ટ્રાફિક પોલીસે ટોઇંગ કરેલી મોટરસાયકલ છોડાવવા જતા યુવકે 30 હજાર ગુમાવ્યા

સુરત: (Surat) કતારગામથી રીંગરોડ બેંકમાં ગયેલા યુવકની મોટરસાઇકલને (Motor Cycle) પોલીસે ટોઇંગ (Towing) કરી લીધી હતી. આ વાહન લેવા માટે તેઓ રિક્ષામાં ટ્રાફિક પોલીસની ઓફિસે જતાં રિક્ષાચાલક ટોળકીએ યુવકની સાથે ધક્કામુક્કી કરીને રૂા. 30 હજાર ચોરી લેતા પોલીસ ફરિયાદ થઇ હતી.

  • ઉત્તરાયણ પહેલા બેંકમાં રૂપિયા જમા કરવા ગયેલા યુવકની સાથે ઠગાઇ થતા પોલીસ ફરિયાદ
  • ટ્રાફિક પોલીસે ટોઇંગ કરેલી મોટરસાયકલને છોડાવવા જતા યુવકે 30 હજાર ગુમાવ્યા
  • રિક્ષાચાલક ટોળકી રોકડ લઇ ફરાર

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ મોટીવેડગામમાં પ્રજાપતિ મહોલ્લામાં રહેતા વિનયકુમાર હસમુખભાઇ લાડ ભાગળ પાસે લીમડા ચોક નજીક આર.વાડીવાલા સિક્યુરીટીઝ પ્રા.લી. કંપનીમાં કલેકશન ડિપાર્ટમેન્ટમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. તા. 6-1-2022ના રોજ તેઓ ઓફિસનાકામથી રીંગરોડ સબ જેલ પાસે પ્રાઇમ બેંકમાં મેનેજરને મળવા માટે ગયા હતા, અને ત્યારબાદ તેઓ બીજી બેંકમાં ગયા હતા. અહીં બેંકનું કામ પતાવીને બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાઇકલ દેખાઇ ન હતી.

પુછપરછ કરતા મોટરસાઇકલ પોલીસ ક્રેઇનવાળા લઇ ગયાનું બહાર આવ્યું હતું. બાદમાં વિનયભાઇ રિક્ષામાં બેસીને કમેલા દરવાજા ટ્રાફિક પોલીસની ઓફિસે જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં સવાર અજાણ્યા ઇસમોએ તેમને ધક્કામુક્કી કરી હતી. બાજુમાં બેઠેલા યુવકે કહ્યું કે, મને ફાવતુ નથી મારે સ્પેશ્યલમાં જવું છે. ત્યારબાદ ડ્રાઇવરે રીક્ષા ઊભી રાખીને વિનયભાઇને નીચે ઉતારી દીધઆ હતા. થોડીવાર બાદ તેઓએ ખિસ્સા ચેક કરતા તેમાં રૂપિયા દેખાયા ન હતા. બનાવ અંગે વિનયભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top