મૂકો. જ્યાં મુશ્કેલી આવતી, ત્યાં યૂટ્યુબ પર વિડિઓઝ જોઈ અભ્યાસ કર્યો. સત્તાવાર નોટ્સ સિવાય પણ વિવિધ સ્રોતોનો ઉપયોગ કરી બધું સમજવાનો પ્રયત્ન કર્યો.

પ્રશ્ન: અભ્યાસ દરમિયાન તણાવને કેવી રીતે સંભાળ્યો?
જવાબ: તણાવ દૂર કરવા માટે મેં સોશિયલ મીડિયાનો સમજી-વિચારીને ઉપયોગ કર્યો અને નિયમિત વિરામ લીધા. સાથે મેડિટેશન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મને શાંતી મળી. આથી, મહેનત સાથે મન મજબૂત પણ રહી શક્યું.

પ્રશ્ન: તમારી સફળતાનું મુખ્ય રહસ્ય શું છે?
જવાબ: મારા માટે સુસંગતતા ખૂબ મહત્વપૂર્ણ છે. નિયમિત મહેનત અને સતત પ્રેક્ટિસથી કંઈપણ હાંસલ કરી શકાય છે.

સ્ટેટ ટોપર અને ઓલ ઇન્ડિયા રેન્ક 14 રત્નેશ કુમાર ફીટવાલનો ઈન્ટરવ્યૂ

પ્રશ્ન: તમે ગુજરાત બોર્ડમાંથી 10મા અને 12મા ધોરણમાં શ્રેષ્ઠ ગુણ મેળવી અને હાલ સીએ ફાઇનલની તૈયારી કરી રહ્યા છો. તમારી સફળતાનું મુખ્ય કારણ શું છે?
જવાબ: મારી સફળતાનું મુખ્ય કારણ સતત અભ્યાસ અને એકાગ્રતા છે. હું જે કંઈ એકવાર વાંચું, તે મને લાંબા સમય સુધી યાદ રહે છે. હું સુધારેલા અને સંક્ષિપ્ત નોટ્સ બનાવીને રિવિઝન પર ભાર મૂકતો હતો, જેનાથી ખૂણેખાંચે ધ્યાન ગયું.

પ્રશ્ન: અભ્યાસમાં સાતત્ય જાળવવા માટે તમે શું ખાસ પગલાં લીધાં?
જવાબ: મેં અભ્યાસ દરમિયાન મજબૂત રૂટિનનું પાલન કર્યું. નિયમિત વિરામ લઈને તાજગી મેળવી અને સમયનું યોગ્ય વિતરણ કર્યું. ખાસ કરીને, મેં અભ્યાસના તણાવથી બચવા માટે સતત ભૂલોથી શીખવાનું દ્રષ્ટિકોણ અપનાવ્યું.

પ્રશ્ન: તમારું ભવિષ્યનું લક્ષ્ય શું છે?
જવાબ: હું સીએ ફાઇનલ બાદ કોર્પોરેટ જગતમાં સારી જગ્યાએ કામ કરવાનું સપનું જોઈ રહ્યો છું. જો મને શ્રેષ્ઠ પેકેજ મળે, તો મારો અભ્યાસ અને મહેનત બંનેની સાચી કિંમત થશે.

પ્રશ્ન: નવા વિદ્યાર્થીઓ માટે શું સલાહ આપશો?
જવાબ: મારી સલાહ છે કે તણાવમુક્ત રહીને સાતત્ય સાથે અભ્યાસ કરો. તમે જો ગહન રીતે અને નિયમિત પ્રેક્ટિસ સાથે આગળ વધો, તો કોઈપણ કઠિન બાબતને હળવી બનાવી શકાય છે.

Most Popular

To Top