આજે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આજે સવારે સુરતમાં શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. આ મેરેથોનમાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, આયોજન બાદ શરમજનક દ્રશ્યો જોવા મળ્યા હતા.
રન ફોર યુનિટીમાં દોડવા આવેલા સુરતીઓએ નાસ્તાના ખાલી પેકેટ અને પાણીની ખાલી બોટલો રસ્તા પર ફેંકી હતી, તેનો મોટો ઢગલો ઠેરઠેર જોવા મળી રહ્યો હતો. તેના લીધે રન ફોર યુનિટીના સમગ્ર રોડ પર ભારે ગંદકી ફેલાઈ હોવાનો માહોલ સર્જાયો હતો. આ દ્રશ્ય સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોઈ શક્યા નહોતા. કોઈને કશું કહ્યા વિના સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાતે જ કચરો ઉપાડવા લાગ્યા હતા.

તેમને જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કચરો ઉપાડવા લાગ્યા હતા. પતિઓને કચરો વીણતા જોઈ તેમની પત્નીઓ પણ આ સફાઈ કાર્યમાં જોડાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમની પત્નીઓએ સફાઈ કાર્ય જાતે જ ઉપાડી લીધું હતું.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોીલસ કમિશનર બંબાગ જમીન સહિત ડીસીપી, એસીપી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ જાતે જ સ્વચ્છતા કરવા માંડી હતી. કોઈ પણ જાતનો શરમ કે સંકોચ રાખ્યા વિના ઉચ્ચ અધિકારીઓએ રસ્તા પર પડેલો કચરો વીણ્યો હતો. તેમની પત્નીઓ પણ આ સફાઈ કાર્યમાં જોડાઈ હતી. આ દ્રશ્ય પ્રેરણાદાયી હતું. જે સુરતીઓને એક મેસેજ આપતું હતું.

પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની આ કામગીરીએ સુરતીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે, સુરત આપણું શહેર છે. તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. કોઈ સફાઈકર્મી આવે અને સફાઈ કરે તેની રાહ જોવાની જરૂર નથી. જાતે જ કચરો ઉપાડો અને તેને યોગ્ય સ્થાને નિકાલ કરો. તો આપણું શહેર સ્વચ્છ રહેશે.