SURAT

સુરતની સલાબતપુરા પોલીસનો વધુ એક ભાંડો ફૂટ્યો

સુરત (Surat): કોર્ટમાં (Court) ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા (Suicide) કરનાર ભરત ટાલિયાના કેસમાં હવે સલાબતપુરા પોલીસ (Police) પોતે ઓનરેકર્ડ પાંજરે પુરાઇ છે. પોલીસે ભરતભાઇનો કોવિડનો (Covide-19 ) રિપોર્ટ કરાવવાના કારણોસર અટકાયત તો કરી લીધી, પરંતુ ભરતભાઇનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ (Negative) આવ્યા બાદ વધારાના 21 કલાક સુધી તેમને ગેરકાયદે અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ ભરતભાઇની સાંજે 6 વાગ્યે ધરપકડ (Arrest) બતાવી રવિવારે કોર્ટમાં રજૂ કરાયાની વિગતો જાણવા મળી છે.

  • ભરત ટાલિયા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો
  • 7 જુલાઈની રાત્રે ભરત ટાલિયાની ધરપકડ કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
  • આઠ તારીખે રાત્રે જ કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યો, છતાં પોલીસે 21 કલાક બાદ ભરતભાઈની અટકાયત કરી તેના બીજા દિવસે કોર્ટમાં રજૂ કર્યા હતા

કોર્ટમાંથી મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસે ભરતભાઇની તા.7 જુલાઇને રાત્રે સાડા બાર વાગ્યે ધરપકડ કરી હતી. સીસીટીવી (CCTV) ફૂટેજ તેનો પુરાવો છે. હવે આ પુરાવાને જો અવગણીએ તો પણ અન્ય પુરાવા સલાબતપુરા પોલીસની સામે આવીને ઊભા રહે તેમ છે. ભરતભાઇને આખી રાત અને બીજા દિવસે બપોરે બે વાગ્યા સુધી રાખીને તા.8 જુલાઇ ને અઢી વાગ્યે કોવિડનો રિપોર્ટ કરાવવા માટે લઇ ગયા હતા. ભરતભાઇનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાવ્યા બાદ તા.8 જુલાઇએ રાત્રે પોણા નવ વાગ્યે જ ભરતભાઇનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તા.9 જુલાઇને સાંજે છ વાગ્યા સુધી એટલે કે અંદાજિત 21 કલાક સુધી ભરતભાઇને ગેરકાયદે અટકાયતમાં રાખી સાંજે 6 વાગ્યે તેમની ધરપકડ બતાવી હોવાના આક્ષેપ છે.

ત્યારબાદ પોલીસે ભરતભાઇને રવિવારે તા.10 જુલાઇએ બપોરે ઇનચાર્જ કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતાં. પોલીસે બે દિવસ બાદ ફરીવાર ભરતભાઇને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ભરતભાઇએ અચાનક ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડિંગના ચોથા માળે જઇ ત્યાંથી નીચે ઝંપલાવ્યું હતું અને આત્મહત્યા કરી હતી. પોલીસે ભરતભાઇનો કરાવેલો કોવિડનો રિપોર્ટ તેમજ તેમની ધરપકડનો ટાઇમ સાથેની યાદી કોર્ટમાં રજૂ કરી હતી. આ તમામ ડોક્યુમેન્ટ ઉપરથી પોલીસે ભરતભાઇને 21 કલાક સુધી ગેરકાયદે અટકાયતમાં લીધા હોવાની વાત બહાર આવી છે. આ બાબતે પોલીસ કમિશનર દ્વારા તમામ ડોક્યુમેન્ટ મંગાવી તલસ્પર્શી તપાસ કરાવવામાં આવે એ જરૂરી બન્યું છે.

કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ તરત જ ધરપકડ કરવાની હોય છે : વકીલ નિમેશ દલાલ
ધારાશાસ્ત્રી નિમેશ દલાલના જણાવ્યા પ્રમાણે હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે પોલીસ કોઇપણ આરોપીને કોવિડનો રિપોર્ટ કરાવવા માટે 24 કે 48 કલાક પહેલાં અટકાયતમાં લઇ શકે છે. જો આરોપીને કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ જો આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેની તાત્કાલિક ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાનો હોય છે. આ કેસમાં પણ પોલીસે ભરતભાઇને 21 કલાક જેટલો સમય ગેરકાયદે અટકાયત કરી છે. આ મામલે પોલીસ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરે એ જરૂરી છે.

Most Popular

To Top