સુરત : નાની વેડ ગામમાં રહેતા પટેલ (Patel) સમાજના આગેવાન દ્વારા પરિણીતાનું સતત પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સિંગણપોર પોલીસ મથકે (Police Station) દાખલ થઇ છે. બે સંતાનોની માતાએ ઝેર પી લેતા સુરતના પટેલ સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં આરોપી ભાગી ગયો હોવાની વિગત પોલીસે જણાવી છે. આ મામલે જે વિગત જાણવા મળી છે તેમાં કતારગામ વિસ્તારમાં રસોઇ કામ કરતા 36 વર્ષના યુવાનની પત્ની દેવીલા (નામ બદલ્યું છે) છે. વર્ષ 1997માં દેવીલાના પિતાનું અવસાન થયું હતું, ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી. દેવીલા અને તેના પરિવારનો સમગ્ર વહીવટ ઉપલા ફળિયામાં રહેતા શાંતિલાલે પોતાના હસ્તક લઇ લીધો હતો.
હાલમાં દેવીલાને 18 વર્ષની દિકરી અને 14 વર્ષનો પુત્ર છે. દેવીલાના ભાઇએ વર્ષ 2013માં પોતાની મિલકતમાં બે દુકાન બનાવી ભાડે આપી હતી. 2015માં દેવીલાના ભાઇનું અવસાન થયું હતું. તેથી આ વહીવટ પણ શાંતિલાલ ઉર્ફે શાંતુલાલ દુર્લભભાઇ પટેલ પોતાની પાસે લઇ લીધો હતો. દેવીલાને પોતાના દિકરાની સ્કૂલ ફી ભરવા માટે પૈસા જોઇતા હતા ત્યારે તેઓ શાંતિલાલ પાસે ગઇ હતી ત્યારે તેઓએ નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો અને અઘટિત માંગણી કરી હતી. આ ઉપરાંત શારીરિક અડપલા કર્યા હતા. ‘જો તું ઉપભોગ કરવા દે તો જ તને હું રૂપિયા આપીશ’ એમ કહેતા દેવીલાએ શરણાગતિ સ્વીકારવી પડી હતી.
શાંતિલાલ દ્વારા પાંચ વર્ષથી હેરાનગતિ કરવામાં આવતા દેવીલાએ ઝેર પી લેતા સુરતના પટેલ સમાજમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. શાંતિલાલ પટેલે દેવીલાનો વિડીયો પણ ઉતાર્યો હતો. જેથી બધી વાત દેવીલાએ તેના પતિને કહી હતી. આ મામલે હોસ્પિટલમાંથી સારવાર લઇને દેવીલાએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાની વિગત જાણવા મળી છે. પીઆઇ બલદાણિયાએ જણાવ્યું કે આરોપી શાંતિલાલ હાલમાં ફરાર છે તે મળ્યા બાદ જ તેઓ વધારે કાઇ કહી શકશે.