SURAT

ખોટા રવાડે ચઢી જતા પિતાએ ઠપકો આપતાં સગીરે મોટાવરાછાના બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા 17 વર્ષીય સગીરને પહેલા પોલીસ (Police) અને ત્યારબાદ પિતાએ ઠપકો આપતા ગુસ્સામાં આવીને ક્યાંક જતો રહ્યો હતો, આ સગીરની લાશ મોટા વરાછાના પુલની નીચેથી મળી આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ સગીરે મોટાવરાછાના નવા બ્રિજ (Bridge) ઉપરથી તાપીમાં ઝંપલાવીને આત્મહત્યા (Suicide) કરી હતી.

  • પિતાના ઠપકા બાદ સગીરની મોટાવરાછાના બ્રિજ ઉપરથી તાપીમાં મોતની છલાંગ
  • બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલા સગીરની લાશ મોટા વરાછા પુલ નીચે મળી આવી

પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય જેનીલ (નામ બદલ્યુ છે) થોડા દિવસો પહેલા ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયો હતો. જેનીલે ચોરી કરી હોવાથી ક્રાઇમ બ્રાન્ચે જેનીલના પિતાને ફોન કરીને ક્રાઇમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પુત્ર અવડા રવાડે ચઢી ગયો હોય તેને સમજાવવા માટે કહીને છોડી દીધો હતો. ત્યારબાદ ઘરે આવીને જેનીલને તેના પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાની વાતથી માઠું લાગી આવતા જેનીલ પોતાનો મોબાઇલ ઘરે મુકીને જ ચાલ્યો ગયો હતો. બે દિવસ છતાં પણ તે ઘરે નહીં આવતા કાપોદ્રા પોલીસે અપહરણની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે. કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓને કોઇ યુવકે મોટા વરાછાના નવા પુલ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ફાયર વિભાગની મદદ લઇને તપાસ કરતા મોટા વરાછાના પુલની નીચે તપાસ કરતા ત્યાંથી જેનીલની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાપોદ્રામાં ઘરમાં ગેસની બોટલ લીકેજ થતાં આગ ફાટી નીકળી
સુરત: કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગર પાસેની ભગવતી કૃપા સોસાયટીમાં મકાન નંબર 9માં ત્રીજા માળે ગેસની બોટલ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. સોમવારની સવારે 11.32 કલાકે આગ લાગતા રહીશોમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારના સભ્યોએ આગ પર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાબૂમાં નહીં આવતા આખરે ફાયર વિભાગને જાણ કરી હતી. આ બનાવમાં કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના આ બનાવમાં ઘરવખરીને નુકસાન થયું હતું. જોકે સમયસર આગની જાણ ફાયર વિભાગને થતા વધુ કોઇ નુકસાન થયું ન હતું, તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું.

Most Popular

To Top