SURAT

સુરતમાં લાલગેટમાં દવાખાનું ચલાવતો પરિવાર કાશ્મીર ફરવા ગયો અને અજાણ્યો ચોરી કરી ફરાર થઇ ગયો

સુરત: લાલગેટમાં (Lalgate) દવાખાનું ચલાવતો પરિવાર (Family) કાશ્મીર ફરવા ગયો ત્યારે તેમના દવાખાનાને નિશાન બનાવીને અજાણ્યો રૂ.77 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લાલગેટ શાહપોર પાસે ડો.ભકાના દવાખાનાની ગલીમાં મેઘદૂત એપાર્ટમેન્ટમાં રહેતા ફહીમહુશેન મોહંમદ શરીફ શેખ ઘરની નજીક ખાટકીવાડ પાસે દિલ્હી યુવાની દવાખાના નામથી ક્લિનિક ચલાવે છે. તેઓ એક લગ્નપ્રસંગ માટે મુંબઇ ગયા હતા અને ત્યાંથી ફરવાર માટે કાશ્મીર ગયા હતા. આ દરમિયાન તેમના મોબાઇલ ઉપર તેમના એક સંબંધીનો ફોન આવ્યો અને કહ્યું કે, દવાખાનાનું તાળું દેખાતું નથી અને ચોરી થઇ હોય તેવું લાગે છે. ફહીમહુશેને ફોટા મંગાવતાં દવાખાનામાંથી રૂ.45 હજાર ગલ્લાના તેમજ કેશ કાઉન્ટરમાંથી 32,700 મળી કુલ રૂ.77,700ની ચોરી થઇ હતી. આ બનાવ અંગે લાલગેટ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાપીમાં બે સ્થળે પરવાનગી વગર ચાલતા આયુર્વેદિક દવાખાના ઝડપાયા
વાપી : વાપીમાં બે સ્થળેથી ગુજરાત મેડીકલ કાઉન્સિલના રજીસ્ટ્રેશન તેમજ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનનું અંગેનું રજીસ્ટ્રેશન નહીં ધરાવતા બે આયુર્વેદિક દવાખાના એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે. આ બંને તબીબ સામે જિલ્લા પંચાયતના સલવાવ સ્થિત આયુર્વેદિક દવાખાનાના તબીબ ફાલ્ગુની એસ.પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાપીમાં નેશનલ હાઇવે નજીક ભારત પટ્રોલ પંપ પાસે દેસાઈ ચેમ્બરમાં ઉત્તમ શક્તિ આયુર્વેદિક દવાખાનું ચલાવતા ઇમરાન નગરમાં રહેતા દાનિશ આલમગીર શેખ તથા શાદાબ હુસેન આફતાબ હુસેન શેખને એસઓજીની ટીમે અટક કરીને વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ડો.ફાલ્ગુની પટેલની ફરિયાદને આધારે ગુનો નોંધી દવાખાનામાંથી દવાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા એક કિસ્સામાં વાપી ટાઉનમાં નોંધાયેલા ગુનામાં વાપી સરવૈયાનગર ઇમરાનનગર મસ્જીદની બાજુમાં કોઈ પણ જાતની પરમિશન વગર સાંઈ સંધ્યા ક્લિનીકને નામે આયુર્વેદિક દવાખાનું ચલાવતા મણીશંકર બીરેન પાન્ડેને એસઓજીની ટીમે ઝડપી પાડી દવાનો જથ્થો કબજે લઈ આયુર્વેદિક ડો. ફાલ્ગુની પટેલની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઈ પણ જાતના પરમિશન વગર ગેરકાયદેસર રીતે ડોકટરની પ્રેક્ટિસ કરતા આ દવાખાનાઓમાં લોકોની જિંદગી સામે જોખમ ઊભું થતું હોવાથી પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં પાન્ડેની સામે ગુનો નોંધ્યો છે. હાલમાં કોરોના હોવાથી તેના ટેસ્ટ પછી બંને દવાખાના ચલાવતા આરોપીઓની અટક કરીને પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

Most Popular

To Top