SURAT

પતિના આત્મહત્યાના કારણે પત્નીને જેલ થઈ અને હવે ત્રણ વર્ષની પુત્રી પણ આ કારણસર માતા સાથે રહેશે

સુરત: પત્નીના (Wife) અન્ય પુરૂષ સાથેના અનૈતિક સંબંધને કારણે ઉગત કેનાલ રોડ ખાતે રહેતા પતિએ (Husband) આત્મહત્યા (suicide) કરી લીધી હતી. આત્મહત્યા દુષ્પ્રેરણાના આ કેસમાં પોલીસે પત્નીને કોર્ટમાં (Court) રજુ કરી હતી જ્યાં તેણીએ સાડા ત્રણ વર્ષની બાળકીને આગળ કરી જામીન માંગ્યા હતા. જોકે કોર્ટે પત્નીએ તેના મોબાઇલમાં અન્ય પુરૂષ સાથે અંગતપળનો વિડીયો બનાવ્યો હોવાની નોંધ લઇ જામીન નામંજૂર કરી બાળકીને પણ માતાની સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલવા હુકમ કર્યો હતો.

પતિનો અંતિમ વીડિયો હું આત્મહત્યા કરૂ છું જેની તમામ જવાબદારી મારી પત્નીની અને તેના મા બાપની છે
આ કેસની વગિત અનુસાર રાંદેર-ઉગત કેનાલ રોડ ખાતે એસએમસી આવાસમાં રહેતા અને મનપામાં સફાઇ કર્મચારી તરીકે નોકરી કરતા દિપકભાઇ સોલંકી (ઉ.વ.38)ના લગ્ન નયના બારૈયા સાથે થયા હતા. દરમિયાન પત્નીના અન્ય પુરૂષ સાથે અંગત પળો માણતો વિડીયો પતિ દિપક સોલંકી જોઇ ગયો હતો. જે અંગે પત્નીને ઠપકો આપતા પત્ની, તેના પ્રેમી તેમજ સાસરિયાઓએ દિપકને ગમે તેવા શબ્દો કહી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા દિપક સોલંકીએ મોબાઇલમાં એક વિડીયો રેકોર્ડ કર્યો હતો જેમાં હું આત્મહત્યા કરૂ છું જેની તમામ જવાબદારી મારી પત્નીની અને તેના મા બાપની છે. મારી કોઇ ભુલ નથી.

બાળકી માતા વગર નહીં રહી શક્તી હોવાનું કારણ બતાવી જામીન માંગ્યા
વિડીયોને આધારે મૃતકના ભાઇ પ્રતિક સોલંકીએ રાંદેર પોલીસ મથકે મૃતકની પત્ની નયના, તેની માતા નિમુબેન બારૈયા, સસરા ઉકાભાઇ સવજીભાઇ બારૈયા તેમજ પ્રેમી વિરૂદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગઇકાલે આરોપી પત્ની નયના અને સાસુ નિમુબેન બારૈયા (રહે. ભગવાનનગર સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા પાસે)ની ધરપકડ કરી બંનેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં સાસુનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. નયનાને તેની સાડા ત્રણ વર્ષિય બાળકી સાથે કોર્ટમાં રજુ કરાઇ હતી અને બાળકી માતા વગર નહીં રહી શક્તી હોવાનું કારણ બતાવી જામીન માંગવામાં આવ્યા હતા. આ કેસમાં મુળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જે.જોગડીયા અને સરકારી વકીલ સૌરભ ચૌહાણ હાજર રહ્યા હતા. કોર્ટે પરપુરૂષ સાથે વિડીયો બનાવ્યો હોય ગુનાની ગંભીરતા જોતા પત્નીની જામીન અરજી નામંજૂર કરી સાડા ત્રણ વર્ષિય બાળકીને પણ માતા સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top